કાજળ બને
કાજળ બને


આપણી વચ્ચે કદી એવા તો ક્યાં અંજળ બને ?
હો તરસતા હરણ સમ, ને ઝાંઝવાઓ જળ બને.
પ્રેમની શ્યાહી ભરી, આંખોનું એ કાજળ બને,
તું લખે જો નઝરથી, મારું હૃદય કાગળ બને.
કૈં સ્વરૂપો હોય મથતાં રૂપ પાછળ અવનવાં,
તું બને જો પુષ્પ, મારું અંગ તો ઝાંકળ બને.
સૂર્યની લાલીમા ફિક્કી થાય છે એ સાંજના,
લાલ તારા હોઠ સ્પર્શી, સાંજની હર પળ બને.
હર કથાનો અંત નિશ્ચિત હોય છે એવું નથી,
અંત પણ આરંભ થઇને કો’ કથા આગળ બને.
કૈં ભવાઈ કાલ્પનિક ખેલાય આગળ મંચ પર,
સત્ય ઘટના તો હમેશાં, પરદાની પાછળ બને.