ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ
માટીનાં કોડિયામાં, તેલ શ્રદ્ધાનું પુરીએ,
ને, ગોખે ગોખે દીવા પ્રગટાવી, રંગોળી રુડી કરી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
ફટાકડાંઓનાં ઢગલાંને, ખજાનાંની જેમ સાચવીએ,
ને, ટેટાંઓની લૂમમાંથી, એક એક ટેટો ફોડી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
રોકેટ ને તારામંડળનું, રેશનિંગ ફરીથી કરીએ,
ને, કોની પાસે વધુ ફટાકડાં, ગણતરી એની કરી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
કોઠીના રંગબેરંગી પ્રકાશને, અહોભાવથી નિરખીએ,
ને, સાપની ટીકડીને બાળીને, નાક દાબી દઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
પેન્સિલને હાથમાં પકડાવી, નાની બહેનને પટાવીએ,
ને, બે ટીકડીની ડબ્બીઓને, લાભપાંચમ સુધી સાચવી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
સેવ, ચેવડો ને ચકરીની, ભૂખ ફરી ઉઘાડીએ,
ને, કોનાં મઠિયાં સૌથી સારાં, હોડ એની લગાવી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
મોહનથાળ ને મગસની સુગંધને, શ્વાસમાં ફરી ભરીએ,
ને, એક ટૂકડો ક્યાંક સંતાડી, શાંતિથી એકલાં ચગળી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
શુભ લાભ ને સ્વસ્તિક કેરાં, સાથિયા ફરી દોરીએ,
ને, કોની રંગોળી સૌથી સારી, હરીફાઈ એની કરી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
પાસ પડોશમાં ને શેરીમાં, પગે લાગવાં જઈએ,
ને, નવી નકકોર રૂપિયાની નોટની, સુગંધ ફરી લઈએ,
ચાલ, પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
મિત્રો સાથે વેકેશનમાં, ખૂબ મઝા કરીએ,
ને, પતે પોતાનાં તો, દોસ્તોનાં ફટાકડામાં, ભાગ પડાવી લઈએ,
'ચાહત' જુની દિવાળીની, જીવંત રાખી,
ફરી એકવાર, નાનાં બાળક બની જઈએ,
ને ચાલ, ફરી પહેલાંની દિવાળી ઉજવી લઈએ !
