Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા ૧૪

પ્રભુ પધાર્યા ૧૪

8 mins
7.7K


બર્માનાં ઉદ્ધારકો !

શહેરમાં ગુજરાતીઓની નવીસવી, ખાનગી જેવી એક કામચલાઉ ક્લબ હતી. શેઠિયાઓ ત્યાં બેસી રાત્રે પાનાં રમતા, જુગાર પણ ખેલતા, ખેલતાં થાકે ત્યારે ચા ને સિગારેટ પીતા, અને પીતાં થાકે ત્યારે પછી ચર્ચા કરતા.

"મારા બેટાઓ ! શું ફાટ્યા છે આ બર્મી મજૂરો !" શાંતિદાસ શેઠની ફરિયાદ સૌથે વધુ સખત હતી, કારણકે એના વ્યાપારમાં હમણાં પરચૂરણ વસ્તુની દુકાનનો ઉમેરો થયો હતો. "પરમ દિવસ મારી બિસ્કિટની પેટીઓ આવી, કોણ જાણે ક્યાં તૂટી, અંદરથી એક ટિન કાઢી ખોલીને મારા બેટા ગોદામમાં જ ટોળે વળી બિસ્કિટનો નાસ્તો જમાવી બેઠા. ને આજ લુંગીની પેટી તોડીને દરેક જણે અક્કેક લુંગી પહેરી લીધી. સરકારે જ ઉપર રહીને ફટવ્યા છે."

"ત્રણ કાલી બૂ!" યાંગંઉથી પોતાની શાખા તપાસવા આવેલા શામજી શેઠ બ્રિજનાં રમત-પાનાંને થૂંકાળી આંગળી વડે ફેરવતા ફેરવતા 'કૉલ' કરતા હતા.

"એક આ દાક્તરને લીલાલહેર છે!" શામજી શેઠે દોર ઉપાડી લીધો : "બિસ્કિટ ખાઈ જાય, લુંગી પહેરી લ્યે, પણ ક્વિનાઈનનો કોઈ બરમો બચ્ચો થોડો નાસ્તો ઉડાવી શકે છે !'

"ડૉક્ટર સાહેબને તો બરમાઓ બહુ વહાલા છે." ત્રીજાએ કહ્યું.

"બરમા બરમી બધાં જ વહાલાં," એમ બોલીને શાંતિદાસ સિફતથી પાનાં ફેરવતાં હતા.

"ડૉક્ટર સાહેબનું ચાલે તો આપણને ગુજરાતીઓને આંહીના વેપારધંધાથી બાતલ કરીને પાછા હિંદુસ્તાન ભેળા કરી મૂકે."

"તો શું એમ માનો છો કે આ કપાળ - ગરાસ સદાકાળ ભોગવી શકશે ગુજરાતીઓ? તમને તો શેઠ, એ બરમાઓ જ પહોંચે." ડૉ નૌતમે નજીક બેઠાં છાપું વાંચતાં વાચતાં ટમકું મૂક્યું.

"આપણા ભણેલાઓ આંહી આવવા માંડ્યા તે દિવસથી જ આપણી સાડસતી બેઠી છે." શામજી શેઠે પોતાના અભણપણાને આડકતરી અંજલિ આપી.

ડૉ. નૌતમે ફરી છાપામાંથી મોં ઊંચું કરીને પૂછ્યું : "આપણે શું આંહી પરોપકર અર્થે બેઠા છીએ, હેં શામજી શેઠ?"

"પણ આપણે કાંઈ કોઈનું પડાવી લીધું તો નથી ના?"

"સરિયામ લૂંટ જ ચલાવી છે આપણે," ડૉ. નૌતમે સાફ કહ્યું, "હિંદુસ્તાનની જમીન દોરડે બાંધીને આંહી લાવ્યા છીએ? સોનું તમે વેચો છો તે શું હિંદુસ્તાનની ખાણોમાંથી આ બ્રહ્મદેશીઓના કલ્યાણાર્થે આવેલ છે? ગોરાઓની સરકાર છે, એને રીઝવીએ છીએ ને બરમાને ઠગીએ છીએ. કઈ નીતિની આપણે હિંદીઓએ છાપ પાડી છે ? ક્યો હિંદી આંહી મિશનરી બનીને ઘર કરી રહ્યો છે? ક્યો સાધુ, ક્યો સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકાર આંહી નિંરાતે રહ્યો છે? આ લોકોને આપણી સંસ્કૃતિનો કોણે પરિચય કરાવ્યો છે? કે કોણે એમની સંસ્કૃતિનો સમાગમ કર્યો છે?"

