ગઝલ
ગઝલ
આંગણે બોલાવવા સત્કાર હોવો જોઈએ,
જાય ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ.
આંગણે શરણાઈ અવસરની જ હો શું કામની ?
આપણાં પણ હાથમાં ફૂલહાર હોવો જોઈએ.
એક માણસ સાવ સૂકોભટ મળ્યો’તો કેટલો !
લાગણીનાં વેપલે ‘નાદાર’ હોવો જોઈએ.
ઓઢણી ઊડે અને પીંખાય, પૂરી શક્યતા,
ઓઢણીને ભાઈ કે ભરથાર હોવો જોઈએ !
પ્રેમ, આંસુ ‘ને ફરજના બોજમાં વાતો ખતમ ?
જિંદગીનો ગ્રંથ તો દળદાર હોવો જોઈએ !
આભ, ધરતી ‘ને ક્ષિતિજે રોજ હું ફંફોસતો,
ક્યાંક સર્જનહારનો અણસાર હોવો જોઈએ.
