Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા - ૯

પ્રભુ પધાર્યા - ૯

6 mins
7.4K


ગામેગામની ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા.

ફ્યાજીનાં મંદિરો ફરતાં પાંચ-પાંચ દસ-દસ મઠોનાં ઝૂમખાં આવેલાં હતાં. પ્રત્યેક મઠમાં ફુંગીઓની મોટી સંખ્યા રહેતી. પીતવસ્ત્રધારી, મુંડન કરાવેલા, કરાલકાલ ફુંગીઓ.

ગામેગામની ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા.

ફ્યાજીનાં મંદિરો ફરતાં પાંચ-પાંચ દસ-દસ મઠોનાં ઝૂમખાં આવેલાં હતાં. પ્રત્યેક મઠમાં ફુંગીઓની મોટી સંખ્યા રહેતી. પીતવસ્ત્રધારી, મુંડન કરાવેલા, કરાલકાલ ફુંગીઓ. દેવમૂર્તિઓના દેહ પર બ્રહ્મદેશીઓ સોનારૂપાનાં જે પતરાં ચોડતાં એની માલિકી ફૂંગીઓની હતી. એ સાધુઓ રેલવે વાહનોના વ્યવહાર કરી શકતા, પૈસાટકા રાખી શકતા, મનગમતી વસ્તુઓ ખરીદી શકતા, શાસ્ત્રાભ્યાસની માથાકૂટમાં ઝાઝા ઊતરતા નહીં, ઇન્દ્રિયસુખો પ્રત્યે ઝાઝી સૂગ રાખતા નહીં. શ્રદ્ધાળુ પ્રજા એમને ગમતી, જ્ઞાનવિદ્યામાં અનુરક્ત ફુંગીઓ હતા, પણ પ્રમાણમાં ઘણા થોડા.

બર્મી છાપાં તેમણે વાંચ્યાં હતાં. સુરતના કોઈ પટેલ નામે હિંદી મુસ્લિમે પ્રકટ કરાવેલી સાત વર્ષ પૂર્વેની એક ચોપડી તેમની પાસે પહોંચી ગઈ હતી. એ ચોપડીમાં ફુંગીઓના આચારવિચારો પર કાતિલ રોશની છંટાયેલી હતી. પણ તેની સામે ઇસ્લામનું પ્રતિપાદન હતું. હિંદમાં 'રંગીલા રસૂલ' લખનારની જે વલે થઈ હતી તે કરતાં ઘણી વધુ ભયંકર ખાનાખરાબી આ લેખકે-પ્રકાશકે અહીં પોતાની કોમને માથે નોતરી. ફુંગીઓના પ્રકોપની પ્યાલી છલકાઈ પડી.

યાંગઉં નગરમાં ફુંગીઓનું રોષ-સરઘસ નીકળ્યું અને નગરવાસીઓમાં હાલકલોલ મચી ગઈ. જીવતી મશાલો જેવા સાધુઓએ નેવે નેવે આગ લગાડી. ધર્મનીનિંદા, પ્રભુ બુદ્ધ પંથની બદબોઈ: બાળક બ્રહ્મી પ્રજા એ બદબોઈની બરદાસ્ત કરી ન શકી.

ફુંગી-સરઘસનો રસ્તો રૂંધતી સરકારી પોલીસમાંથી એક ગોરા સાર્જન્ટનું ખૂન થયું.

આખા દેશવ્યાપી કોમી સંહારને મંજૂર રાખતી લીલી ઝંડી રોપાઈ ગઈ. લાંબા કાળથી એકત્ર થયેલા દારૂખાનામાં દીવાસળી ચંપાઈ ગઈ.

"જ્યાં દેખો ત્યાં મુસ્લિમોને અને ઝેરબાદીઓને કાપી નાખો!" કોઈક અનામી હાકલ પડી. "ન જોજો ઓરતો, બાળકો કે બુઢ્ઢાઓ."

