રાધા - માધા
રાધા - માધા
આજે ય યમુનાના તટ પર બેઠી છે રાધા,
પ્રેમમાં ઇન્તેઝાર તારો કરે છે માધા !
શ્યામ સદીઓથી એ છે બેકરાર,
આવીને પૂરો કરોને ઇન્તેઝાર.
ઉષાથી નિશા સુધી સ્મરે વારંવાર,
આંસુભીનું મુખડું નીરખી કરો ને એકરાર.
બંસીના સુર વિના બેભાન છે રાધા!
પ્રિતમાં પાગલ બનાવી તું ક્યાં ગયો માધા?
યાદ તુને કરી વર્ષોથી પીડાય,
દર્પણમાં પણ એને કાનો દેખાય!
ત્યાં નિર્દોષ પ્રેમની નિર્મલતા વર્તાય,
વેરાન વૃન્દાવનથી એનું મનડું ભરાય.
પથ્થર, પાણી, પુષ્પને પૂછે છે રાધા !
કીધેલાં કોલને નિભાવવા તો આવ માધા.
શરદપુનમની રાતે એ હરખાય,
પ્રભાત પડતા જ એ પસ્તાય!
કાનાના નામ સાથે મલકાય,
તો રાધા તને કેમ વિસરાય?
ગાયોને જોતાં જ ભરમાય છે રાધા,
ક્યારે ખબર લેવા આવીશ ઓ માધા?
આત્મા એક કરી પ્રીતું બનાવી,
જગને પ્રેમની પરખ કરાવી!
રાધાને દિલની રાણી બનાવી,
'રાધેકૃષ્ણ' નાદથી દુનિયા ગજાવી.
પ્રેમમાં પ્રતીક્ષા મહાન બનાવે છે રાધા!
સત્યમાં પ્રેમ નહીં પ્રેમમાં સત્ય શીખવે છે માધા.

