તમે ક્યાં છો ?
તમે ક્યાં છો ?
ભૂતળ આખું ફરી વળ્યો, હરિ તમે ક્યાં છો ?
સંતસમાજે જઈ ભળ્યો, હરિ તમે ક્યાં છો ?
કરી યાત્રા પગપાળા તીર્થધામની મન મૂકીને,
અંતરથી કેવું ખળભળ્યો, હરિ તમે ક્યાં છો ?
દાનદક્ષિણા આપી જરૂરતમંદને યથાશક્તિ,
પાપાચારથી પરત ફર્યો, હરિ તમે ક્યાં છો ?
ઉપવાસ, એકટાણા, નિર્જળા એકાદશી કરી,
તીર્થોદક પામીને હું ઠર્યો, હરિ તમે ક્યાં છો ?
ના મળી ભાળ મને પરમેશની ક્યાંય કદીએ,
ને પછી કેટલો બળાપો કર્યો, હરિ તમે ક્યાં છો ?
ત્યાં તો અંતરે ઊઠ્યો અવાજ હતો હરિતણો,
હું તો તારા રોમેરોમે ભર્યો, હરિ તમે ક્યાં છો !
શોધ થઈ મારી પૂરી, મનમંદિરે વસે હરિવર,
પછી કદી ન સવાલ પૂછ્યો, હરિ તમે ક્યાં છો ?
