Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

રાઠોડ ધાધલ

રાઠોડ ધાધલ

25 mins
1.0K


સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કંઈક મહારથીઓએ પોતપોતાનાં રાજની જમાવટ કરીને મસાણમાં સોડ તાણી લીધી હતી. રાજકોટને ટીંબે ગોરાએાની છાવણીના તંબુ ખેંચાતા હતા. એકબીજા રાજ્યોના સીમાડા કાઢવા અંગ્રેજ સરકારના હાકેમો હાલી મળ્યા હતા. મોટી મોટી ફોજો હાંકવાના દિવસ વીત્યા, અને પછી તો નાણાં ખરચી ખરચીને જમીનો વેચાતી લઈ લઈ મોટાં રાજ્યો પોતાના સીમાડા વધારતાં હતાં.

ફક્ત બહારવટાની બંદૂકો દશે દિશામાં ગડેડાતી હતી. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ અને સોરઠમાં બાવા વાળો હાક બોલાવતા હતા. બાકી તો લૂંટારા કાઠીઓ ગુજરાતના કાંઠા સુધી મેલીકાર લઈને લૂંટો કરતા હતા.

એવે સંવત ૧૯૦૦ને સમયે કાઠિયાવાડના મુલકમાં સેનાની વીંટી જેવા સનાળી નામે ગામડામાં રોગી સોપારી જેવો બેઠી દડીનો રાઠોડ ધાધલ નામનો કાઠી જેતપુર દરબાર રાણિંગ વાળાની જમીનની ચોકી કરતો હતો.

સનાળીના ત્રણ બાજુના સીમાડા ઘેરીને ગોંડળ રાજનાં ગામડાં ઊભાં છે : ઉગમણી કુંભાજીની દેરડી, ઓતરાદી 

રાણસીંકી અને આથમણી વાવડી : એમ ત્રણ ગામડાંમાંથી ગોંડળની પાદશાહી દૂબળા-પાતળાને ભીંસ કરતી કરતી પગલાં માંડી રહી છે. દેરડી અને સનાળીના સીમાડા ઉપર વખતોવખત લોહી રેડાય છે. રાણિંગ વાળાને ખબર હતી કે રાઠોડ ન હોય તો સનાળીના ભુક્કા નીકળી જાય. એટલે પોતાના એ જોરાવર નાતાદારને રાણિમગ વાળાએ પંદર સાંતીની જમીન અને ચાર સાંતીની વાડી આપીને સનાળીમાં રાખ્યો હતો. કાઠિયાણીના ઉદરમાં કંઈક અગ્નિના ગોળા પાકે છે : રાઠોડ એવી કોઈ માની કૂખે અવતર્યો હતો. એને તો –

મોસાળે વાળા મરદ, સે કમધ સવાય,

રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ.

જેનાં મોસાળિયાં વાળા વંશના છે અને જેના પિતૃપક્ષના વંશને એટલે કે ધાધલ કુળને 'કમધ'ની ઉપમા મળી છે તેવા બન્ને ઉજ્જવળ કુળના સંતાન રાઠોડ ધાધલને રણક્ષેત્રમાંથી બહાર નીકળવાની બારી હોય નહિ. નાસે તો એનાં બન્ને કુળ લાજે.

–એવો દુહો કહીને સનાળીના ખોડાભાઈ ચારણે બિરદાવ્યો હતો. ધીંગાણાં કરવાં એ તો એને મન રમત વાત હતી. સદાય રણસંગ્રામ ખેલતો તોય આપો રાઠોડ આનંદી હતો. ગામમાં ને પરગામમાં આપો બધી વસ્તીને પૂછવાનું ઠેકાણું હતો. દારૂ-માટીને એ સૂરજનો પુત્ર અડતોય ન હતો. દૂધના ફીણ જેવી એની કાયાનો વાન હતો. અર્ધે માથે કપાળ હતું. ચડિયાતી અાંખો હતી. ગોળ કાંડાં હતાં. ઢાલ જેટલી પહોળી છાતી હતી. વેંતવેંતની વાંકડી મૂછો અને કાને આંટા લે એવા વાંભવાંભના કાતરા હતા.

*કાઠી લોકો સાળાને સાળો ન કહે, 'નાતાદાર' કહે.

લાઠી પાસે દરબાર રાણિંગ વાળાનું અકાળા નામે ગામ હતું. એક દિવસ અકાળાનો પટેલ સનાળીમાં ધા નાખતો નાખતો નીકળ્યો. રાઠોડ ધાધલ સત્તાવીસ અસવાર લઈને ગામતરે જાતા હતા. પાદરમાં જ પટેલ મળ્યો; પૂછ્યું : ”ભણેં. કિસેં જાતો સો ?”

"જેતપુર, બાપુ રાણિંગ વાળા પાસે.”

"કાણા સારુ ? ”

“મતીરાળાનો માલ અમારી સીમનો બાજરો ભેળી ગયો. તે ફરિયાદ કરવા સારુ.”

“એમાં રાણિંગ વાળાનો માથો ખાવા કાણું ધેાડ્યો ? હાલ્ય, હું આવતો સાં.”

પટેલ બોલ્યા : “ના બાપુ, હું તો ધણી પાસે જ જઈશ. તમે શું કરવાના હતા ?”

“એલા અસવારો, આ ગોલાને બાંધુને લઈ હાલો.”

પટેલને મોઢા આગળ ઉપાડ્યો. સનાળી ગામમાં ખોડાભાઈ નીલા નામે એક ડાહ્યો ચારણ રહેતો હતો. રાઠોડ ધાધલનેા એ ભાઈબંધ હતો. એને પણ સાથે લીધો. મતીરાળાની સીમમાં આવ્યા. પટેલને રાઠોડ ધાધલે કહ્યું : “ભણેં: પટલ, જા, અકાળાનાં ને લુવારિયાનાં-બેય ગામનાં ઢોર લઈ આવ્ય.”

આપા રાઠોડે બેય ગામનાં ઢોરને મતીરાળાની આખી સીમનો ઊભો બાજરો ચરાવી દીધો. પછી પટેલને પૂછ્યું :

“કી ભણેં પટલ, હવે તો તાળો કાળજો ઠરુને હિમ થ્યો ન ?”

“ હા આપા, હવે અમારે વટક વળી ગયું.”

હજુ તો અસવારો ઊભા છે. ત્યાં મતીરાળાના દરબાર 

એભલ વાળાને સાઠ ઘોડે આવતા દીઠા. એભલ વાળાના અસવારોમાંથી સામત ધાધલ નામનો એક જોરાવર કાઠી મોખરે આવ્યો અને ભમ્મર ચડાવીને એણે કડકાઈનાં વેણ કાઢ્યાં : “એ રાઠોડા, રોઠી સોપારી જેવડો છે અને મલક બધાને બિવરાવછ, પણ હવે માટી થાજે.”

જરાય અથર્યા થયા સિવાય આપો રાઠોડ બોલ્યા: “ભણેં સામત, ભાયડા કંઈ ઠાલાં આટલાં બધાં વેણ કાઢે ? તું બેાલ્ય મા. લે, ઘા કરું લે. પે'લો ઘા તારો; હાલ્ય, ચોંપ રાખ્ય.”

સામતે બરછીનો ઘા કર્યો. પતંગિયા જેવા આપો; રાઠોડ ઘોડી ઉપરથી ઝબ દઈને નીચે ઊતરી ગયા. બરછી નિશાન ચૂકીને જમીન ઉપર જઈ પડી. રાઠોડ પોતાની બરછીનો ટેકો લઈને પાછા ઘેાડી ઉપર ચડવા માંડ્યા. પીઠો કહોર નામનો એક કાઠી આપા રાઠોડની આડો રક્ષણ કરવા ઊભો રહ્યો. એણે સામતની ટીલડીમાં નેાંધીને બરછી વછોડી. ડૂફ દઈને સામત જઈ પડ્યો. ત્યાં બીજલ કોળીએ બંદૂકનો ભડાકો કરીને બીજા એક અસવારને ઢાળી દીધો ફડાફડી બોલી ગઈ એભલ વાળાના અસવારો હટ્યા. વાંસે એભલ વાળો ચાલ્યા આવતા હતા એમણે પૂછ્યું :

“કોણ રાઠોડ ધાધલ છે ?”

“બાપુ ! રાઠોડ છે.”

“એલા, ભાગો એ કાળને નહિ પુગાય.”

એભલ વાળો ભાગ્યા; રાઠોડ ધાધલે એમને મતીરાળાના ઝાંપા સુધી તગડ્યા. પણ ત્યાં તો આ રમખાણની અંદર ખોડાભાઈ ગઢવી ઘોડેથી પડ્યો. ઘોડો ભાગ્યો અને એભલ વાળાની ફોજની પાછળ દોડ્યો. આપા રાઠોડે ચીસ પાડી : “ એ બા ! ભણેં ભૂંડી થઈ ! આ નીલાનો ઘોડો

ગો. ઓલ્યા ઘોડાને ઝાલુને જેતપુર લઈ જાશે ને બડાઈ હાંકશે કે રાઠોડ ધાધલને જીતુને આદા. એલા, ભડાકો કરો. ઘોડાને ઝટ બંદૂકે દો, નીકર આપડો નાક વઢાશે.”

આપાના એક અસવારે બંદૂક નેાંધીને ઘોડો ગૂડી નાખ્યો. જૂના કાળનો લડવૈયો પોતાનાં ઘોડાંને શત્રુના હાથમાં કદી ન જવા દે.

એક દિવસ જેતપુરના દરબાર વાલેરા વાળા સનાળીમાં મહેમાન થઈ આવ્યા. ચોરે ઉતારો કર્યો. વડલા ઉપર બૂંગણો બાંધીને ઉપર પાણીનાં બેડાં ઠલવી ઠલવી આખો દિવસ વરસાદ વરસાવવાનો વાલેરા વાળાને શોખ હતો. એટલે વાલેરા વાળાનો મુકામ થાય ત્યારે સનાળીમાં ગુલતાન મચતાં. રોટલા તૈયાર થયા એટલે રાઠોડ ધાધલ છાશ પીવા તેડવા આવ્યા. સહુ ઊઠ્યા, પણ ચોરા તરફ એક આદમી ફાળિયું ઓઢીને સૂતેલેા હતો. રાઠોડ ધાધલે પૂછયું : “ઈ કમણ સૂતો છે ?”

વાલેરા વાળાએ કહ્યું : “આપા, ઈ બોલાવ્યા જેવો નથી.”

"કાં ?"

“ઈ મકરાણી છે. એને કોઈ ઊંઘમાંથી ઉઠાડવા જાય તો જમૈયો ઠઠાડે છે.”

“ઈં છે, ભણેં ? ખવરાવતાં-પિવરાવતાં ઊલટાનો જમૈયો મારતો સે ?”

મકરાણીને ફાળિયું તાણીને રાઠોડ ધાધલે સાદ કર્યો: "એ જમાદાર, ભણેં હાલેા, છાશું પીવા.”

મકરાણી જાગ્યો. ડોળા ફાડીને ઝબ જમૈયો ખેંચ્યો. 

રાઠોડ ધાધલ હાથમાં એક બડીકો રાખતા. મકરાણીના કપાળમાં એક બડીકો લગાવી દીધો. લોહીની ધાર થઈ. બીજી વાર બડીકો ઉગામીને આપા રાઠોડ બોલ્યા : “ભણેં જમાદાર, એક વાર જમૈયો વાડે કરું લે, ઝટ કરુ લે. પછે બીજી વાત ભણજે.”

જમાદાર સાહેબે જમૈયો મ્યાન કર્યો.

“લે, મોઢા આગળ થઈ જા; હાલ્ય, રોટલા ખાવા.”

મકરાણી મૂંગો મૂંગો ચાલ્યો આવ્યો. ડેલીએ જઈને રાઠોડ ધાધલે પોતાના વાણંદને કહ્યું : “ ભણેં જીવા, આ જમાદારને બડૂકો લાગુ ગો છે. એના સારુ શેર ઘીને શેરો કરુ દે અને ગામમાંથી રેશમી લૂગડો વેચાતો લઉને એની રાખ કરુને માથાની ફૂટ્યમાં ભરુ દે.”

“અને ભણેં જમાદાર, આજ પછી આવું કરશો મા, હો કે? કોક વગાડુ દ્યે ! સમજ્યા ને?”

જમાદાર સમજી ગયેા હતો. જમાદારને શેરો મળ્યો. રેશમી લૂગડું બાળીને એના ઘા ઉપર રાખ ભરવામાં આવી. એવી તો આપા રાઠોડની ઉદારતા હતી. એમના પેટમાં પાપ નહોતું.

એક વખત આપાને ઘેર દરબાર રાણિંગ વાળો મહેમાન થયા. રાણિંગ વાળાએ રાઠોડ ધાધલને મહેણું માર્યું : “બાઉઝત, તમે આખા મલકને બિવરાવો છે, પણ બીલખામાં તમારા ભાણેજ રાવત વાળાને ઓલ્યો હુદડ કાઠી સંતાપે છે, એને તો કાંઈ કહી શકતા નથી."

“ઈં બાપડું હુદડિયું ફાટ્યું છે ? યાને માટે તલવાર- -બરછી ન હોય, આ બડૂકો જ બસ છે. લ્યો, ભણેં રાણિંગ વાળા, રામરામ!” 

આપા પરબારા ઘોડીએ ચડીને બીલખે પહોંચ્યા. રાવત વાળાની ડેલીએ ન ગયા, પણ રસ્તામાંથી માણસોને પૂછ્યું : “ભણેં હુદડનો ઘર કિસે ?”

લોકોએ જાણ્યું કે આપો મરવા જાય છે. હુદડનું ઘર બતાવ્યું. આપા હુદડની ડેલીમાં ગયા. હુદડ ભેંસ દોતો હતો. આપાએ પડકાર કર્યો :

“ભણેં હુદડ, સાબદો થા, તાળું દાતરડું લઉ લે, દાતરડું !”

હુદડ તો પ્રચંડ કાઠી હતો. રાક્ષસી એની ભુજા હતી. તલવાર લઈને સામે આવ્યો. પણ આપાએ ફક્ત એક જ બડીકો એના માથામાં માર્યો. પહાડ જેવા હુદડ પડી ગયો. બાંધીને હુદડને ડેલીએ લઈ આવ્યા; બોલ્યા : “ભણેં રાવત વાળા, આ તાળો હુદડ !”

કુંભાજીની દેરડી અને સનાળી વચ્ચે રોજ સીમાડાના વાંધા ચાલ્યા કરતા. રાઠોડ ધાધલે દેરડીની જમીન દબાવતાં દબાવતાં ઠેઠ દેરડીની લગોલગ સુધી પોતાની સીમા વધારી હતી. જે કોઈ કણબી ખેડુ સીમાડાનું ખેતર ખેડવા આવે તે માર ખાતો, એટલે દેરડીવાળાએાએ ધોળો મહારાજ નામના એક બ્રાહ્મણ-ખેડુને તકરારી ખેતર ખેડવા આપેલું. ધોળો મહારાજ જ્યારેજ્યારે સાંતી જોડે, ત્યારેત્યારે રાઠોડ ધાધલ ત્યાં પહોંચે અને જોતર છેડી નાખે. બ્રાહ્મણના દીકરાને કાંઈ બરછી મરાય છે ?

