STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

અનોખો પ્રેમ

અનોખો પ્રેમ

2 mins
309

રોજ રાત્રે ઘરનાં બધાં સૂઈ જાય પછી અવની લેપટોપ લઈને બેસે. ઘરમાં મમ્મી- પપ્પા અને એક નાનો ભાઈ. અવની બી.બી.એ. નો અભ્યાસ કરતી હોવાથી તેને પ્રોજેક્ટ તૈયાર કરવાના હોવાથી તેનાં પપ્પાએ તેને લેપટોપ અપાવેલું. 

પોતાનું પ્રોજેક્ટ વર્ક કરતાં કરતાં અવની સોશિયલ સાઈટ પણ સર્ચ કરતી. તેવામાં તેને એક વ્યોમ નામનાં છોકરાની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી. નાદાન અવનીએ તો આવેલી રીકવેસ્ટ સ્વીકારી લીધી. બસ...પછી તો ચેટિંગ ચાલુ થઈ ગયું અને અવની વ્યોમ સાથે પ્રેમ કરવા લાગી. તેની જીગરજાન ફ્રેન્ડ ને આ વાત કરી. તે પણ અવનીના આ સાયબર લવથી તેના પર ગુસ્સે થઈ. ચેટીંગ કરતાં કરતાં અવનીને જાણવા મળ્યું કે વ્યોમ તો આસામનો છે અને પોતે ગુજરાતી ! 

અવની વ્યોમને વારંવાર પૂછતી કે આપણે એક બીજાને રૂબરૂ ક્યારે મળીશું ? બસ દરેક વખતે મળવાની વાત વ્યોમ કાયમ ટાળ્યા કરતો. કંપનીનાં કામનું બહાનું બનાવ્યાં કરતો. આમ ને આમ આ વાતને એક વર્ષ થઈ ગયું. અવની ગ્રેજ્યુએટ પણ થઈ ગઈ. ઘરમાં તેના લગ્નની વાતો શરૂ થઈ. હવે અવની મુંઝાણી. હવે શું કરવું ? તે વ્યોમ સાથે ચેટ કરવા તેનાં રોજનાં સમયે બેઠી. પણ....વ્યોમ ઓનલાઈન ન થયો. આવું કેટલાં દિવસો સુધી થયું. અવનીને પોતાની સખીનાં શબ્દો સાચા પડી રહયાં હોય એવું લાગી રહ્યું હતું. ઘરમાંથી લગ્ન માટે દબાણ વધી રહ્યું હતું. પહેલો પ્રેમ હજુ મનડાની અટારીએ બેઠો હતો જે ખસવાનું નામ લેતો ન હતો. અવની ઉદાસ રહેવા લાગી. તેની મમ્મીને પણ તેનાં ફેસબુક પર થયેલાં પ્રેમની જાણ થઈ. તે પણ અવનીને આ પ્રેમમાંથી બહાર નીકળવા ઘણું સમજાવતાં. ". એક બીજાને તમે મળ્યાં નથી જોયાં જાણ્યાં નથી તેને પ્રેમ ન કહેવાય. તે છોકરો તારી સાથે ટાઈમ પાસ કરી રહ્યો છે."

પણ....અવની માનવા તૈયાર નથી. આ વાતને ત્રણ મહિના થયાં. રોજ અવની લેપટોપ લઈને બેસે પણ....વ્યોમનો એક પણ મેસેજ નથી. ત્યાંજ એક રાત્રે વ્યોમનો મેસેજ વાંચીને અવની રડી પડે છે જેમાં એણે લખ્યું હતું...

" મને ભૂલી જજે. ક્યારેય ધરતી આકાશ મળ્યાં છે તો આપણું મળવું શક્ય બને ? "

બીજે દિવસે અખબરપત્રમાં મુખ્ય પાનાં પર સમાચાર છપાયાં હતાં.... CBI ઓફિસર. વ્યોમ ચેટર્જી નક્સલવાદીઓના એક રેકેટનો પર્દાફાશ કરીને દેશને ખૂબ મહત્વની કડી આપીને શહીદ થઈ ગયાં."

આ સમાચાર વાંચીને અવનીએ વ્યોમની વિધવા બનીને પોતાનું જીવન જીવવાનું નક્કી કર્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational