બસ આટલું જોઈએ
બસ આટલું જોઈએ
પેટપૂરતું મળી જાય પરિવાર બસ આટલું જોઈએ,
ના કરે કોઈને બીમારી પ્રહાર બસ આટલું જોઈએ,
ગૌશ્વાન ગ્રાસ કાઢીને પછી થાય રોજ જમણવાર,
ભિક્ષુક પોકારે અન્ન આપનાર બસ આટલું જોઈએ,
રહે માન વડીલોનું, મહેમાનોના થાય સદા સત્કાર,
આગંતુકને ભાવથી આવકાર બસ આટલું જોઈએ,
સૌના અભિપ્રાયને સ્થાન મળે હોય મુકત વિચાર,
હોય બીજાની આંખે જોનાર બસ આટલું જોઈએ,
ના કોઈ દૂભાય સ્નેહીજન કે સમાજનો હો લાચાર,
જીહ્વાથી વાણી પરા ઉચ્ચાર બસ આટલું જોઈએ,
સંધ્યાટાણે પરિવાર સાથે સૌ હોય પ્રાર્થના ગાનાર,
એકતા કુટુંબની રહે એકધાર બસ આટલું જોઈએ.
