સરદારનું ગીત-૪૯
સરદારનું ગીત-૪૯
યરવડામાં-ર (ઈ.સ. ૧૯૩ર)
ગાંધીના સાથમાં જેલ, થતી જાય પસાર રે;
નિત્યની બાબતો તેઓ, કરે રમૂજદાર રે.
સોડા નાખો બધી ચીજે, ગાંધીજીએ કહેલ રે;
અડચણે કહે તેઓ, સોડાથી લો ઉકેલ રે.
હાસ્યભર્યા જવાબોય, કદી સાચા પડેલ રે;
ને ઉચ્ચારો કરે તેઓ, ખૂબ હસી ભરેલ રે.
પ્રયોગો કરતા ગાંધી, એની રમૂજ થાય રે;
વહેતા દિવસો આમ, દુ:ખ નો’તું જરાય રે.
અજ્ઞાનતા ઘણી વાતે, રાખતા સરદાર રે;
વિવેકાનંદને તેઓ, જાણતા ન લગાર રે.
જેલમાં એમની વાતો, વાંચેલ-સાંભળેલ રે;
વિવેકાનંદની ત્યારે, ઓળખાણ થયેલ રે.
એકે પૂછેલ ગાંધીને, પગે કીડી મરાય રે;
આવી રીતે થતી હિંસા, કેમ રોકી શકાય રે.
સરદારે કહી દીધો, એનો એક ઉપાય રે;
ચડાવી પગને માથે, રસ્તા પર ચલાય રે.
ભિખારીથી ઘણો ખર્ચ, ડાકુ પર કરાય રે;
અંગ્રેજો તેમની પાસે, ડાકુ જેવા ગણાય રે.
જેલમાં મન તેઓનું, પ્રવૃત્તિમાં રહેલ રે;
ને પરબીડિયાં તેઓ, ખૂબ શીખી ગયેલ રે.
અત્યાચારો થતા ખોટા, એની વાતો થયેલ રે;
ને સરદારને એમાં, રમૂજો થૈ’ ગયેલ રે.
જેલમાં શીખવા લાગ્યા, સંસ્કૃત સરદાર રે;
સંસ્કૃત શીખતા તેઓ, ગમ્મતનો ન પાર રે.
કોઈ ટાણે લખાણોની, કરી રહેલ ચીડ રે;
હર ઘડી વિચારોની, આવી ચડેલ ભીડ રે.
ખોટા કોમી ચુકાદાથી, દુ:ખી થ્યા’ સરદાર રે;
ને ઉપવાસનો આવ્યો, ગાંધીજીને વિચાર રે.
**
જેલમાંયે કરે ચિંતા, ભારત દેશની ઘણી;
અંગ્રેજોએ અહીં આવી, સહુની શાંતિને હણી.