"સંસ્કૃતિ? આ બચાડાની સંસ્કૃતિ!" શાંતિદાસ હસ્યા" "તમે પણ દાક્તર ! હવે તો ભાઈસા'બ ભાષાનો વ્યભિચાર કરો છો હો!"

'ભાષાનો વ્યભિચાર' એ શાંતિદાસ શેઠનો ખાસ પ્રયોગ હતો. ગુજરાતીઓનાં કોઈ પણ સભા-સમારંભ થતાં ત્યારે મુખ્ય વક્તા પોતે જ બની જઈ પોતે હંમેશાં ઊછળી ઊછળીને ભાષણ કરતા. તેમના લાક્ષણિક પ્રયોગ આટલા

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત

એક કવિ ખબરદારની ટૂંક; અને બીજું-

'બર્મા, ધ લૅન્ડ ઑફ પેગોડાસ!' (બર્મા, ભવ્યમંદિરોની ભૂમિ!)

ને ત્રીજું-

'ભાષાનો વ્યભિચાર!'

એમાંથી 'બર્મા ઇઝ ધ લૅન્ડ ઑફ પેગોડાસ' પોતે પંડિત જવાહરલાલની પધરામણી પછીથી વાપરવું છોડયું હતું, કારણકે શાંતિદાસ શેઠે સ્વાગત-ભાષણમાં એ શબ્દો વાપર્યા તેના પર પણ પંડિતજીએ ટોણો લગાવ્યો હતો કે, "બસ! શું બર્મા ફક્ત પેગોડાનો (મંદિરોનો) જ દેશ છે! બાકી શું બર્મા કશું જ નથી? ગોરા લોકોએ ગોખાવેલું જ ગોખ્યા કરો છો? બર્મામાં માણસો નથી શું ? મંદિરો જ છે એકલાં!"

"કાં શેઠ ?" ડૉ નૌતમે મોં મલકાવીને પૂછ્યું, "શું વાંધો આવ્યો? સમ્સ્કૃતિ ન કહેવાય?"

"અરે, આ ખરચુ જઈને પાણી પણ ન લેનારી વેજા..."

એ વાક્ય પૂરું થતાં પહેલાં તો બે ગોરી મહિલાઓ ક્લબમાં દાખલ થઈ. એને આવકાર આપતાં શાંતિદાસ, શામજી વગેરે ઊભા થઈ ગયા. ફક્ત એક ડૉ નૌતમે માથું છાપામાં ડુબાવી રાખ્યું.

"જુઓને, શેઠિયાઓ!" ગોરી મહિલાઓએ અંગ્રેજીમાં રુઆબભેર છાંટ્યું: "અમે હર એક્સેલન્સી (ગવર્નર સાહેબનાં પત્ની)ના નામથી બ્રહ્મી લોકોના ઉદ્ધારનું મિશન ચલાવીએ છીએ. આ જુઓ હીઝ એક્સેલન્સીનું ભલામણપત્ર, અને બીજા સંભાવિત ગોરા અફસરોના પ્રમાણપત્રો. આ રહી દાતાઓની ટીપ. આ વહેમોમાં અને ફુંગીઓનાં ધતિંગોમાં ફસાયેલ પ્રજાનો પુનરુદ્ધાર પ્રભુ ક્રાઈસ્ટના દયાધર્મ વગર થઈ શકે તેમ જ નથી. યુ જેન્ટલમૅન (તમે ગૃહસ્થો) આ ભૂમિમાંથી ઘણું લૂંટો છો. તમારી ફરજ છે કે બર્મી પ્રજાના ઉદ્ધાર-કાર્યમાં અમને મદદ કરવી. તમારી મદદની હર એક્સેલન્સી બરાબર કદર બૂજશે."

