કોણ કરે છે યાદ
કોણ કરે છે યાદ
કોણ કરે છે યાદ..
કોણ કરે છે સાદ.
તારી માફક માવડી મારે તારી માફક બેની
પરિવારને પુત્ર,નવોઢા વલખાં મારે જેની,
શમણાઓ સરહદ ઓઢીને એક કરું ફરિયાદ
કોણ કરે છે યાદ..
કોણ કરે છે સાદ.
સાચવી જાણી સરહદને ના માણ્યો એક તહેવાર
બે દિવસો તું યાદ કરે છે આ કેવો વ્યવહાર
વ્યથા વેદના વિરહ સાથે સીધો છે સંવાદ
કોણ કરે છે યાદ..
કોણ કરે છે સાદ.
રૂંવાડે છે રાષ્ટપ્રેમ ને શ્વાસમાં ભારતમાતા
કરડી નજરે જો કોઈ જુએ સપૂત ઊભા થાતાં
યાદ હૃદયથી આવે કરજે કુરબાનીનો નાદ
કોણ કરે છે યાદ..
કોણ કરે છે સાદ.
ના માગું હું કેસરવાધા ના સિંદુરિયા થાપા
શ્વાસ દિધ્યાનું ઋણ અમારું શું ચૂકવશે છાપાં
જનજનની યાદોમાં ઊભરુ દેશ રહે આઝાદ
કોણ કરે છે યાદ..
કોણ કરે છે સાદ.