વાર નથી લાગતી
વાર નથી લાગતી
જીતીને ઝૂકી જઈએ ને હસીને હારી જઈએ તો,
અગનને ફૂલ બની જતાં વાર નથી લાગતી.
મનના ખૂણામાં ઈર્ષાની કાંકરી ખૂંચી ગઈ તો,
નિર્મળ જળમાં વમળ ઉઠતા વાર નથી લાગતી.
કાબૂમાં ન રે લાગણીનો દરિયો તો,
પથ્થર માં તિરાડ પડતાં વાર નથી લાગતી.
હક્કના પલ્લામાં ઝૂલતી દીકરીને સાસરીમાં,
ફરજના પલ્લામાં ગોઠવાતા વાર નથી લાગતી.
જીવન રણની રેત સમાન,
પગલાના નિશાન ભૂંસાતા વાર નથી લાગતી.
જતનથી જીવી લઈએ જિંદગી,
કાચનું વાસણ ફૂટી જતાં વાર નથી લાગતી.