એ ધોધબંધ વહેતા અંગ્રેજીના શબ્દપ્રવાહમાં જાદુ હતું. બોલવામાં વશીકરણની છટા હતી. બાઇબલનાં સૂત્રો સાથે 'ભગવટ્ ગી-ટા'નો ઉલ્લેખ પણ આ મહિલાઓએ વીસેક વાર કર્યો અને 'ભ-ગ-વટ્ ગી...ટા' શબ્દે તો શેઠિયાઓને પાણી પાણી કરી નાખ્યા. શેઠિયાઓએ એકબીજા સામે જોયું અને ગોરી મહિલાઓએ ખરડાનો કાગળ ટેબલ પર છટાથી બિછાવી દેતાં કહ્યું : "અમરા બર્મા પુનરુદ્ધારના મિશનના વાર્ષિક ઉત્સવમાં હર એક્સેલન્સી અમારા પ્રત્યેક દાતાને રૂબરૂ મળી ઓળખાણ કરવા ઉત્સુક છે."

"ભરો ત્યારે, શામજી શેઠ." શાંતિદાસ શેઠે કહ્યું.

"ના પહેલા તમે શેઠ."

"અરે વાત છે કાંઈ? ત્રણ રાઇસ મિલોના ધણી બન્યા છો!"

"લ્યો ત્યારે, ભાઈ!" એમ કહીને શામજીભાઈએ પોતાની રકમ ચડાવી.

"વૉટ!" એ રકમને જોતાં જ ગોરી મહિલાએ વિસ્મ્યભર્યું હાસ્ય ચમકાવીને શામજી શેઠનો હાથ ઝાલ્યો. એટલા સ્પર્શે તો શામજી શેઠે સાતમા સ્વર્ગનું રોમાંચ અનુભવ્યું. ગોરી મહિલાએ એમના હાથમાંથી કલમ લઈ લીધી અને કહ્યું: "હર એક્સેલન્સી મને ધમકાવી જ કાઢે કે બીજું કાંઈ ? મને કહેશે કે સ્ટુપિડ ! શામજી શેઠના રૂપિયા પચાસ ! હોય કદી ? આમ જુઓ. તમારો હાથ ન ચાલે, જેન્ટલમૅન ! હું વધુ કશો ફેરફાર નથી કરતી. ફક્ત આટલો જ -" એમ કહીને પાંચડા પર જે એક મીંડું હતું તેની જોડે બીજું એક મીંડું ચડાવી દીધું અને કહ્યું : "હર એક્સેલન્સી કેટલું એપ્રિશિયેટ કરશે તે જાણો છો?"

શામજી શેઠનાં નયનોમાં હર એક્સેલન્સીની એ ભાવિ 'એપ્રિસિયેશન' (કદર) તગતગી રહી.

"અને હવે જેન્ટલમૅન, તમે !" કહેતી બાઈ શાંતિદાસ શેઠ તરફ વળી. "તમે તો બર્મી લોકોને ખૂબ લૂંટો છો. એનું પ્રાયશ્ચિત કરો. પૂરતું પ્રાયશ્ચિત કરો. ક્રાઇસ્ટ પ્રભુની દયા હશે તો ઘણું વધુ મેળવી શકશો. પંથ ભૂલેલા બર્મન લોકોના એ તારણહારને ખાતર થેલીની દોરી છોડી નાખો. હર એક્સેલન્સી જે કષ્ટ ઉઠાવી રહેલ છે તેની સામે જુઓ. બોલો, શું ભરું?"

"આપને ઠીક લાગે તે." શાંતિદાસ શેઠને હર એક્સેલન્સી સાથે હાથ મિલાવવાનું મધુર સોણલું આવ્યું.

એક હજારનો આંકડો પાડીને ગોરી રમણીએ શાંતિદાસને બતાવ્યો.

"બસ, એમાં મારે તો શું જોવાનું હોય ! એઝ યુ પ્લીઝ : જેવી તમારી ઇચ્છા." શાંતિદાસ શેઠે ટૂંકું પતાવ્યું. મનમાં એમ કે લેવા આવે ત્યારની વાત ત્યારે !

"ને હવે યુ જેન્ટલમૅન !" બાઇએ ડૉ. નૌતમને પકડ્યા. "એમ છાપા પાછળ મોં છુપાવ્યે નહીં ચાલે. બોલો શું ભરો છો?"

