હાથ-હથેળી
હાથ-હથેળી
હરખાતું હૈયું ‘ને વાદળ વ્હાલપના મેં માગ્યા.
અડખે-પડખે, હાથ-હથેળી, ખોબો માના લાગ્યા.
માની કૂખે કૈંક ક્રિયાપદ સળવળ થાતા આવે,
ઊઠે, બેસે, જાગે, દરિયે દાવાનળ હંફાવે.
અધબીડેલી આંખે સુંદર સપનાંઓ સરકાવે,
મને જોઈ અંધારે, સાંકળ સૂરજની ખખડાવે.
પવન, પવનનો ઘાટ સુપેરે સૂંઘી સૂંઘી તાગ્યા.
અડખે-પડખે, હાથ-હથેળી, ખોબો માના લાગ્યા.
મોરપિચ્છ મનમાં ફરકે ત્યાં મેઘધનુ નોતરતી,
ચંદનવનથી વેલ-પાન લઈ વનરાજી પાથરતી.
ભૂલો હું કરતી તો ઈશ્વર પાસે એ કરગરતી,
તોરણ ‘ને ટોડલિયા સાથે આંસુ પણ સંઘરતી.
ખુલ્લી આંખે ઉજાગરા અંધારા ઓઢી જાગ્યા.
અડખે-પડખે, હાથ-હથેળી, ખોબો માના લાગ્યા.