ભા'કુંભાના સેનાપતિ પચાણજી ઝાલાનો દેરડીમાં મુકામ થવાનેા હતેા. ધોળા મહારાજે ગણતરી કરી કે, રાઠોડિયો મને રોજ સંતાપે છે, તો કાલે એને પચાણજી ઝાલાની સાથે ભેટાડી દઉ. ધેાળો મહારાજ સનાળી આવ્યા. 

રાઠોડ ધાધલ બેાલ્યા : “એાહો, ભણે ધોળા મા'રાજ ! આવ્ય; આવ્ય; આજ તો ચૂરમો ખાતો જા.”

“એ આપા ! રોજ તો સાંતી છોડાવવા આવે છે, પણ જો કાલ ન આવે તો મારા સમ છે.”

“ઈં? ભણે, ભામણના સમ દીધા ? તવ્ય તો હવે આવ્યા વન્યા રે'વાશે કાંઈ?”

બીજે દિવસે આપા પોતાની બેરી ઘોડી માથે સામાન મંડાવતા હતા તે વખતે ખોડાભાઈ ગઢવી આવ્યા, પૂછ્યું : “આપા, કઈ દૃશ્યે ?”

“ભણેં નીલા, તુંય સાબદો થા, ધોળો મા'રાજ દેરડીને- સીમાડે યાનાં સાંતી છોડાવવા આવવાના સમ દઉ ગેા છે.”

“આપા, આજ ત્યાં જાવા જેવું નથી. ધોળાએ તરકટ કર્યું છે. હમણે જ જીવરાજ લુહાણે મને વાવડ દીધા. ગેાંડળથી પચાણજી ઝાલે અઢીસો ઘોડે આરબની એક બેરખ લઈને દેરડીમાં મુકામ કરેલ છે. ધોળિયો આપણને એની સાથે જ ભેખડાવી મારશે, હો !”

“ખોડાભાઈ !" આપો રાઠોડ મરક્યા ને બોલ્યા: “તું કી અટાણ સુધી ઈં માનતો હુતો, કે રાઠોડ ધાધલ ભામણનાં જ સાંતી છોડાવતો છે ! પચાણજી આવ્યા હોય તો તો લાખ વાતેય ગયા વન્યા છૂટકો નહિ. તારો જીવ વા'લો હોય તો તું આવીશ મા.”

પંદર અસવાર અને સત્તાવીસ કોળીને લઈને આપો ધોળા મહારાજને નોતરે ચાલ્યા, સાંતી છોડાવ્યું. ધોળાનું ઘીંસરું કરીને બળદ હાંક્યા. પછી એને છોડ્યો, અને કહ્યું : “કીં, ભણે ગોર ! હવે સમ પાળ્યા કે'વાય કે ?”

ધોળો બેાલ્યો : “ આપા ! કાઠીના પેટનો હો તો આંહીં જ ઊભો રહેજે. હમણાં પચાણજી કાકાને મોકલું છું."

"ઈં છે? પચાણજી ઝાલો આવ્યો છે? એમાં આજે મને નોતરો દીધો હશે, કીં? જા, ઝટ મોકલજે. અહીંથી ડગલુંય દે ઈ પચાણજીને દીકરો !”

ધોળો મહારાજ ધા નાખતો નાખતે દેરડીમાં ગયો, પચાણજીને કહ્યું : “ઠાકોર, ગેાંડળને જો દેરડીનો એક વીઘેાય ખાવા આપે તો હું બ્રાહ્મણના પેટને મટી જાઉં !”

પચાણજીએ પૂછ્યું : “એલા કોણ ?”

“રાઠોડ ધાધલ. ”

પચાણજીનાં રૂવાડાં બેઠાં થઈ જાય તેવો ત્રાસ ધોળા ભટે વર્ણવી દેખાડ્યો. ઝાલાએ હાકલ કરી : “એલા, ઘોડે પલાણ નાખો. આરબને કહે કે મરફો કરે. આજ રાઠોડ ધાધલને માપી લઈએ, નીકર ગોંડળની બાદશાહી એને સોંપીને આપણે ચૂડિયું પહેરી લઈએ.”

ખોડાભાઈ ગઢવી પચાણજીની પાસે આવ્યા : આવીને કહે : “પચાણજી ઝાલા ! પધારો, રાઠોડ ધાધલ ક્યારના વાટ જોવે છે.”

“વાટ જોવે છે ? મારા આવવાની ખબર છે ?”

“હા; પણ, પચાણજીભાઈ, અમે ચાડ કરીને નથી આવ્યા; ધોળાએ આપણને ભેટાડી મારવાનું તરકટ ઊભું કર્યું છે. ધોળો બ્રહ્મહત્યાના સોગંદ ન દેત તો આપો રાઠોડ આવી હુજ્જત ન કરત.”

પચાણજી ઝાલો ખાનદાન માણસ હતા, “આપો વાટ જોઈને ઊભા છે,” એ વાત એના કાનમાં રણકી રહી. આપા રાઠોડનું પાણી એણે વગર દીઠે માપી લીધું. એ બોલ્યા : “ગઢવા, આપાને અમારા રામરામ કહેજો, અમારે નથી આવવું.”

કાઠિયાવાડનો ગોરો પોલિટિકલ એજન્ટ લાંક (લેન્ગ) સાહેબ એક દિવસ સનાળી અને દેરડીના સીમાડા કાઢવા માટે આવ્યો છે; આવીને સનાળીમાં ઊતર્યો છે. સવારમાં લાંક સાહેબ ઘોડે ચડીને સીમાડા તપાસવા ચાલ્યો; સાથે રાઠોડ ધાધલને લીધો. લાંકે પૂછ્યું : “રાઠોડ ધાધલ, સનાળી કિતના સાંતીકા ગામ ?”

“એકસો સાંતીનો ભણે, લાંક સાઈબ !”

“ઔર દેરડી ?"

“ત્રણસો સાંતીનો.”

“ઓ ! તીનસો સાંતીકા ? તો ફિર એકસો સાંતીકા ગામકા સીમાડા તીનસો સાંતીકા ગામકે નજીકમે કૈસા હો સકતા ?"

“ભણેં લાંક સાઈબ, હાલ્ય મારી હારે. અમાળો સીમાડો દેખાડું દઉ.” એમ કહી, લાંકને લઈને રાઠોડ ધાધલ સાચો સીમાડો બતાવવા ચાલ્યા ! ઉગમણી દિશામાં એક ધાર ઊભી હતી. રાઠોડ ધાધલે કાઠીની કરામત આદરી : સાહેબને કહે : “ ભણે લાંક સાઈબ, ઓલી ધાર ભાળી ? ઈ અમાળા સીમાડામાં છે. પણ ગેાંડળવાળા યાને પેાતાના સીમાડામાં લઉ લ્યે છે. ગોરાના રાજમાં આવો અનિયા !”

લાંક : “ઉસકા નામ ક્યા ?”

રાઠોડ ધાધલ : “ટોપલિયાની ધાર ! ટોપલિયો ભણેં અમાળો કોળી હુતો. યાને અસલ નામ તો હુતો લઘરો; પણ ટોપલા સારતો એટલે ટોપલિયો કે'વાતો. આ ધાર અમે યાને ચરી ખાવા આપેલી.”

લાંક : “અયસા ?”

રાઠોડ ધાધલ : “લાંક સાઈબના ગળાથ. હું કીં ખેાટો ભણું ?"

તદ્દન જોડી કાઢેલું ! ત્યાંથી આગળ ચાલ્યા. એક ટીંબી આવી.

