Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics Inspirational

0  

Zaverchand Meghani

Classics Inspirational

માથાનું દાન

માથાનું દાન

3 mins
386


કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા. એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં.

કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટારવ બજે છે, લોકોનાં ટોળેટોળાં ગીતો ગાય છે : 'જય કોશલપતિ !' સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે.

કાશીરાજ પૂછે છે : 'આ બધી શી ધામધૂમ છે?'

પ્રધાન કહે કે : 'કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.'

'મારી પ્રજા કોશલના સ્વામીને શા માટે સન્માન આપે ?'

'મહારાજ ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કેાઈ માટીના સીમાડા ન અટકાવી શકે'

'એ...એ...મ !' કાશીરાજે દાંત ભીંસ્યા, ઇર્ષાથી એનું હૃદય સળગી ઊઠયું. 

ચુપાચુપ એકવાર કાશીની સેનાએ કોસલ ઉપર છાપો માર્યો, સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા.

સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે ? ખડગ ધરીને રણે ચડ્યો, હાર્યો, લજજા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા.

'કોશલનું આખું રાજ મેં કબજે કર્યું છે એની રિદ્ધિ- સિદ્ધિ મારી પ્રજા ભોગવશે. એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતનાં માણસોને બેસાડીશ' એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો.

પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેરઘેર તે દિવસે શોક પળાયો. રાજાની ઇર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો દેશદેશમાં એણે પડો વજડાવ્યો કે 'કોશલરાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું' દેશેદેશમાં ધિ:કાર ! ધિ:કાર !' થઈ રહ્યું.

*

જગલમાં એક ભિખારી ભટકતો હતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું : 'હે વનવાસી ! કોશલ દેશનો રસ્તો કયો ?'

ભિખારીએ નિઃશ્વાસ નાખી કહ્યું : 'હાય રે અભાગી દેશ ! ભાઈ, એવું તે શું દુઃખ પડયું છે કે તું બીજા સુખી મુલક છોડીને દુઃખી કોશલ દેશમાં જાય છે ?'

મુસાફર બોલ્યો : 'હું એક ખાનદાન વણિક છું. ભરદરિયે મારાં બારે વહાણ ડૂબી ગયાં છે. મારે માથે કરજનું કલંક 

છે. મન તો ઘણું યે થાય છે આપઘાત કરવાનું. પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય ? હે વનવાસી ! એટલા માટે હું કોશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ. કમાઈને કરજ ચુકાવીશ'

એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું, તરત એની આખેામાં આંસુ ભરાઈ આવ્યાં.'

એ બોલ્યો : 'હે મુસાફર ! તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ ?'

બન્ને જણ ચાલ્યા. કાશીનગરમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીનો મોં ઉપર કેાઈ રાજવી કાંતિ ઝલકતી હતી. કાશીરાજની આંખો એ કંગાલ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછયું : 'કોણ છો ? શા પ્રયેાજને અહીં આવેલ છો ?'

ભિખારી કહે : 'હે રાજન ! સુખસમાચાર દેવા આવ્યો છું.'

'શું ?'

'કોશલરાજનું માથું લાવનારને આપ શું દેશો ?'

'કયાં છે ? કયાં છે ? લાવ જલદી. સવા મણ સોનું આપું, અઢી મણ સેાનું આપું. કયાં છે એ માથું ?'

'રાજાજી ! અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો.'

રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા શો આંખો ફાડી રહ્યો. 

'નથી એાળખતા, કાશીરાજ ? એટલામાં શું ભૂલી ગયા ? ઝીણી નજરે નિહાળી લો, આ કેશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું ?'

'કોશલના સ્વામી ! હું આ શું જોઉં છું ? આ તે સત્ય છે કે સ્વપ્ન ?'

'સ્વપ્ન નહિ, રાજા ! સત્ય જુવો છો. ચાલો, જલદી ખડગ ચલાવો, આ વણિકની આબરૂ લૂંટાય છે.'

ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવીને કહ્યું : 'વાહ વાહ, કોશલપતિ ! મારું આટઆટલું માનખંડન કર્યું, ને હજી યે શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે ! ના, ના, હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ.'

એટલું કહી, એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશી રાજે મુગટ પહેરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યો, ને પછી ઊભા થઈ, સન્મુખ જઈ, અંજલિ જોડી કહ્યું : 'હે કોશલરાજ ! રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું, બદલામાં તમારું માથું લઉં છું : પણ ખડગની ધાર પર નહિ, મારા હૈયાની ધાર પર.'


Rate this content
Log in

Similar gujarati story from Classics