અશરણશરણ તમે છો સાચે
અશરણશરણ તમે છો સાચે
અશરણશરણ તમે છો સાચે, આવ્યો છું શરણે
તમારે આવ્યો છું શરણે !
અનુપમ સુખધારાનું દર્શન, થાય મને ચરણે,
તમારા થાય મને ચરણે ! ...અશરણશરણ
અનાથ છે અંતર આ મારું, જીવન છેક થયું અંધારું,
કરો તમે આજે અજવાળું, આવ્યો છું શરણે
તમારે આવ્યો છું શરણે ! ...અશરણશરણ
તમારા વિના રસ ના લાગે, વીણા મારી લેશ ન વાગે,
ભરો તમે અંતર અનુરાગે, આવ્યો છું શરણે
તમારે આવ્યો છું શરણે ! ...અશરણશરણ
મૂર્તિ તમારી મંગલ ન્યારી, અંતરપટમાં છે મેં ધારી,
થઇ હવે તો પૂરણપ્યારી, આવ્યો છું શરણે
તમારે આવ્યો છું શરણે ! ...અશરણશરણ
શરણ તમારું સુખમય આપો, કરને મારા શિર પર સ્યાપો,
કલેશકષ્ટ કાયમનાં કાપો, આવ્યો છું શરણે.
તમારે આવ્યો છું શરણે ! ...અશરણશરણ
‘પાગલ’ પ્રાણ પ્રેમમાં મારો, ઝંખે તમને તેને તારો,
દર્શન આપી આજ ઉગારો, આવ્યો છું શરણે
તમારે આવ્યો છું શરણે ! ...અશરણશરણ
- શ્રી યોગેશ્વરજી