લાંક : “ઇસકા નામ ?”

રાઠોડ ધાધલ : “યાનો નામ સુધા ટીંબી. અમાળે ગામ એક સુધી ડોસી હુતી, યાને અમે આ ટીંબી દીની'તી; યાના નામથી સુધા ટીંબી ભણાતી સે.”

લાંક : “અયસા ?”

રાઠોડ ધાધલ: “લાંક સાઈબના ગળે હાથ. હું કીં ગઢપણમાં ખેાટો ભણું ?”

આ ઇતિહાસ પણ તરત જોડી કાઢેલો હતો. ત્યાંથી આગળ ઘોડાં હાંક્યાં. આઘે એક વડલી આવી. આપાએ ઉપજાવી કાઢ્યું:

“ભણેં લાંક સાઈબ, યાને રણજળ વડલી ભણતાં સે. આગળ અમાળે રણજળ બોરિયો કાઠી હુતો. ગેાંડળનો રાજ મોટો, અને અમાળો રાજ દૂબળો, એટલે અમાળી સીમા દબાવું દ્યે માટે આગે રણજળીને અમે રાખ્યો'તો. યાના નામ ઉપરથી આ રણજળ વડલી ભણાતી સે.”

સાહેબને ગળે ઘૂંટડો ઊતરતો ગયો. આપા તો સાહેબને કોઈ સતજુગિયો વૃદ્ધ પુરુષ લાગ્યો. આગળ ચાલ્યા. એક તળાવડી આવી. તરત રાઠોડ ધાધલે વાર્તા જોડી : “ભણેં લાંક સાઈબ, યાનો નામ ડોળી તળાવડી. ડોળીમાં અમારો સિપાઈ હુતો, ગોંડળની બીકે યાને આસેં રાખતા." 

ઠેઠ દેરડીના પાદર સુધી રાઠોડ ધાધલે આ રીતે પેાતાની સીમાનાં બનાવટી એંધાણો બતાવી દીધાં. આવા આવા પુરાવાઓ સાંભળીને લાંક સાહેબ સજ્જડ થઈ ગયેા. એને વહેમ પડી ગયો કે ખરેખર, આ સનાળીવાળાની તકરાર સાચી છે. રાઠોડ ધાધલ પોતાના મોં ઉપરનો રંગ લગારે બદલાવા નથી દેતો. તોયે લાંક તો ગેારો ખરો ! પાછા વળતાં એણે ઘેાડો તારવ્યો. સનાળી નજીકમાં ખેતરના ખેડૂતો સાંતી હાંકતા હતા ત્યાં આવીને પટેલિયાઓને પૂછ્યું : “યે ખેતરકા ક્યા નામ?”

“એ વાંધાળું વાંધાળું !” પટેલિયાએ બોલી નાખ્યું. રાઠોડ ધાધલે ઘણીય આંખ રાતી કરી, પણ પછી શું થાય ? લાંક સાહેબ હાથ પછાડીને બોલી ઊઠ્યો : “હાં ! ઇધર વાંધા હય, રાઠોડ ધાધલ, તુમ બરા ચાલાક ! બરા ચાલાક !”

રાઠોડ ધાધલની બધીયે કરામત પાણીમાં ગઈ કણબીએાએ બાજી ઊંધી વાળી દીધી !

બીજે દિવસે પ્રભાત થતાં જ લાંક ઘોડે ચડીને આવ્યો; જરીફોને કહ્યું : “જહાં હમારા ઘેાડા ચલે વહાં સીમાડા ડાલો. હમેરી પીછે ચલા આઓ. ખૂંટ લગાઓ !”

બરાબર વાંધાળા ખેતરની વચ્ચે થઈને સાહેબે ધોડો, હાંક્યો. સનાળીની અણહકની તમામ જમીન કપાવા લાગી. ઘેાડો ચાલ્યો ત્યાં ગામમાં રાઠોડ ધાધલને ખબર પડી. “નખ્ખોદ વળ્યું. જમીન ગઈ!”

પલક વારમાં તો રાઠોડ ધાધલે બરછી ઉપાડીને ઘોડી પલાણી. ઊભે ખેતરે ઘોડી દોડાવી. હાથમાં ઉઘાડી બરછી, દોડતી ઘોડી, અને આપો બૂમ પાડતો આવે : “એં ભણેં લાંક સાઈબ, રે'વા દે ! ગરીબહી કાળો ગજબ કરવો રે'વા દે ! એ... એ અમારો ગામ લુંટી ખાવો રે'વા દે !”

દોડીને પહેાંચ્યો લાંક પાસે આડા ફરીને બરછી ઘોંકાવી. બરછી ઘેાંકાવતો ઘેાંકાવતો કહેતો જાય : “એ બાપ લાંક સાઈબ ! રાંકને કાં રોળું નાખ્ય ? આવો કોપ રે'વા દે. ગરીબહી આધા ગઝબ રે'વા દે, રે'વા દે !” કહેતાં કહેતાં બરછી ઘેાંકાવી. લાંકનો ઘોડો સીધો જાતો હતો તે તરત દેરડી તરફ ધસ્યો. ઊભો સીમાડો જતો હતો તે આડો લીધો. અને બીજી બાજુ રાઠોડ ધાધલ બરછી ઘેાંકાવતા આવે : “બાપ, રે'વા દે, કાકા, રે'વા દે.” કહેતા આવે, તેમ તેમ લાંક ડરીને દેરડી તરફ વધુ ને વધુ ખસતો જાય.

બરછીની અણી શરીર પાસે આવતાં તો લાંકને બાયડીછોકરાં સાંભરતાં હતાં. એને ખબર હતી કે કાઠીને બરછી હુલાવી દેતાં કાંઈ વાર નહિ લાગે, પછી સીમાડો સીમાડાને ઠેકાણે રહેશે અને વિલાયતનાં ઝાડવાં છેટાં થઈ પડશે.

પરિણામ એ આવ્યું કે વાવડી ગામથી ઉત્તર-દક્ષિણ સીધો સીમાડો નીકળ્યો જતો હતો, તેમાં બરાબર ખીજડી વળાટતાં જ રાઠોડ ધાધલની બરછી આંબવાથી સીમાડો ઉગમણે (દેરડી તરફ ) તર્યો, બહુ ફેરમાં સીમાડો નખાયો. ઠેઠ રાણસીંકી સુધી ખૂંટ પહોંચી ગયા. સુધાટીંબી સનાળીમાં ભળી ગઈ, અત્યારે પણ ત્યાં જઈને એ ઓચિંતો ફેરફાર નજરો નજર જોઈ શકાય છે. બાંઠિયા કાઠીની આવી કરામતની સાક્ષી પૂરનારી જમીન અત્યારે ત્યાં જોવા જનારને જવાબ વાળે છે.

આવાં આવાં તો અનેક રમૂજી પરાક્રમો કરતાં કરતાં આપાના વાળ ધોળા થયા. દાઢી-મૂછ, માથું અને નેણ, એ બધાંની રૂની પૂણીઓ જેવા શ્વેત ભરાવની અંદરથી આપાની આંખો તગતગતી હતી. એના ત્રણ દીકરા જુવાનજોધ થયા.

વૃદ્ધ કાઠીના કપાળમાં કાળે જાણે ત્રિપુંડ તાણ્યું હોય એવી કરચલીઓ પડી. આખો દિવસ વેપાર કરીને રાત્રિએ વાણિયો જેમ મેળ મેળવવા બેસે, તેમ આપા પણ જાણે જીવતરના સંધ્યાકાળે, ભક્તિનો દીવડો પેટાવીને, પોતાની કમાણી ગણતા હતા. પણ એ ગણવાની રીત કાંઈક જુદી જ હતી. રોજ સાંજરે હાથમાં માળા લઈને માથું ધુણાવતા ધુણાવતા એકલા એકલા એ કેવા જાપ જપતા હતા ?–

'હે સૂરજ, મને રાણિંગવાળા મોર્ય મોત દેજે ! રાતવેળા મોત દેજે. મને લોઢે મોત દેજે ”– એ એના જાપ હતા. વળી વચ્ચે વચ્ચે ઊંડા નિસાસા મૂકીને એ બબડવા માંડતો કે “હે સૂરજ! મેં ભૂંડો કામો કર્યો, બહુ ભૂંડો કામો કર્યો, પાપનો કામો કર્યો ! હે બાપ, મને સજા કરજે !'

સાંજનાં અજવાળાં - અંધારાંમાં બેય આંખે આંસુની ગંગા-જમના મંડાઈ ગઈ હોય, આવા જાપ જપતા હોય, બીજું કોઈયે ન હોય, દીવો હજી કોઈએ પેટાવ્યો ન હોય; તે વખતે ઠબ ઠબ લાકડી કરતું કોણ આવતું ? આપાનો જીવનભરનો ભાઈબંધ, આપાને દિલાસો દેનાર, ઠપકો દેનાર, લાડ લડાવનાર ખોડાભાઈ ગઢવી. આવીને ખોડાભાઈ કહેતા : “ રાઠોડ ધાધલ, શું આવું ગાંડું ગાંડું બક્યા કરો છો ?”

આંખો લૂછતા લૂછતા આપા વાત આદરતા : “ખોડાભાઈ! મેં એક બહુ ભૂંડો મહાપાપનો કામો કરી નાખ્યો છે. આજ સુધી ઘણાં ધીંગાણાં કર્યા, ઘણીય લૂંટ્યું કરી, ઘણાને ઠોંઠ-ઠાપલી પણ કરી દીધી હશે. એ તો હોય. કાઠીનો દીકરો છું. વેળા એવી છે. પણ એક કાળો કામો આ હાથે થઈ ગયો છે એ નથી ભુલાતો – કેમેય નથી ભુલાતો.”

એટલું કહેતાં વળી પાછી નેત્રોમાં ધારા ચાલે, આંખો લૂછીને વાત આગળ ચલાવે !

“ખોડાભાઈ ! તે દી જોગીદાસ ખુમાણ બા'રવટે, હુંયે એની સાથે ચડતો. એક દિવસ વીજપડીની સીમમાં અમે ચાલ્યા આવીએ. ખેતરમાં એક કણબી સાંઠિયું સૂડે. વેંતએકને માથે કપાળ: મૂછનો દોરો ફૂટતો આવે : ગલગોટાના ફૂલ જેવું એનું મોઢું: નાડીએ રૂડાં ફૂમકાં લટકે : એના કાનમાં ફક્ત એક જ જોડ્ય સોનાનાં ફૂલ અને એક જ જોડ્ય કોકરવાં હતાં. પણ અમારો જીવ બગડ્યો. અમે એની પાસે ગયા. “ કાનમાંથી ચાપવાં કાઢી દે, ઝટ કાઢી દે' –એમ કહીને મેં એને માથે બરછી તોળી.

“એ બાપુ ! મને મારશો મા, કાઢી દઉ છું !” એમ કહીને કણબી ફૂલ અને ચાપવાં કાઢવા માંડ્યો. જોગીદાસ ખુમાણે પછેડીનો ખેાળો પાથર્યો. મારી ઉગામેલી બરછી મારાં આંગળાંમાં ચકરચકર ફરતી જાય; થરથરતો કણબી બરછી સામે જોતો જાય અને ઘરેણાં કાઢી કાઢી ટપ ટપ જેગીદાસ ખુમાણના ખોળામાં નાખતો જાય.”

આપાએ નિસાસો મૂક્યો – જાણે આખી ધરતીનો ભાર માથેથી નીચે મેલ્યો. પછી વાત ચલાવી :

“ખોડાભાઈ! ત્યાં તો અર્ધોક ખેતરવા ઉપરથી ચીસ સાંભળી કે, “ એ બાપ ! મારશો મા, મારા વરને મારશો મા.' જોયું તેા માર્ગે જુવાન કણબણ દોડી આવે છે. એના ચણિયાનાં આભલાં સૂરજની સામે વળકારા કરતાં આવે છે. એના કાનમાં આકોટા, નાકમાં નથડી, ગળામાં કોટિયું અને પગમાં કાંબીઓ રણકતાં આવે છે. માથે મેાતીની ઈંઢોણી ઉપર ભાત લઈને ધા નાખતી કણબણ દોડી આવે છે. કુંજડી જેવી કળેળાટ કરતી એ આવી. એની છાતીમાં શ્વાસની ધમણ હાલી રહી છે. એનાથી બોલાતું નથી, તોય બેાલે છે કે 'એ બાપુ ! મારશો મા ! ચાર જ દી થયાં આણું વળીને આવી છું – લ્યો, આ મારાં પણ ઘરેણાં–” બોલતી બોલતી બેટડી હાંફી રહી.

“જોગીદાસ ખુમાણ ખોઈ સોતા બાઈ તરફ વળ્યા, ને કહ્યું : “કાઢ્ય, સટ સટ કાઢ્ય !”

“લ્યો, બાપુ, કાઢી દઉં, એકેએક કાઢી દઉં.”

“ઘરેણાં ટપોટપ જોગીદાસ ખુમાણની ખોઈમાં પડવા મડ્યાં. પોતાના ધણી સામું જોતી, મારી બરછી સામું જોતી, ઘરેણાં કાઢતી કાઢતી કણબણ મને કહેતી જાય કે, “બાપુ, હજી કહો તો બીજા મારે ઘેરથી લાવી આપું. મારાં માવતરને ઘરે સારું છે. મને પટારો ભરીને કરિયાવર કર્યો છે. તમે કહો તો ઈ બધુંય લાવી આપું ! અમારી જોડલી ખંડશેા મા. બાપુ, ચાર દી થયાં–”

“ખેાડાભાઈ ! મારા હાથમાંથી બરછી છૂટી ગઈ કેમ કરતાં છૂટી ગઈ ? – ઈશ્વરને ખબર ! બરછી છૂટી ગઈ. કણબીની છાતી સોંસરી ગઈ. કણબી પડ્યો. કણબણે ચીસ પાડી. પડખે કોદાળી પડી હતી તે એણે બે હાથે ઉપાડી – ધડૂસ ! ધડૂસ ! પોતાના કપાળમાં એ કોદાળીના ઘા કરવા લાગી, એના મોઢા ઉપર લોહીના રેગાડા ચાલ્યા. માથાની લટો લેાહીથી ભીંજાણી. આંખો લેાહીમાં ડૂબી ગઈ. ધડૂસ ! ધડૂસ ! ધડૂસ !

“ખોડાભાઈ ! હું જોઈ રહ્યો. મારું માથું ભમવા માંડ્યું. મારા હાથ મે આંખો ઉપર દાબી દીધા. જોગીદાસ ખુમાણ મારી તરફ ફર્યા ને બોલ્યા : “રાઠોડ ! કમતિયા ! કાળમુખા ! કાળો કામો.”

“હું બોલ્યો : “ભાઈ, બહુ કાળો કામો ! હાય હાય ! ભારે કાળો કામો !”

"ઘરેણાંની ખેાઈ ભરી હતી તેને જોગીદાસે ધરતી ઉપર ઠલવી નાખી. અમે બેય ભાગ્યા. પાછળ ધડૂસ ! ધડૂસ ! ધડૂસ ! અવાજ થાતા આવતા હતા. ઘોડીના ડાબલામાંથી જાણે ધડૂસ ! ધડૂસ ! ધડૂસ ! અવાજ ઊઠતા હતા. આજ ઘોડી ઉપર ચડું છું અને જ્યાં ડાબા બોલે છે. ત્યાં એ કોદાળીના ધડૂસકારા કાને પડે છે : ધડૂસ ! ધડૂસ ! ધડૂસ !

“ખોડાભાઈ ! મેં બહુ ભૂંડો કામો કર્યો.”

*

ઘણી વાર ખોડાભાઈ રાઠોડ ધાધલની પડખે સૂતા. રાઠોડ ધાધલ મોં ઉપર કદી નહોતા એાઢતા. કોઈ કોઈ વાર મોં ઉપર ફાળિયું પડી જાય કે તરત આપા 'એાય' કહેતા ચમકી ઊઠે.

તે વખતે ખોડાભાઈ કહેતા : “ અરે ! અરે ! રાઠોડ ધાધલ જેવો આદમી આમ ચમકે ? શરમ નથી આવતી ?”

“ખોડાભાઈ ! મેાઢું ઢાંકું છું ત્યાં મને સાંભરી આવે છે – વીજપડીની સીમ, ઓલી કણબણ, એની લોહી તરબોળ લટો, ઓલ્યા ધડૂસકારા. અરરર ! હાય હાય ! ખોડાભાઈ ! તમને ખબર છે, મેં કેવો કામો કર્યો છે ! મારું કમોત થાશે. મારું અંતરિયાળ મોત થાશે. ટીપું પાણી વિના મારું મોત થાશે. મરતી વેળા આ ત્રણમાંથી એકેય દીકરો મારું પિંડ દેવાય નહિ હોય. મારો નિર્વંશ જશે. નોંધી રાખજો !”

સંવત ૧૯૧પનું વરસ હતું. આપા રાઠોડની અવસ્થા બરાબર એંશી વરસની હતી. ત્રણે દીકરા પરગામ ગયા હતા. સનાળીમાં રાઠોડ ધાધલ એકલા હતા. કાળો ઉનાળો સળગી રહ્યો હતો. ઝાંઝવાનાં માયાવી નીર ઠગારી આશા જેવાં ગામની ચારે દિશામાં ભરપૂર ચાલ્યાં જતાં હતાં. રાઠોડ ધાધલે પ્રાગજી મહારાજ નામના બ્રાહ્મણના હાથે પોતાના નવાં મકાનનો પાયો નખાવ્યો. બીજે દિવસે જીવણ મહારાજ નામના એક બીજા એાળખીતા ગોર આવી ચડ્યા. બ્રાહ્મણની વૃત્તિમાં કેટલો બધો લોભ છે ! જીવણ મહારાજે આપાને સમજાવીને પાયો ફેરવ્યો. અમંગળ ગણાયું.

બીજે દિવસે સવારે ભાતલું ખાઈને એંશી વરસના આપો સીમમાં આંટો દેવા ચાલ્યા તે વખતે ખોડાભાઈ ચારણનો દસ વરસને દીકરો મુંજભાઈ આપાની આંગળીએ વળગીને ભેળો ગયેા હતો. દોઢ પહોર દિવસ ચડ્યો હશે ત્યારે આપો ગામમાં આવ્યા; આવીને ગામમાં મોતીચંદ તુળસી નામના શેઠની દુકાને પોરો ખાવા બેઠા. ઉનાળાનો તડકો, પૂરી અવસ્થા અને વળી ખાઈને નીકળેલા એટલે તરસ બહુ લાગી હતી. મોતીચંદ શેઠને પાણી લાવવા કહ્યું. ગામડાગામમાં વાણિયાનાં ઘર અને દુકાન આઘેરાં નથી હોતાં, સાથે જ હોય છે. મોતીચંદ શેઠે પોતાની દસ વરસની દીકરી મૂળીને કળશિયો માંજીને ટાઢું પાણી લાવવા કહ્યું. મૂળીએ કળશિયાને મોઢું દેખાય તેવો ઊજળો ઊટકીને પાણી ભર્યું. જ્યાં પાણી દેવા પગ ઉપાડે ત્યાં ગામને પાદર રીડ થઈ: “દોડજો, દોડજો, બે રજપૂતો ઝડ કરીને જાય ! ઝડ કરીને જાય !” 

"મારો ગામને પાદર ઝડ! અરે, ઝડ નહિ, મારો કાળ !” એટલું બોલતાં રાઠોડ ધાધલ ઊભા થઈ ગયા.

મોતીચંદ કહે : “ બાપુ ! આ પાણી !”

”હવે પાણી પીશું આવતે અવતાર !” – એ વેણ સંભળાણું-ન-સંભળાણું ત્યાં રાઠોડ ધાધલ દોડીને ડેલીએ પહેાંચ્યા. હાકલ કરી : “આમદ ગેારી, બેરી માથે ઝટ પલાણ માંડ્ય.”

બેરી રાઠોડ ધાધલની ઘેાડી : પોણા ત્રણ વરસની કાયા : ફક્ત દૂધભેર રાખેલી : ઈંડાં જેવી : સાડાચૌદના માપવાળી : ગૂંથેલી કેશવાળી : નાની નાની કાનસૂરી : અને સેાટી જેવા ગૂડા : બેરીને માથે કાઠું નાખીને છોકરો ઓરડામાંથી બહાર કાઢવા જાય છે પણ બેરી પાછી હટે છે. છોકરો કહે : “બાપુ ! બેરી હટે છે.”

બેરી હટે છે ! જે વખતે ઘડીએ ઘડી, પળે પળ અને છાતીના ધબકારા પણ ગણાતા હોય, શત્રુઓને અને રાઠોડને છેટું પડતું હોય, તે વખતે બેરી હટે છે ! રાઠોડ ધાધલની આંખમાં સડ સડ સડ અંગારા મુકાણા. આમદ ગોરી ઊભો ઊભો જુએ છે કે બેરી શા માટે હટે છે : એના કાઠાની મૂંડકી ખડકીના ઠેલની સાથે ભટકાતી હતી. પણ એ વખતે રૌદ્રરૂપધારી રાઠોડને કોણ કહે ?

બુઢ્ઢાએ પોતાના હાથમાં પરાણો લીધો, અંદર જઈને બેરીના તરિંગ ઉપર બે પરોણા ઝીક્યા. બેરીને માથે એ પરોણા ન પડ્યા, પણ આભ તૂટી પડ્યો ! એ છાતી તો એક રાઠોડ ધાધલની જ હાલે ! ઠેકીને બેરી બહાર નીકળી. કાઠાની મૂડકી “ફડાક” કરતી નેાખી જઈ પડી. બેરી જાગી ગઈ. એનું આખું શરીર ધ્રુજી ઊઠ્યું. એ આકાશમાં ઠેકવા લાગી. એનાં નાખોરાં શરણાઈનાં છોડાંની જેમ ફૂલી ગયાં. 

એંશી વરસની અવસ્થાએ એક છલાંગ મારીને રાઠોડ બેરીને માથે ગયો. ચીસ પાડી : “બરછી લાવો, મારી બરછી ! ”

માણસો બરછી લેવા દોડ્યા. પણ બરછી સજાવા ગયેલી. આમદ ગોરી કહે : “બાપુ, બરછી સજાવા –”

“અરે ! આથેય કેાઈ ની બરછી છે કે નહિ ? લાવો, લાવો, મારો કાળ આવી પૂગો.”

કોઈકની બૂઠી બરછી રાઠોડ ધાધલના હાથમાં આપી. બેરી ઊપડી. ચેારે આવ્યા. પણ ત્યાં તો ચોરા ઉપર જ ઘેઘૂર ઘટાવાળો ખોડિયારનો વડલો છે, તેની ડાળમાં આપાનું માથાબંધણું અટવાણું, વડલો જાણે કે પોતાના સાથીને આજે મરવા જવાની ના પાડી. પણ આપો ન રોકાણા. 'હે તોહેં ઘેાડા લઉ જાય !' કહી એક હાથમાં સરક, લગામ અને બરછી, ત્રણેને કોળી પકડી, બીજે હાથે ફેંટો ઝાલીને માથા ઉપર આંટો લેવા મંડ્યા. પવનમાં આખેા ફેંટો ફરફરે, હાથમાં બરછીનું ફેણું ઝગમગે, અને એ દેખીદેખીને બેરી ચમકે. આપો તો માથે આંટો લેતા આવે છે : “હે ઘોડી ! હે ઘોડી !” કહેતા આવે છે. ઝમ ! ઝમ ! ઝમ ! કરતી બેરી ઊડ્યે જાય છે : પાદરમાં માણસોની કતાર ઊભી છે. માણસેાને આપાએ પૂછ્યું :

“કીસે ગા' ચેાર ?"

“બાપુ, પીપળિયાના માર્ગે.” લોકોની ઠઠમાંથી અવાજ આવ્યો.

“અને આપડા અસવાર ?”

“એની વાંસે.”

“હું જાણતો સાં, ઈ ગોલાઓ ભેળાં નહિ કરે. ભણેં, 

કાંણાની ઝડ્ય કરુને ગા' ?”

“આપા, જીવણ મા'રાજની વહુનાં કડલાંની ઝડ કરી. આ ઠેકાણે જ બાઈને પછાડી અને કડલાં કાઢ્યાં.” – એમ કહી લોકોએ કૂવાકાંઠો દેખાડ્યો.

વેણે વેણે આપાના હૈયામાં કટારો ભોંકાણી. હવે એનાથી ઊભું રહેવાતું નથી. પોતે ઘોડીને હાંકે છે ત્યાં તો આપાના ખવાસે આવીને પાગડું પકડ્યું.

અાપા કહે : “કીં ?”

"આપા, મને પાગડું ઝાલીને દોડ્યો આવવા દ્યો. હુંય તમારી સાથે મરીશ.”

“અરે, મૂક્ય મૂક્ય, કઢીચટ્ટા ! બેરીની સાથે તું કીં ધોડવાનો હુતો ?”

તેાયે ખવાસે પાગડું ન છોડ્યું. આપાએ એના હાથ ઉપર ભાલાની બૂડી મારી, પાગડું છોડાવ્યું. બેરીને દબાવી.

પાદરમાંથી લોકોની કતારે જોયું કે ઘોડી વેગે ચડી. આપાએ ગણતરી કરી લીધી કે લૂંટારા પીપળિયે જવાનો દેખાવ કરીને પાછા સામી જ દિશાએ ફાંફળમાં ઊતરશે. એણે પીપળિયાનો મારગ મૂક્યો, બીજા પીપળિયાનો મારગ વટાવ્યો; તરઘરીનો મારગ મેલ્યો. એ જાય ! એ દેખાય ! એ ફેંટો ઊડે ! એ ખેપટ ચડી ! – એક વખત સહુએ ઘોડી જોઈ, એક વાર એના ડાબલાના પડછંદા પડ્યા; પછી અલોપ! સૂનકાર !

ઘોડી વીંજવડની સીમમાં દેખાણી. વીંજવડનું ખેતર, સખપરનું ખેતર, પીપળિયાનું ખેતર : એમ શું શું આવ્યું ને ગયું તે કાંઈ નથી દેખાતું. પૂરી અવસ્થા : ઘોડીનો વાજ! ધોમ તડકો: પાણીની આતસ: અને આબરૂનું ઝનૂન – એમાં ઘોડેસવાર શી રીતે ભાળે ! કાંઈ ન સૂઝે. જાણે ઘોડી 

બ્રહ્માંડને છેડે કોઈ અતલ, ખાલી દરિયામાં ઊતરી રહી છે. એવામાં અવાજ આવ્યો:

“આપા, રામરામ !”

સખપરના ખેતરમાં ખંપાળી લઈને એક કણબી ઊભેા હતેા. કણબીએ રાઠોડ ધાધલને એાળખ્યા ને બોલાવ્યા : “આપા, રામરામ ! ”

અંધ બની રહેલા આપાએ અવાજ એાળખ્યો. “કોણ, નારદ ભૂવો ?” કહીને ઘેાડી થંભાવી.

“હા, આપા ! ”

“ ભણેં નારદ, થોડોક પાણી હશે ?”

“અરે રામ ! આપા, હમણાં જ આ ભંભલી ઢોળી નાખી. અટાણ લગી પાણી હતું. ભારે ટાઢું પાણી હતું, સાંતી લઈને ઘેર જાઉ છું એટલે ઢોળી નાખ્યું.”

“કાણું નૈ, નારદ, હું જાણતો સાં, મૂવા ટાણે ટીપોય પાણી મેાહે નૈ મળે. નારદ, બે ઘોડેસવાર નીકળ્યા'તા ?”

“હા, આપા ! ચારવડલી દીમના ગ્યા ને કહેતા ગ્યા, કે ક્યાડી ઘોડીના અસવારને કઈયે : પાછા ફરી જાય !”

“ઈ કહ્યું ? તમારી જાત્યના ચોર !” એટલું બોલીને આપાએ બેરીને માથે બેવડી સરકનો ઘા કર્યો. નારદ ભૂવો સાક્ષી આપી ગયો છે કે, ત્યાંથી બેરીના સગડ બરાબર પંદર પંદર હાથને માથે પડતા મેં નજરોનજર માપી જોયા હતા. ખંભે ખંપાળી નાખીને નારદ ભૂવો પણ ચોરવડલી તરફ દોટ મેલતો ચાલ્યો.

બેરી આગળ ભાગીને બીજાં ઘોડાં કેટલેક જાય ? બેય લૂંટારાએ બેરીના ડાબલા સાંભળ્યા; ભયંકર અસવાર દીઠો. ચોરવડલીની પડખેના ખેતરમાં એક ઓઘા પાસે બેઉ જણ તરી ગયા ત્યાં બેરી આંબી, પણ વેગમાં ને વેગમાં બેરી બેય અસવારોની વચ્ચે થઈને જરાક આગળ નીકળી ગઈ.

'હે તોહેં ઘોડા લઉ જાય, હે ઘોડાં લઉ જાય !' કરતાં કરતાં આપાએ બેરીની વાગ (લગામ) ખેંચી. બેરીને પાછી વાળવા લગામ ડોંચી. ત્યાં તો તડ! તડ ! લગામના બેય વાઘિયા તૂટી પડ્યા. રાઠોડ ધાધલનો છેલ્લો આધાર ગયો. 'રાખુ દીના, બાપ બેરી ! રણમાં રાખુ દીના ! બેટા, રાત રાખુ દીના ! દીના !' કરતાં કરતાં એણે ઝપાટાભેર ઘેાડીનો મોરડો ઝાલી લીધો, પેંગડા ઉપર ટટ્ટાર ઊભો થઈ ગયો, બરછીને આંગળાં પર ચક્કર ચડાવી. બૂડી અને ફણું જાણે ચક્કર ખાતાં ખાતાં એક થઈ ગયાં – જાણે આંગળી પર સુદર્શન ચક્ર ફરી રહ્યું છે. પેગડામાં ઉભા થઈને એણે બરછીનો ઘા કર્યો. બરાબર દુશ્મનની છાતીમાં નેાંધીને આપાએ બરછી નાખી, પણ એની વૃદ્ધ, થાકેલી, તરસથી અંધારે ઘેરાયેલી આંખો નિશાન ભૂલી. ગણતરીમાં થોડે જ ફેર પડ્યો; વીરાજી નામનો શત્રુ ખસી ગયો તેથી રાઠોડની બરછી એની છાતી ચૂકી ગઈ પણ જમણા હાથની ભુજાને વીંધી ધ્રોપટ સેાંસરવી નીકળી ગઈ.

