મુલાકાત
મુલાકાત
ચાલ અતીત સાથે એક વાર્તાલાપ કરીએ,
મધમીઠી યાદો સાથે એક મુલાકાત કરીએ !
સાંભરે મને એ સાગરનો કિનારો,
'હું' અને 'તું' ને પ્રીતનો ચમકતો સિતારો,
ભીનું ભીનું એક સ્મિત ને આંખોનો ઇશારો,
મનને સોંપેલો એ તને ઈજારો,
ચાલ ઊછળતી એ લહેરોનો આલાપ ફરી સાંભળીએ,
મધમીઠી યાદો સાથે એક મુલાકાત કરીએ.
આભની અટારીએથી વરસતી ચાંદની,
લાગણીઓનો કોલાહલ ને બાકી નીરવ શાંતિ,
પહેલા પહેલા પ્રેમની પહેલી પહેલી નિશાની,
ધડકતાં બે દિલને બે દિલની એક જ કહાણી,
ચાલ રોમાંચિત એ ધડકનોનો આલાપ ફરી સાંભળીએ,
મધમીઠી યાદો સાથે એક મુલાકાત કરીએ.