સમય
સમય
શનૈઃ શનૈઃ સરી જતો સમય જિંદગીમાંથી,
ને દિવસોને હરી જતો સમય જિંદગીમાંથી,
સાવ ટચૂકડી જિંદગી અનુભવાતી આખરે,
પર્ણો થઈને ખરી જતો સમય જિંદગીમાંથી,
જોતજોતામાં ગયાં વીતી વર્ષો કેટલાં આમ,
સાવધાનને વરી જતો સમય જિંદગીમાંથી,
વેડફનારને પસ્તાવા સિવાય કશું ના સાંપડે,
ભેટ કદીક ધરી જતો સમય જિંદગીમાંથી,
સાધનારનો છે એ સાચો સાથીને સંગાથી,
વ્યક્તિ કંઇક કરી જતો સમય જિંદગીમાંથી.
