STORYMIRROR

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

વર્ષા

વર્ષા

1 min
236


(માલિની)

ઘડી ઘડી તડકોને , છાંયડો ફેરવાયે,

ગરમીથી ઉકલાટો, પ્રાણીને ભારી થાયે,

અહિં તહિં બહુ દીસે, દોડતાં અભ્ર કાળાં,

સકળ જન કહે એ, વૃષ્ટિના થાય ચાળાં.

રુડું ધનુષ જણાયે, પીત સૂર્યાસ્ત ભાસ, 

અતિ ઉજળું કુંડાળું, ચંદ્રની આસ પાસ,

વીજળી ઘણી ઇશાને, તરુતા વા શીતાળા, 

સકળ જન કહે એ, વૃષ્ટિના થાય ચાળાં.

ચમક ચમક વીજે, વ્યોમને ફાડી નાખ્યું,

ગડાગડ ગવડાટે, ધ્રુજવ્યું અંડ આખું,

સરર ધરર ગાજ્યો તોરી વંટોળી વાત,

વળગી પડીજ ચોંકી દાસીને જાણી નાથ.

(મંદાક્રાંતા)

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે, 

વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે; 

ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી, 

દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ? 

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે, 

‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે; 

દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો, 

માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો ! 

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને, 

તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને; 

રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે, 

‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ? 

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે, 

ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે 

તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી, 

કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics