હળવાશ ૨૩
હળવાશ ૨૩
તનથી ભલે થાકું છતાં મનમાં રહે હળવાશ બહુ,
સાથી હશે ચોપાસ તો, મળશે મને સહવાસ બહુ,
તારો મળે સંગાથ જો, આશા સદા રાખું અહી,
કાંટા ભરી હો ડગર તો, પણ દૂર છે વનવાસ બહુ,
જીવન અનેરું ગુજારવું છે, તવ સાથમાં સહકાર સહ,
જો બે નયન તારા મળે, આપે ખુશી હળવાશ બહુ,
જો પામવા હો તો પ્રભુને વિનવો બે ચાર પળ,
રસ ભક્તિનો ચાખો ભલે, બસ ના કરો ઉપવાસ બહુ,
ફૂલો થકી ચોમેર તો, ફેલાય છે ફોરમ ઘણી,
થઇ તુલસી આંગણ તણી, ફેલાવવી નરમાશ બહુ,
છે જિંદગી ખુશી ભરી, હળવાશથી વિતાવવા,
શાંતિ મળે બીજે નહીં, આપે સદા નિજવાસ બહુ,
છોડી શકો તો આજથી, દેખાવ તો ઓછો કરો,
અંતે બધાં વિવાદ તો, ઊભાં કરે કડવાશ બહુ.