સફળતા
સફળતા
દ્રઢ નિર્ણય કરી પુરુષાર્થ કરનારને સફળતા મળે છે,
સંકલ્પ કરીને ઉદ્યમી બની જનારને સફળતા મળે છે.
પ્રારબ્ધ પણ બની જાય પાંગળું શ્રમ પોત પ્રકાશતો,
કર્મયોગીને ધૈર્ય ધારી રાખનારને સફળતા મળે છે.
શું કરી શકે અંતરાયો લક્ષ્યવેધ એ જ જેનો આશય,
દ્રઢ મનોબળને હિંમત ધરનારને સફળતા મળે છે.
પ્રસ્વેદની છે તાકાત અદભુત નસીબને બદલવાની,
કર્મપથ પર સદાય ટકી રહેનારને સફળતા મળે છે.
હોય ભરોસો જેને આતમનો ઇશ પણ આવકારતો,
બાહુબળે ઝંઝાવાતે ઝઝૂમનારને સફળતા મળે છે.
