પીડાનું હું પરબીડિયું છું
પીડાનું હું પરબીડિયું છું
પીડાનું હું પરબીડિયું છું, કોઈ મને ના ખોલો,
ભીડ તણાં ભૂવાઓ વચ્ચે કેમ કરીને ડોલો ?
આંખ ઉઘડતા લાગે લેબલ, કિયા જળેથી લ્યા, ધોવાનું ?
વણબોલ્યું સરનામું સઘળે ગામ બ્હાર નક્કી હોવાનું.
ઈશ્વર પણ જ્યાં રાખે અંતર, બંધ દ્વાર સામે જોવાનું ?
લમણે હાર લખી છે, કર્મે કવચ અને કુંડળ ખોવાનું.
નાતજાતના વાડા વચ્ચે પાડો કોઈ બખોલો,
પીડાનું હું પરબીડિયું છું, કોઈ મને ના ખોલો.
નીંદર એની હું જ વણું ‘ને આંખ અજંપો ઓઢી જાગે,
અદ્ધર હાથે પાણી પીતા તરસ તપે ‘ને તળાવ માગે.
‘દૂર રહો’ કાને પડતા સો સોળ ઊઠે, અંગારા દાગે,
રંગ લોહીનો લાલ સહુનો, હક્ક તોય કાં ડૂબતા લાગે ?
કાટ ચડેલી કાળી ઓળખના ખૂણાઓ છોલો,
પીડાનું હું પરબીડિયું છું, કોઈ મને ના ખોલો.