"એક પાઈ પણ નહીં." ડૉક્ટરે હળવે મોંયે જવાબ વાળી વળી પાછું છાપું વાંચવું ચાલુ રાખ્યું.

"કેમ ? બ્રહ્મી લોકોના ઉદ્ધારમાં તમારી જવાબદારી નથી ?"

"તમે ઉદ્ધારકો છો એમ હું સ્વીકારું તો ને ?"

"તો શું અમે બગાડીએ છીએ?"

"કદાચ એમ જ."

"આ તો ધૃષ્ટતાની અવધિ!"

"એમ પણ ગણી શકો છો. કોઈ પણ પ્રજાને કોઈ બીજી પ્રજાનો ઉદ્ધાર આ રીતે કરવાનો હક નથી."

"કઈ રીતે?"

"એના ધર્મને, સંસ્કારને, રીતરિવાજોને ગાળો દેવાની અને એક ખ્રિસ્તી ધર્મને જ સર્વોદ્ધારક ગણાવવાની રીતે."

"પણ એના ફુંગીઓ..."

"એના ફુંગીઓ ભલે ભ્રષ્ટ હોય, તમે કંઈ દેવદૂતો નથી. એના ફુંગીઓ એમને નહીં પોષાય ત્યારે એ લોકો જ એનો અંત આણશે."

"આ સદ્‍બોધ લેવા અમે અહીં નથી આવ્યાં."

"હું આપવા માટે ક્યાં તમને શોધતો હતો ? પણ તમને બોધ ગમતો નથી, પૈસા ગમે છે: જ્યારે તમે પોતે એવું માનવાની ધૃષ્ટતા રાખો છો કે તમારો બોધ બીજા સૌને ગમવો જોઈએ."

"હર એક્સેલન્સી બહુ નારાજ થશે, ન ભૂલતા."

"નારાજ થાય તો ઓછેથી પતશે. એ રાજી થાય તો જ જોખમ."

"તમારું નામ ?"

"પૂછી લેજોને નીચે દરવાનને."

બબડતી બબડતી તે બેઉ ઈસુ-સેવિકા ચાલી ગઈ. પછી ડૉ. નૌતમે શેઠિયાઓને કહ્યું : "આમની તો ખબર છે ને? - ખરચુ જઈને પાણી લ્યે છે કે નહીં?"

શેઠિયા, મૂંઝાયા. ડૉ. નૌતમે કહ્યું : "આ બ્રહ્મદેશીઓ તો એવો વહેમી ખુલાસો આપી શકે છે, કે ભાઈ, અમને દેવો ને અપ્સરાઓ ઉપાડી જતા, એટલે અમારા દેહને થોડા મલિન રાખીને દેવોથી જે ઉગાર શોધવો પડ્યો હતો તેની આ પરંપરા અસલથી ચાલી આવે છે; પણ આ લોકોની પાસે છે કાંંઈ વહેમરૂપે પણ ખુલાસો ! ઉપરાંત, જેવા છે તેવા પણ આ બ્રહ્મીઓ આપણને શોધવા નથી આવ્યા. આપણે એને શોધતા આવ્યા છીએ ને હેમહીરા વેચવા છેક એમના અંત:પુરમાં પેસી જઈએ છીએ, એ ભેટ ધરે છે તે ફળો-મેવા ખાઈએ છીએ, એની પાસેથી વસ્તુના વીસ ગણા દામ પણ છોડતા નથી. એમાં એમની ગોબરાઈ કોઈ ઠેકાણે ગંધાઈ છે આપણને ? અને આત્મસુધારણાનું કાંઈ કામ એ ઉપાડે છે તો આપણે શું ઉત્તેજન આપીએ છીએ ? આ ગોરી બાઈ તમને ખંખેરી ગઈ. આઠ દિવસ પર બર્મી સુધારક-સેવકો આવેલા તેમને આપણે કાંઈ કેમ નહોતું આપ્યુ ?"

"એ બધાં ઊંડાં પાણીમાં ઊતરવાથી શું?" શામજી શેઠે સમેટવા કોશિશ કરી : "આપણાથી થાય તેટલું કરી છૂટીએ. આપણે તો પરદેશી પંખીડાં ! વાની મારી કોયલ ! આંહીં તો જવાહરલાલજી પણ આવે ને ગવર્નર પણ આવે. આપણે તો રોટલાથી કામ કે ટપટપથી? સૌનાં મન સાચવવાં પડે."

