મિલનની વાત
મિલનની વાત
આવી આવી જોને અષાઢી બીજ
આભે ગરજે આજે વરસાદી વીજ
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
મહિનાઓને મહિના ગયા તારી યાદમાં
હવે નથી સહેવાતી રાત વિયોગની રાહમાં
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
મળ્યા 'તા છેક આપણે એ શ્રાવણી રાત
પછી તો રાહમાં વીતી ગઈ એ આખી વાત
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
હું નથી કહેતી વરસાવો પ્રેમ મુશળધાર
વહેડાવો તમારા પ્રેમની નાનકડી તો ધાર
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
તારા વાયદા અને વચન સાંભળી થાકી રાત
મિલનની કોઈ આવી નથી મીઠી આપણી વાત
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
રીસાઈ છે આ ચાંદની કે પછી વ્હાલમની આંખ
કહો તો અમે મનાવીએ ગાઈ મીઠાં મીઠાં ગાન
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
પ્રેમની એ રાતના સાક્ષી બન્યા 'તા તારા ને ચાંદ
હવે તો જિંદગીમાં રહી ગઈ બસ તારી જ યાદ
વ્હાલમ આવો તો મિલનની કંઈક વાત બને...!
