Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા ૧૯

પ્રભુ પધાર્યા ૧૯

3 mins
7.5K


દીકરાની ચિંતામાં

"હીરાકંઠી તમે ચૂલાની આગોણમાં દાટી છે તે વળી - બીજી કઈ, કાકીજી ! એ વખતસર વટાવી હોત તો આ દશા ન થાત તમારા શિવાની."

"પણ શી દશા થઈ છે, માડી?" મા વધૌને વધુ ચમકતી હતી. પણ એના હાથમાં માળા હતી. મન બોલ્યું કે 'ઘેલી ! મહાદેવને ઊઠાં ભણાવવાં છે ? માળા કરતી વખતે પણ મનને સમતામાં નથી રહેવા દેવું? શીદ મને છીપર માથે લૂગડાં પછાડે તેમ પછાડી રહી છો?' શરમિંદી બનીને ડોશી પાછાં મણકા જોરથી ચલાવવા લાગ્યા, અને વાત કહેનારને વધુ પૂછતાં અટક્યાં. કહેશે એને કહેવું હશે તો !

"આ લ્યોને ત્યારે કહી નાખું, નરબદા કાકીજી ! તમારે શિવે તો ત્યાં ઘર કર્યું એક બરમણ્ય જોડે."

માળાના પારા ઘડીભર બંધ રહી ગયા. પછી નરબદા ડોશીને મનમાં કોઈ ગડ બેસી ગઈ હોય તેમ તેણે પાછી માળા ચાલુ કરી.

"ઠીક, એ તો ઠેકાણાસર થઈ ગયો. પણ્ આ ભાઈશંકર અને લખમો આવ્યા તે કહે છે એ તો બહુ બૂરું, કાકીજી !"

"શું કહે છે, બે'ન?"

"કહે છે કે ત્યાં તો બરમણ્ય માછલાં રાંધી આપે છે ને તમારો શિવો એ ખાય છે."

"હશે બાઈ! મહાદેવજી જાણે શું સાચું હશે. છોકરાને કોઈ બામણે દીકરી દીધી હોત તો હું નિરાંતવી ન્યાતમાં પડી રે'ત, બે'ન !"

"હા કાકીજી, હવે તો ન્યાતનેય વિચાર પડતી વાત થઈને!"

"મા'દેવજીએ ધાર્યું હશે એ થશે, બેન ! આપણે શું કરશું?"

આમ માળાની સમાપ્તિ થતાં સુધી નરબદા ડોશીએ વાતને પચાવ્યે જ રાખી, પણ વાત કરનાર આ પાડોશણના ગયા પછી એના અંતરમાં યુગો ને યુગો ભડકે બળવા લાગ્યા.

બીજું તો ઠીક, પણ મારા શિવને છોકરાં થશે તેનાં પરણમરણનું શું થશે ! અને આ બરમી બાયડી મારા શિવને સાચવશે કેટલા દી! એ તો ધંધોરોજગાર કરનારી બાયડીઓ હોય છે. એના ધણીઓ તો બાપડા ઘેર ઢોરાં જેવાં ને ગુલામ જેવા થઈ છોકરાં રમાડવા ને રસોઈપાણી કરવા રહેતા હોય છે. મારો શિવ શું ઘરની સંજવારી કાઢતો હશે? બાયડીનાં લૂગડાં ધોતો હશે? છોકરાના ઘોડિયાની દોરી તાણવા બેસશે? અને શું એને એની બાયડી ધમકાવતી હશે? કોને ખબર મારતીયે હશે?

સાંભળ્યું હતું ઘણું ઘણું કે આંહીં આપણા દેશમાં જે શાસન પુરુષો સ્ત્રી પર ચલાવતા હોય છે, તે જ શાસન ત્યાં બ્રહ્મદેશમાં સ્ત્રીઓ પુરુષો પર ચલાવે છે. જ્ઞાન અને માહિતી દ્વારા એમણે પોતાના શિવની દુર્દશા કલ્પી.