-અને હજારો તાતી ધા ઝેરબાદીઓ તેમ જ બ્રહ્મીઓની બગલોમાંથી ઉછળી પડી. નગરે, ગામે, ગામડે; મોલમીનથી માંડલે લગી મચ્છી કાટનારી ધાએ માણસોને રેંસ્યાં.

"બિનમુસ્લીમને અડકશો નહીં." એ હતો બ્રહ્મીઓનો આદેશ.

"બિનબર્મીઓને છેડશો નહિ." એ હતી ઝેરબાદીઓની સૂચના.

હિંદુઓ આમ બેઉ પક્ષોથી સલામત હતા. શોણિતની સરિતાઓ વચ્ચે થઈને તેઓ ચાલ્યા જઈ શકે. પણ કોણ હિંદુ ! કોણ કાકા![૧] ઝનૂને ચડેલી પ્રજા બે વચ્ચે ક્યાં ભેદ સમજે? હિંદુઓ પણ ઘરમાં લપાઈ બેઠા હતા. બ્રહ્મી પડોશીઓ એમને રક્ષી રહ્યા હતા.

*

રતુભાઈ યાંગંઉમાં હતો. એણે મિલ બદલાવી હતી. રહેમાન રાઇસ મિલમાં એને નોકરી જડી હતી. એનાથી ઘર ઝાલીને બેસી ન રહેવાયું એને એની જૂની મિલના એક મુસ્લિમની દશાનો ઉચાટ લાગ્યો. પોતે હિંદુ લેખે સલામત હતો. એણે જેટી પર જઈને પોતાની મિલની લૉંચની શોધ કરી. લૉંચ મૂકીને માણસો નાસી ગયા હતા. ભાડૂતી સંપાનો ઊભી ઊભી પાણીમાં જળકમળ જેવી ઝૂલતી હતી.

"આવે છે અલ્યા ખનાન-ટો?" એણે એક સંપાનવાળાને સાદ કર્યો.

"હા બાબુ! લાબા." સંપાનવાળો બરમો હોંશે હોંશે હાજર થયો. સંપાન રતુભાઈને લઈને ઇરાવદીમાં ઊપડી.

બેએક માઈલની જળવાટ હતી. સંપાનમાં બે જ જણ હતા: એક રતુભાઈ, ને બીજો સંપાની બરમો. રતુભાઈ કોટ પાટલૂન અને હૅટમાં હતા. સંપાની એક લુંગીભેર હતો. હલેસાં ચલાવતા એના ખુલ્લા હાથની ભુજાઓ પર માંસના ગઠ્ઠા રમતા હતા. છાતી ગજ એક પહોળી અને ગેંડાના ચામડા જેવી નક્કર હતી. માથે ઘાંઉબાંઉ હતું.

રતુભાઈ અને એ બેઉ સામસામા હતા. સાગર-શી વિશાળ ઇરાવદીનાં મધવહેણમાં નરી નિર્જનતા વચ્ચે રતુભાઈ જોતો હતો અને સંપાની સંપાનના ભંડકમાંથી કશુંક શોધક હતો.

પલમાં તો સંપાનીના પંજામાં ધા ઊપડતી દેખાઈ. "કેમ રે?" રતુભાઈએ તો કશા ઓસાણ વગર વિનોદ કરતાં કરતાં પૂછ્યું : "અહીં તો કોઈ મુસલમાન કે ઝેરબાદી નજરે પડતો નથી. કોઈ સંપાન પણ નજીક નથી ને તું ડરે છે કેમ?"

"મીં કાકા, મીં ખોતોકલા," સંપાનીએ જરાક વાર રહીને પૂર્ણ શાંતિથી જવાબ વાળ્યો, તે વખતે તેની આંખોમાં રતુભાઈએ રાતા ટશિયા ફૂટતા જોયા.

"મીં કાકા!" (તું મોપલો મુસલમાન છો.) "મીં ખોતોકલ!" (તું બંગાળી મુસ્લિમ છો.)

કલા એટલે સામે સાગરપારથી આવેલો હિંદી. 'ખોતો' એટલે 'કોથાય' (અર્થાત્ 'ક્યાં') એવો શબ્દ વારંવાર બોલનાર હિંદી, એટલે કે બંગાળાનો ચટગાંવ બાજુનો મુસ્લિમ.