"ભાઈસાહેબ ! આંહીં આટલું રળીએ છીએ તો દેશની સેવામાં દાન કરી શકીએ છીએ. છાશવારે ઉઠીને ફલાણા વિદ્યામંદિરના સંચાલક, ને ઢીંકણા હરિજન આશ્રમના આચાર્ય, ને લોંકડા ગુરુકુળની છોકરીઓ, હાલ્યાં જ આવે છે. દુકાળ અને ધરતીકંપનો કોઈ પાર છે ? સાથે ગાંધીજીની ચિઠ્ઠી ને વલ્લભભાઈનો ભલામણનો પત્ર ! આપણને કોઈ દી વિસામો છે ! સૌને બાળવું પડે છે."

"એ આપની વાત સાચી છે, શાંતિભાઈ !" ડૉ. નૌતમે સ્વીકાર કર્યો, "હું કબૂલ કરું છું. આપણને જેમ કમાણી સિવાય બીજા કોઈ નૈતિક સાંસ્કારિક પ્રશ્નની પડી નથી, તેમ દેશમાંથી ફાળા કરવા આવનારાઓને આપણી મૂંઝવણોની પરવા નથી. તેઓ તો આપણાં નામ અને તમારા જેવાની છબીઓ હિંદના છાપામાં આપી કૃતાર્થ થાય છે. આપણે આપણો વળ કેવી ઠગાઈ કરીને ઉતારશું તેની તેમને કશી ખેવના નથી."

"પણ કરવું શું?"

"હવે એમ કરો, શાંતિભાઈ!" નૌતમે કહ્યું : "જે કોઈ સેવકજી ફાળો ભરાવવા આવે, તેમના ખરડામાં એમ લખાવો, કે આ પચાસ બર્મી સ્ત્રીઓને છેતરવાની કમાણી; આ એક બરમાનું ડાંગરનું ખેતર પડાવી લેવાની પ્રાપ્તિ; આ દસ ગુજરાતી પગારદાર નોકરોને ચૂસી બચાવેલી રકમ ફલાણી સંસ્થામાં આપું છું; બસ, એમ લખીને આપવું."

"તો શું તમને લાગે છે, ડૉક્ટર સાહેબ, કે આ હિંદના સેવકો ભાયડા ના પાડે ? આશા જ ન રાખતા હો કે ?"

"હું તો કહું છું કે બર્માની આપણી કમાણી પર અગ્ર હક બર્માના ખુદના, ખુદ બ્રહ્મીજનોના હાથના ઉદ્ધારકાર્યનો રહેવો જોઈએ."

વાત તો બહુ વધી ગઈ. રાત પડી ગઈ. સૌ ઊઠ્યાં. ત્યાં શાંતિદાસ શેઠે યાદ કીધું: "અરે ભાઈ, કાલે તો ઓલ્યા ફો-સેંઈનો જલસો છે. ડૉક્ટર, તમે આ લોકોની સંસ્કૃતિનું બહુ કૂટો છો, તો હાલો જોવા હાલશું કાલે ? જાયેં, પાંચસોનું ધાડું જ જાયેં. ભલે બચારો ખાટતો. આ બરમાઓ ફો-સેંઈ પાછળતો ગાંડાતૂર્ છે. ફો-સેંઈ આવ્યો એટલે હવે ખાશેપીશે નહીં, ખુવાર મળી જશે એના નાચ ઉપર."

"મારો વાલો બૂઢિયો, ભેળો સવાસો નાચનારિયુંનો કાફલો રાખે છે હો !" ત્રીજાએ કહ્યું.

"નાચવામાં જ બર્મા જવાનું છે." શામજી શેઠે ટકોર કરી. "જાયેં ત્યારે. ખટાવીએ બચાડા ફોશીને અને રાજી કરીએ ડૉક્ટર સાહેબને. બાળીએ બર્માની સંસકરતી ખાતે પચાસ રૂપિયા !"

પરિયાણ કરીને સૌ છૂટા પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics