કેવટ
કેવટ
કેટલી અદભૂત અલૌકિક ક્ષણ હશે !
નાવડી કેવટ તણીને રામજીનું પ્રણ હશે,
પાદ પંકજ સ્નેહથી એ ઝારતો ગંગાજળે
પાત્ર પોતે ધન્યને પાવન ધરાનાં કણ હશે,
તારતો ભવસાગરે જે સકળ જગને હેતથી,
પાર ગંગાજી કરાવે ભાગ્યશાળી જણ હશે,
ભાગ્ય એનાં જોઈ હરખે જગતજનની જાનકી,
ને લખન નિરખી રહ્યા કેવો પ્રભુનો ગણ હશે !
મોક્ષ પળમાં પામીને એ શું હવે ઊતરાઈ લે ?
તે ભવોભવ પુણ્યનું ભાથું ફકત કારણ હશે.
