રામ તમે આવજોને.
રામ તમે આવજોને.
શબ્દે શબ્દે કરીએ પોકાર, રામ તમે આવજોને.
શરણાગતની ના હોય હાર, રામ તમે આવજોને.
ઉર ઊભરાતી ભાવના મારી, હરિ લેજો એ સ્વીકારી
હરિભજન હોય જીવનસાર, રામ તમે આવજોને.
રાહ જોઈજોઈને હવે થાક્યા, અમને ઊણા કેમ રાખ્યા.
નામ તમારું એ જ ઉપચાર, રામ તમે આવજોને.
છોડી આવ્યા જગઝંઝાળ,હોય ભલેને કલિકાળ.
અમારે હરપળ હરિના વિચાર,રામ તમે આવજોને.
અંતરયામી અધિક શું કહેવું, એક ભરોસે બસ રહેવું
ઊતારો નૈયા ભવજળ પાર, રામ તમે આવજોને.
લક્ષ્મણ, સીતા સાથે લાવો, હનુમંત દરશનનો લ્હાવો
હજુએ શીદને લગાડો વાર, રામ તમે આવજોને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.