ઇરાવદીનાં ડહોળાં પાણીમાં સરી જતી સંપાન પર ઉચ્ચારાતા આ શબ્દો, અને આ લોખંડની ભોગલ-શા ખલાસી-પંજામાં ભિડાયેલી ધા, બેઉએ રતુભાઈની ને મોતની વચ્ચેનું અંતર તસુભર જ કરી દીધું. બરમાની ધા દેખા દીધા પછી કેટલા વેગે માણસને કાપે છે તેની એને ખબર હતી.

"તું ભૂલ કરે છે, નાવિક!" રતુભાઈએ ખામોશીથી જવાબ વાળ્યો: "હું હિંદુ છું."

"નહીં, તું કાકા છો. તરો લેબાસ હિંદુનો નથી." ધા ટટ્ટાર થતી હતી.

"નાવિક, આ લેબાસ અમારામાં સૌ કોઈ પહેરે છે." રતુભઆઈની દલીલો હેઠળ છાતીના ઝડપી થડકાર છુપાયા હતા.

"બતાવ તારી ચોટલી."

"અરે ભાઈ બધા હિંદુઓ ચોટલી રાખતા નથી."

" તો બતાવ જનોઈ."

"ગાંડા, જનોઈ પણ અમુક હિંદુ જ પહેરે છે."

"તો ખોલ તારું પાટલૂન."

"કેમ?" રતુભાઈ ન સમજ્યા.

"દેહ દેખાડ, જોવા દે સુન્નત છે કે નહીં." ટાઢોબોળ બરમો નિશ્ચયને દૃઢ કરી ચૂક્યો હતો.

"નાવિક. હું તને ખરું કહું છું કે સુન્નત નથી. મારી એબ જોવાનો આગ્રહ છોડી દે. અને હું કહું છું એમ ખાતરી કર. તું કિનારે જ મને આ સંપાનમાં મૂકીને ખનાન-ટોની કોઈ પણ મિલમાં જઈ પછી ખાતરી કર. મારું નામ દેજે, ને પૂછજે કે રતુબાબુ હિંદુ છે કે મુસ્લિમ. પછી તને ખાતરી ન થયા તો મને આંહી પાછો આવીને મારી નાખજે. તને કોઈ નહીં રોકે. મારું નામ સૌ જાણે છે. ચોથી મિલમાં હું મેનેજર છું. તું તારે પહેલી મિલમાં જઈને પૂછી આવ; નહીંતર તું મને કાપી નાખીશ તે પછી જો તને સત્યની ખબર પડશે, તું જ્યારે મારા મુડદાની એબ જોશે, ત્યારે તને કેટલો પસ્તાવો થશે તેનો તું વિચાર કર. પછી વાત તારા હાથમાં નહીં રહે."

બરમો સહેજ વિચારમાં થંભ્યો. વળી એણે કહ્યું, "તો તને શરીર ખુલ્લું કરતા શું થાય છે?"

"નાવિક," રતુભાઈને લાગ્યું કે પોતાનો હાથ કંઈક ઉપર આવ્યો છે એટલે એનામાં વધુ સમજાવટ કરવાના હોશ પ્રગટ્યા; "અમે હિંદુ, અમારી એબ ઉઘાડી કરવામાં મહાપાપ સમજીએ. અમે એવી જનેતાઓના બેટાઓ છીએ, કે જેમણે પોતાની એબ દેખાડવા કરતાં જીવતી સળગી જવું પસંદ કર્યું છે. અમે તારા કૃપાલુ પ્રભુ ગૌતમના દેશના છીએ, કે જેમણે જગતના એક જીવડાને પણ ન હણવાનો સુબોધ દીધો છે. અમે ગુજરાતીઓ છીએ. કીડીનેય ચગદતાં પાપ ગણીએ છીએ. એબ જોવી ને એબ દેખાડવી, બેઉ અમારે મન મહાપાપ છે."

