Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

ચારણીનું ત્રાગું

ચારણીનું ત્રાગું

4 mins
7.2K


"દુવાઈ હો ! જોગમાયાની દુવાઈ હો ! નવ લાખ લોબડીયાળીયુંની દુવાઈ હો તમને." ઊનાના પાદરમાં એ પાંચમાં પ્રભાતના પહેલા પહોરે છેટેથી સાદ સંભળાયો.

ભલકા ઉપર ઊભેલો એક ભાટ અટકી જાય છે. એના હાથમાં ત્રણેક વર્ષનું બાળ હતું, બાળકને એભલકા ઉપર ઉછાળવાની તૈયારીમાં હતો. એના હાથ પાછા પડ્યા, એની પાછળ હારબંધ નાનાં છોકરાં લઈ ઊભેલા ભાટોએ નજર કરી.

કપાળે લમણાં લગી સીંદૂરની પીળ, ઓડ્યેથી (ગરદનથી) અરધોઅરધ વ્હેંચાએલ ચોટલાની, છાતી માથે ઢળતી કાળી ઝબાણ લટો, માથે મૂરતવંતી ચૂંદડી, અને ચૂંદડી ઉપર ઊનનો કાળો ભેળીઓ, એવી એક બાઈ ઉતાવળે પગલે ઊંચા હાથ રાખીને "દુહાઈ ! દુહાઈ ! જુગદંબાની દુહાઈ !" બોલતી ચાલી આવે છે. વીશથી વધુ ચોમાસાં એણે જોયાં જણાતાં નથી.

"ચારણનું બાળ લાગે છે." ભાટો ઓળખી શક્યા.

શ્વાસે ધમાતી, જીવતી ધમણ સરીખી એ ચારણીએ આવીને પહેલું કયું કામ કર્યું ? ભલકા ઉપર પરોવાઈ જવાની જેને ઝાઝી વાર નહોતી, એ બાળકને એણે ભાટના રૂંછડીયાળા કાળા કાળા હાથના પંજામાંથી ઉપાડી લીધું-કાંટાળી વાડમાંથી કૂંણું એક કોઠીંબડુ ઉતારી લે તેટલી નરમાશથી.

લઈને બાઇએ બાળકને છાતીએ તેડ્યું. પૂછ્યું "આ શું કરી રીયા છો બાપ ?"

"ત્રાગું."

"આવું તે કાંઈ ત્રાગું હોય મોળા (મારા) વીર ?"

"આઇ, અમારે ભાટુંને માથે કેદી ય નો'તી થઇ તે થઇ છે. અકેકાર ગુજર્યો છે."

"મું ઇ જાણેને જ આવી છું મોળા વીસામા, પણ આ ગભરૂડાંનાં લોયનાં ત્રાગાં હોય કે'દિ ?"

એમ બોલતી બોલતી એ અજાણી સ્ત્રી પોતાને હૈયે ભીડાએલા બાળકનું માથું પંપાળીને આખે અંગે, છેક પગ સુધી પંજો ફેરવે છે. બાળકના ફફડાટ એના કલેજામાં પડઘા પાડે છે. બીજાં નાનાં છોકરાં ઉપર એની મીઠી નજર રમે છે.

એ નજર એક પલકમાં રંગો બદલીને ભાટોને પૂછે છે, "કીસે ગો' તમારી વહુવારૂનો ચોર ? ક્યાં લપાઈ બેઠો છે ?"

"આ સામો કળાય એ રાજગઢમાં."

"ઓલી અધૂધડી બારી દરશાય ત્યાં ?"

" હા આઇ."

"ઠીક બાપ. ભલકાં ઉપાડી લ્યો. છોકરાં સંતાપવાં નથી. તમારાં ભાટુંનાં ત્રાગાં સંકેલી લ્યો, વધાવી લ્યો."

ભાટોને સમજ પડી નહિ. મૂંઝાઈને ઊભા રહ્યા.

"મૂંઝાવ મા વીસામા ! અંદેશો રાખો મા. ચારણનું જણ્યું આવી ચડે તે પછી બીજાનું ત્રાગું બંધ થાય. ને હવે તમે ત્રાગાં વધાવીને તમારે રસ્તે પડજો."

એમ બોલતે બોલતે જુવાન ચારણીએ, (જેણે થોડા જ સમય પર પોતાના ધણીને ગીરની વનરાઇના ઊંબરમાં જીવ્યા મુવાના જુહર કીધેલા) પહેલો પોતાના દેહ પરથી ભેળીઓ ઉતારવા માંડ્યો.

"તમારામાંથી વધુમાં વધુ જોરાવર હાથવાળો જણ આમ આવે."

એની જીભ જાણે ઝાઝા કાળથી હુકમ દેવા ટેવાએલી હોય એવા એ શબ્દો હતા.

"ને ભેળી એક તરવાર લાવો."

બોલતે બોલતે એણે તેડેલ બાળકને હૈયે દાબીને હેઠું મૂક્યું. કહ્યું "બચ્ચા, જાવ માને ખોળે. હવે તમે નરભે (નિર્ભય) છો. જાવ સૌ બાળારાજા !"

ગર્દનની બેય બાજુએ છાતી પર ઝૂલતી ચોટલાની લટોની એણે કપાળે ગાંઠ વાળી લીધી. સાકરકોળાના રંગની સાથે મળતા રંગની એની ગરદન ઉઘાડી થઈ. ડોકનું માદળીયું પણ એણે કાઢીને કોરે મૂક્યું. ને એ ઊના ગામના ઝાંપાની સન્મુખ, પડખોપડખ જઈ ગોઠણભેર બેસી ગઈ. જાણે ધરતીમાં ખોડાઈ ગઈ હોય તેવી જુક્તિથી એણે આસન વાળ્યું.

પછી એણે પોતાના દેહ ઉપરથી મૂરતવંતી ચૂંદડીને ઉતારવા માંડી. ચૂંદડી ખેંચાતી ગઈ તેમ તેમ એના દેહનો મરોડ દેખાયો. એ તો હતું દૂધનું ઝાડવું. ભેંસોનાં દહીંએ દૂધે સીંચેલી દેહકળાનો ચીકણો ઉજાસ દેખી ભાટો સ્તબ્ધ બન્યા.

"આવ્યો તરવારવાળો ?" એણે ફરી હાક દીધી. "મૂછાળાઓ, શું વિચારમાં પડ્યા છો ? હવે વિચારને માટે વેળુ નથી. આવી જાઓ એક જણો મોખરે."

એમ કહેતી એણે ગરદન જરા બંકી કરી. સીધી ને કૂંણી એ ડોક કોઇ સંધેડીયાએ સમા હાથે ઉતારેલ હોય તેવી ભાસી.

જોજે હો વીર !" એણે તરવારધારી ભાટને ચેતવણી આપી : " ઝઝકીશ નહિ. જોજે હાથ થોથરાય નહિ. એવો ઝાટકો દેજે કે વાધરી ય વળગી ન રહે. "

એમ કહીને એણે આખી ય ચૂંદડી ઉતારીને ભોંય ઉપર મૂકી : જાણે કેસૂડાં ને આવળનાં ફૂલોનો ધરતી ઉપર ઢગલો થયો.

ને કોણ જાણે ક્યાંથી સૂસવવા લાગેલો અણધાર્યો પવન એ ચૂંદડીને પોતાની ઘુમરીઓમાં ઉપાડ ઉપાડ કરવા લાગ્યો.

"ઓલી...સામી કળાય ઇ બારી કે ? તીયાં બેઠેલ છે તમારી વહુવારૂનો ચોર કે ?"

"હા આઇ, ત્યાં જ."

"ઠીક, બાપ ! કર ઘા ત્યારે."

એમ બોલીને એણે પોતાના બેઉ હાથ ધરતી પર ચોડી દીધા, ને એની ગરદન ઝાટકાના લોગમાં આવે તેવી જુક્તિથી ઝૂકી પડી.

પલ પછી જ્યારે એનું મસ્તક છેદાઈને નીચે જઈ પડ્યું ત્યારે એ માથા વગરનું ધડ ધરતી પરથી હાથ ઉઠાવી લઈને ફરી પાછું ટટ્ટાર બેઠું. બેઉ હાથનો ખોબો વાળ્યો, ખોબામાં પોતાનું જ રૂધિર ઝીલ્યું. ઝીલી ઝીલીને ત્રણ ખોબા એ મસ્તક વગરના ઢુંઢે ઊનાના દરવાજા ઉપર છાંટ્યા. પછી એ દેહ ત્યાં પડી ગયો.

સૂસવતો પવન ચૂંદડીને ચક્કર ચડવીને ક્યારે ઉપાડી ચાલ્યો ગયો તેની સરત કોઈને રહી નહિ.


Rate this content
Log in

Similar gujarati story from Classics