હળવાશ ૨૭
હળવાશ ૨૭
અભય છે સદા, હર ડગરના વિહારે;
કરે છે જે યોજન, અગમના ઇશારે.
પળોજણ કરો એ તો શૈલી તણી છે;
ગુજારા તો ચાલે, સમયના સહારે.
ભમો કેટલું, આ જીવનના વમળમાં?
તરો ના તરો, ત્યાં તો ફરશું કિનારે.
મુસાફર બનીને, ભરી લો આ અંતર;
બને છે કે, રસ્તા ન લઈ જાય આરે.
વહાવી શકે જે, આ શબ્દોને લયમાં;
નિજાનંદ પામી એ ખુદને વિસારે.
બતાવે છે મારગ, હરીને વિમાસણ;
નિખાલસ બની, જે કલમને નિતારે.
અનાયાસ પામે છે, હળવાશ દિલની;
વલોવી હૃદય, જે ગઝલમાં ઉતારે.
સહજ છે, સરળ છે, સતત છે, સખત છે;
સકળ છે જે 'અવનિ', જગતને નિખારે .