"તું બહુ મીઠું મીઠું બર્મી બોલી શકે છે!" એ શબ્દો સાથે નાવિકની ધા પરની પકડ ઢીલી પડી. એણે કહ્યું, "આજે સવારથી આ સંપાનમાં મેં પાંચ કાકાને કાપી નાખી ઇરાવદીમાં ફેંકી દીધા છે, પણ તું છઠ્ઠો મારા માથાનો મળ્યો !"

"ભાઈ, હું તો હિંદુ છું. પણ ધાર કે હું મુસ્લિમ હોત, તોયે મને મારીને તું શું લાભ ખાટત ?"

"ઢમ્મા." નાવિકને એક જ શબ્દ સૂઝ્યો.

"ધર્મ ?" રતુભાઈએ સામે પૂછ્યું.

"હા, બૌઢ્ઢાનો ઢમ્મા ! ગોઢમાનો ઢમ્મા !"

"નહીં રે નહીં. એ ધર્મ ગૌતમ બુદ્ધનો ન હોય. કોઈકે ક્યાંક ભૂલ ખાધી છે ને ભૂલ ખવરાવી છે. ખેર ! બસ હવે તો તું મને આ પહેલી મિલમાં જ ઉતારી દે."

"નહીં રે, હવે તો તને હું તારી મિલમાં જ મૂકી જઈશ. હવે તું ડર ના."

"તો કહે નાવિક, કલીકમાં મલૌ બાને ?" (હવે લબાડી નહીં કર ને ?)

"હવે કલીકમાં કરું નહીં કદી, બાબુ ! મારું દિલ ખાતરી પામ્યું છે કે તું કાકા કે ખોતોકલા નથી, તું બાબુ છે; તારો વાળ પણ વાંકો નહીં કરું. ફ્યા સુ."

ફ્યા સુ (પ્રભુના સોગંદ) કહ્યા પછી બરમો દગો દેતો નથી, સર્વ વાતોનું પૂર્ણવિરામ ’ફયા સુ’.

"બસ, તો પછી મને પહેલી જ મિલમાં ઉતારી દે."

"પણ શા માટે ?"

"તું નથી જાણતો કે ચોથી મિલ કોની છે ?"

"હા... હા... હા, બાબુ ! એ તો ખોતોકલાની, તું ત્યાં કામ કરે છે ?"

"હા, ભાઈ, એ અમારા હિંદુ માલિક કરતાં વધુ ઉદાર માલિક છે. તને હું ત્યાં નહીં લઈ જાઉં."

"કેમ ?"

"કદાચ ત્યાંનો કોઈ મુસ્લિમ તને કાંઈ કરે, તો મારે જાન જ દેવો પડે. તેં મને જીવતદાન દીધું છે, પણ બીજા તને ન દે તો ? મને પહેલી જ મિલે ઉતાર."

પોતાની આગલી મિલના ઘાટ પર ઉતરી રતુભાઈએ કહ્યું: "હવે તું નાસ્તો કરવા ચાલ અંદર."

"ના, બાબુ." બરમો ઝંખવાયો.

"ચાલ, તને કોઈ ન છેડે. હું ભેગો છું. મારું દિલ છે કે તું કાંઈક ખાતો જા. અહીં કોઈ મુસલમીન નથી."

"કલીકમાં મલૌ બાને !" (લબાડી કરતો નહીં હો કે !) આ વખતે નાવિકનો વારો હતો.

"ફ્યા સુ." રતુભાઈએ શપથ ખાધા.

ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની જૌહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાવ્યું, વધુ નાણાં આપી વળાવ્યો, તે વખતે પાછલી બાજુ કાળા કિકિયારા સંભળાતા હતા: "કાકાને કાપો !" "ફુંગીઓને કાપો !"

"આપણો અલી ક્યાં છે ?" રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો.

"શિવશંકર એને ઘેર લઈ ગયા છે."

"અલીની બર્મી સ્ત્રી ?"

"સાથે જ ગઈ છે."

રતુભાઈને ફાળ પડી.


Rate this content
Log in

Similar gujarati story from Classics