હરિના હેતથી
હરિના હેતથી
મને જીવવા જેવું લાગે હરિના હેતથી,
એથી અધિક ના માગે હરિના હેતથી.
એ તો અંતરયામી કણકણમાં સમાયો,
જેને જોવા ઓરતા જાગે હરિના હેતથી.
કીડી કુંજરમાં સમાનરૂપે જે બિરાજે,
અંતરે વાસ એનો ભાસે હરિના હેતથી.
રહી અદ્રશ્યને અનુભવાતો હરિવર તો,
હોય અનુભૂતિ કે પાસે હરિના હેતથી.
ભૂલી દોષ ભગવંત કૃપા વરસાવનાર,
પ્રગટે એ અંતર અનુરાગે હરિના હેતથી.
