ગીત મજાનું ગાજે
ગીત મજાનું ગાજે
જીવનભર સદાયે તારી મસ્તીનો માહોલ રાખજે,
ગીત મજાનું ગાજે
ક્યારેક મળશે ફૂલ સુવાસિત, ક્યારેક થોરની વાડ,
ફૂલની સુગંધ ભરવાને કાજે એક પગલું ઉપાડ ,
કાંટાળા રસ્તાની વચ્ચે હિમ્મત રાખી ચાલજે,
જીવનભર સદાયે તારી મસ્તીનો માહોલ રાખજે,
ગીત મજાનું ગાજે...
ક્યારેક હો સંગાથ દોસ્તનો, ક્યારેક એકલો બાંકડો,
તડકો છાયા વેઠીને પણ રહેજે હંમેશા ફાંકડો,
નસીબે મળેલાં સંબંધોને સમય થોડો તું આપજે,
જીવનભર સદાયે તારી મસ્તીનો માહોલ રાખજે,
ગીત મજાનું ગાજે...
નિતનવા સપનાં જોવા , ના થાકે તારી આંખો,
કલ્પનાના વિશ્વમાં વિહરવા મળે તને બે પાંખો,
અંતરના આશિષ અમારાં, એને હૈયે તું સાચવજે,
જીવનભર સદાયે તારી મસ્તીનો માહોલ રાખજે,
ગીત મજાનું ગાજે.
