પંખીડાં
પંખીડાં
મુજ આંગણિયે કિલ્લોલ કરતાં,
પંખીડાં તમે આવોને,
પ્રભાત તણી ગરિમાને સાચવતાં,
પંખીડાં તમે આવોને.
ઉગે સૂરજ છડી પોકારતો,
જે નભને કેવું ઊજાળતો,
કરી સંપને સાથે સહુ ચાલતાં.
પંખીડાં તમે આવોને.
ચકલી આવી, કાબર આવી,
કપોત ગભરુને લાવોને,
થાક થૈ મયૂર પણ છોને નાચતા,
પંખીડાં તમે આવોને.
મૂઠી જાર વેરી છે મુજ ફળિયે,
એને તમે આરોગોને,
બાળકોને સદાય જે ગમતાં,
પંખીડાં તમે આવોને.
કરી ઘૂઘવાટ કબૂતર,
શાંત સંગીતને પ્રસરાવનારાં,
તમે જાગ્યાંને જગને જગાડતાં,
પંખીડાં તમે આવોને.