બાયડી બીડી કે હોકો પીતી પીતી ખુરશી પર બેઠી હશે અને શિવ શું એના પગ તળાંસતો બેઠો હશે ! કે ઊભો ઊભો રસોઈ કેમ બગડી તેનો ઠપકો સાંભળતો હશે !

પોતે ન્યાતબહાર થવાની છે તેનો વિચાર તો ઝપટમાં આવીને પસાર થઈ ગયો. પોતાનું અમંગળ કલ્પવા એ થોભી જ નહીં. પોતાનામાંથી નહીં, પણ પોતાના સંતાનના સારામાઠા ભાવિમાંથી જ જીવનનો શ્વાસ ખેંચનારી આ હિંદુ નારી આકુળવ્યાકુળ બની ઊઠી, આખી રાત એણે ગૂણપાટના કોથળા પર પડખાં બદલ બદલ જ કર્યા કર્યું.

પ્રભાતે ઊઠીને એણે શિવાલયે જઈને છાનાંમાનાં મહાદેવજીને પૂછ્યું : "હે મારા દેવાધિદેવ ! તમે કહો એમ કરું. તમે હસીને જવાબ વાળો, તો હું શિવની પાસે પહોંચું. તમારી પોતાની જેવી ઇચ્છા હોય તેવું જ મને જણાવજો, મારી સ્વાર્થી વૃત્તિને લક્ષમાં લેશો નહીં, દાદા!"

તુરત એને મહાદેવનું સફેદ બાણ વધુ પ્રકાશિત લાગ્યું હતું. પણ રખે પોતે ખોટી હોય એમ વિચારીને એણે પૂજારીને પણ પૂછી જોયું : "આંઈ તો જુઓ, લાલગરજી મા'રાજ! આજ તો શિવનું બાણ હસી રહ્યું હોય એમ તમને નથી લાગતું ? મારો દેવ મોં મલકાવીને જાણે કે મારી મનીષાનો જવાબ વાળી રહ્યો છે."

"હા માડી!" પૂજારીએ પણ એટલી જ શ્રદ્ધાથી સ્વીકાર કર્યો: "મહાદેવજી તો જેવા ભક્તો તેવા જવાબ વાળે છે. ભોળિયો નાથ મારો, કોઈને છેતરતો નથી. એ તો છે હાજરાહજૂર દેવતા! તમારું કામ ફત્તે કરો, માડી!"

"ત્યારે તો હું જઈશ. પણ એકલી શીદ જાઉં? મારી શારદૂને સાથે લેતી ન જાઉં? એય પરવારીને બેઠી છે. એને હવે શી વળગણ છે? એને જોડે લઉં, નીકર એલી બળૂકી બરમણ્ય મારાં ને શિવનાં તો પીંછડાં જ પાડી નાખશે. ઘરને ઉંબરે ચડવા તો નહીં દે, પણ મારા શિવને મળવાનીયે રજા નહીં આપે!"

તૈયારી કરવાને એક જ રાત બસ હતી. બે ઠેકાણે તાળાં દેવાનાં હતાં. પણ ચાવી તૂટી ગયેલી, ને તાળાંને પણ કાટ ચડી ગયેલાં, ગ્યાસતેલ લગાવીને તાળાં સાફ કર્યાં. ગામમાં ભમીને ચાવીઓ હાથ કરી. ચાર-પાંચ દિવસ ચાલે તેટલો સાથવો દળી દીધો. પાણીનો ગોળો ઘરમાં ઊંધો વાળ્યો, અને ગૃહરક્ષા મહાદેવને ભળાવી, છેલ્લો દીવો ઘરને ગોખલે બળતો મૂકી, નરબદા ડોશીએ, 'જરી દીકરી પાસે નગર જઈ આવું છું' એમ કહીને માણાવદર છોડ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Classics