STORYMIRROR

Dinesh Desai

Romance

3  

Dinesh Desai

Romance

તારું નામ એટલે

તારું નામ એટલે

2 mins
27.2K


(1)

“તારું નામ મારી લીલીકચ્ચ નસોમાં,

ઝરણું બનીને વહી રહ્યું છે સતત...

એ નદી બનીને પાછું મારા જ સમુદ્રમાં

સમાઈ જાય છે નિરંતર.”

 

(2)

“મારી આંખે

તારા નામનું ઝાકળ,

જાણે ફૂલ પર સંબંધની શોકસભા.”

 

(3)

“એક તારા નામનો ખાલીપો

આકાશ કરતાં વધુ વ્યાપક,

વધુને વધુ ફેલાયેલો,

જેનો કોઈ અંત નથી – ખરેખર અનંત.”

 

(4)

“તારું નામ દરિયાની ભરતી સાથે આવી જાય

ને ઓટ સાથે ચાલ્યું જાય એવું નથી,

એ તો ખુદ દરિયાની જેમ ચિરસ્થાયી છે.”

 

(5)

“પ્રતીક્ષા આરામ બનીને

ઘેરી વળે છે, પણ

તારા નામનો થાક ઉતરતો જ નથી.”

 

(6)

“તારું નામ રોજ સૂર્યોદય સાથે

મારા આંગણામાં વાવેલા છોડમાં

ગુલાબ બનીને મહેંકે છે

અને

હું સૂર્યાસ્ત સુધીમાં તો કરમાતો જાઉં છું.”

 

(7)

“ફૂલોના મુલાયમ કાગળ ઉપર

ઝાકળભીની સ્યાહીથી

લખ્યું છે તારું નામ,

રોજનો છે આ ક્રમ.”

 

(8)

“મહેંકાવતું રહે છે, તારું નામ...

ફૂલની સુવાસ બનીને અહર્નિશ-

ન ઉદય, ન અસ્ત, તારું નામ.”

 

(9)

“પ્રકૃતિની વાટે-ઘાટે પડઘાય તારું નામ,

પવનની લહેરખી જેમ ઘેરી વળે તારું નામ,

નિઃશબ્દ કુંજગલીની એકલતા એટલે તારું નામ,

અડાબીડ વનવેલીની સંગત એટલે તારું નામ.”

 

(10)

“મન પતંગિયું બનીને

ઊડાઊડ કરે,

ઘડીક બેસે, ઊડે ને બેસે,

પરાગરજનો પ્રેમરસ પામતું રહે,

ફૂલ, પ્રત્યેક ફૂલ એટલે તારું નામ.”

 

(11)

“સૂરજના પ્રથમ કિરણથી

સૂરજના અંતિમ કિરણ સુધી જ નહીં,

અહર્નિશ પ્રકાશતું રહે છે,

તારું નામ મારા રોમ-રોમમાં.

આ છે તારા નામનો જાદુ.”

 

(12)

“હિમાયલનાં ગિરિશૃંગોની ઘટા –

મને ઘેરી વળે થીજવી દેવાના ઈરાદે,

ત્યારે સતત હૂંફ આપતું રહે છે,

તારું નામ, તારું નામ, તારું નામ.

બધો જ થાક ઓગાળી દે તારું...”

 

(13)

“પર્વતોની ઊંચાઈ તું,

નદીનું કલકલ વહેણ તું,

આકાશનું નિરભ્ર મૌન તું,

રિક્ત બેઠકની પ્રતીક્ષા તું,

મારો ઝૂરાપો એટલે તારું નામ.”

 

(14)

“તારું નામ એટલે ફૂલોની બારમાસી સંગત,

તારું નામ એટલે જાણે સુવાસનું સરનામું.

શ્વાસોની આવનજાવન એટલે તારું નામ,

અને જનમોના ફેરા એટલે વળી તારું નામ.

તારું... તારું... તારું...”

 

(15)

“ફૂલોની નિસબત એટલે તારું નામ,

તારું નામ એટલે ગુલાબનું સરનામું.

જીવનની મહેંક એટલે તારું નામ,

અને પ્રત્યેક પીડાનો ઈલાજ, તારું નામ.

તારું નામ એટલે દવા બનીને આવતી દુઆ,

અને ઉપચારનો ગેબી પ્રકાર, તારું નામ.”

 

(16)

“જિંદગીના દરિયાની

ભરતી અને ઓટ પણ ન ભૂંસી શકે,

તારું નામ, તારું નામ, તારું નામ.”

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance