પુત્રીની વ્યથા
પુત્રીની વ્યથા
નથી કરવા વિવાહ મુજને
નથી થવું પારકું મુજને
તારાથી દૂરનું વિચારતા
મા મુજ નૈન ભરાતા
સાંભળી પુત્રીની આ વાતને
આવ્યું આછું સ્મિત માતને
બેસાડી સ્નેહથી પાસે પુત્રીને
આપી થોડી સમજણ તેને
સનાતન રીત ચાલી આવે
પડે નિભાવવી તે સર્વેને
ને સમય આવ્યે જવું પડે
દીકરીને પોતાને નવે ઘરે
ન કેવળ તારી જ કહાની
છે આ બધી જ કન્યાઓની
પિયર્રે ઉછરી જે લાડપ્યારથી
તે થાય અંતે વિદાય ઘરથી
અમારી ક્ષમતાથી ઉપર
શોધીશું તુજ લાયક વર
જે છે પરાયો તુજ મને
રાખશે ખુશ અત્યંત તને
મળ્યો તુજને અહીં સ્નેહ જેટલો
આપજે નવા ઘરે તું પણ તેટલો
કહે કોઈ ગુસ્સેથી તુજને
વાત તે ન દિલ પર લેજે
ધીરે ધીરે રંગાશે રંગોથી ત્ય
ાના
ભૂલી જશે તું રંગો પિયરના
થશે તું પિયરની પારકી
બની રહેશે ત્યાં પોતીકી
પુત્રીનો પ્રત્યુત્તર
બાંધીને ગાંઠ લાવી સઘળી વાત
કરૂં સર્વ કામ જેની ન આવડત
કરતાં થાય ભૂલ ગણાય તે ગુનો
નથી શીખવ્યું માએ આવે ટોણો
ન સમજાય તેમની ચુપકીદી
જાણે હું કોઈ નાર પરાઈ અહી
નીપટાવું સર્વ કામ વહેલી સવારે
તો ય ન જીત્યું મન કોઈનું સાસરે
થાય આંખો નમ અને થાય ભારે ઉર
ને તાણું સોડ લઇ અરમાનોની ચાદર
ન પામીશ સઘળું સમજાવ્યું’તું તે
પણ પુત્રવધુને દીકરી ન સમજે તે
કહેવાય સમાજમાં આ સંબંધ પોતાનો
પણ દૂર છે પોતાપણું કઈ જોજનો
ન જાણું ક્યારે અપનાવશે ખરા મને
મળશે એવો પ્રેમ દાખવેલ તે મુજને ?
(વોટ્સએપ પર જોયેલ એક વિડીઓનો ભાવાનુવાદ)