વીરાજીએ પોતાના ભેરુને બૂમ પાડી : “હવે શું જોઈ રહ્યો છે ? આપણા તો રામરામ !”

બીજા શત્રુએ બેરીની આંખમાં નોંધીને પડધિયાવાળું મોરબીનું ભાલું ઝીક્યું ભાલું ખૂંતી ગયું. લાકડી તૂટી ગઈ. ભાલું બેરીની આંખમાં જ રહ્યું. બેરી ચક્કર ખાઈને નીચે પડી. ડોસો કોઈ વીસ વરસના જુવાનની જેમ કુદીને આઘો ઊભો થઈ ગયો. ફરીને ' રાખુ દીના, બાપ બેરી ! રાખ દીના !' કરતા ડોસો ઘોડીનો મોરો પકડી ચૂક્યો. 

બેરી ઊઠી. વેદના ભૂલીને ઊઠી; પણ એનાથી ઊભા રહેવાતું નથી. એ ચક્કર ચક્કર ફરવા માંડે છે. રાઠોડ ધાધલ પેગડામાં પગ નાખી ચડવા જાય ત્યાં બેરી ફરી જાય છે. એક પગ પેંગડામાં રહે છે અને બીજે પગ ધરતી ઉપર ઠગ ઠગ થાય છે. લગામ તો હતી નહિ. એટલે કાઠાની પાટલી ઝાલીને આપો ચઢવા જાય છે, પણ ઘોડી ઊછળે છે.

અંતે ઘોડી ફરી ગઈ. આપાની પીઠ પણ દુશ્મનો તરફ થઈ ગઈ અને જખમી વીરાજીએ ભેરુને ચેતવ્યો : “જોજે હો, ડોસો ઘોડીએ ચડ્યો તો તારું ને મારું મોત જાણજે. પહોંચ, ઝટ ઘોડીને ગૂડી નાખ. પણ જોજે હો, ડોસાને ન મારતો. એ ત્રણ પરજનો સગો છે; એને માર્યે આપણે ક્યાંય રોટલા નહિ પામીએ.”

રાઠોડ ધાધલને ઘોડી ચડવા દેતી નથી; એનો બરડો શત્રુઓ તરફ થઈ ગયો છે. એને ભાન નથી રહ્યું કે પાછળ શી રમત રમાય છે. એ મહેનત કરતો રહ્યો, ત્યાં નાગી તલવાર લઈને બીજો દુશમન પહેાંચી ગયો. મનમાં થયું કે જો ઘોડીને મારીશ તો આપો મારા પ્રાણ લેશે, એટલે એણે તો રાઠોડ ધાધલના પડખામાં જ પોતાની તલવાર હુલાવી, તલવાર એક પડખેથી બીજે પડખે આરપાર નીકળી ગઈ. ' ભાગો ! ભાગો !' કરતા બેય દુશ્મનો ભાગ્યા. તલવાર રાઠોડ ધાધલના શરીરમાં જ રહી.

દુશ્મનો ભાગ્યા. પાછળ પોતાની તલવાર ખેંચીને રાઠોડ ધાધલ દોડવા ગયો; મ્યાનમાંથી તલવાર અર્ધી જ ખેંચાણી, ત્યાં તો એ ભોંય પર પડ્યો. ગોઠણભર થઈને દોડવા ગયો, પણ ન દોડાયું. ત્યાં ને ત્યાં ઘૂમરી ખાવા લાગ્યો. પણ કૌવત ખૂટી ગયું. ગોઠણભર સ્થિર થયો. અર્ધી

ખેંચેલી તલવાર પાછી મ્યાન કરી આંખો ખોલી.

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નીચે, ઉપર – બધેય નજર કરી. ધીરે ! ધીરે ! ધીરે ! પછી ડાબે પડખે ડાબો હાથ વાળીને પડખામાં ખૂતેલી તલવાર બહાર ખેંચી કાઢી. બેય પડખે પાડાની પખાલની પેઠે લેાહીના ધોધ છૂટ્યા. જમણે હાથે અંજલિ વાળીને આપાએ જમણા પડખાનું લોહી ઝીલ્યું. અંજલિ ભરીને જમીન પર રેડી, ધૂળને લોહીમાં ભીંજાવી. ગારો કરી એના ત્રણ પિંડ વાળ્યા પછી પોતે બેઠા, સૂતા, માથેથી તરફાળ (પાઘડી) ઉતારીને સોડ તાણી. એક છેડો પગ નીચે દબાવ્યો ને બીજો છેડો માથા નીચે દબાવ્યો. સૂતાં સૂતાં કમરમાંથી અર્ધી તલવાર ખેંચીને બરાબર છાતી પર ઠેરવી. હાથ તલવારની મૂઠ પર જ રહ્યો. ન પડખું ફર્યા, ન સિસકારો કર્યો, કે ન અંગનો એકેય ભાગ હલ્યોચલ્યો. આપા મોતની મીઠી નીંદરમાં પડ્યા. કેવી નીંદર ! મીઠી ! મીઠી ! મીઠી !

રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ !

નારદ ભૂવાએ આ બધી ચેષ્ટા દૂર ઊભા ઊભા નજરે જોઈ.

બેરી કયાં ? ઘવાયેલી બેરી દુશમનેાની પાછળ થઈ. આખરે દુશમનેાએ એના કપાળમાં એક ઝાટકો મૂકયો. ગાંડીતુર બનીને એ પાછી આવી. ચારે પગ પહોળા કરીને એના ધણીના શબ ઉપર ઊભી રહી. ઘોડીના લોહીની ધાર આપાના શબ ઉપર ત્રહકી રહી હતી. ભાગ્યવંતને માથે જ મરતી વખતે ઘોડાનું લોહી પડે એવી માન્યતા છે.

નારદ ભૂવો આઘે ઊભો ઊભો આ બધું જોતો હતો. 

ત્યાં તો સનાળી, પીપળી, સખપર અને વીજવડના લોકોની મેદની ઊમટી. પણ ઘોડી કોઈને પાસે આવવા દેતી નથી. દોડી દોડીને લોકોને ભગાડે અને પાછી આવીને શબને ઢાંકી ઊભી રહે છે. ઘોડીની આંખમાંથી અંગારા વરસે છે.

ખાસદાર આમદ ગોરી આવ્યો. એણે સાદ કર્યો : “બાપ્પો બેરી ! બેટ્ટા બેરી !”

હણહણાટ દેતી બેરી ખસી ગઈ, ગરીબડી બની ગઈ, આમદ ગોરીની પાસે આવીને ઊભી રહી. ઘોડીને સનાળી લઈ જઈ પડદે નાખી.

રાઠોડ ધાધલના દેહને અગ્નિસંસ્કાર ક્યાં કરવો ? એની રાખ તો બધાને વહાલી હતી. પણ સખપરની સીમમાં જ એનો દેહ પડ્યો, અને વળી સખપર એના સગા ભાણેજ રાવત વાળાનું ગામ, એટલે લોકોએ સખપરમાં જ આપાને દેન દીધું.

ત્રીજે દિવસે બેરી જ્યાં પડદે પડી હતી ત્યાંથી એણે તોડાવ્યું. પાટીએ ચડી ગઈ. એને કેાઈ ન ઝાલી શક્યું. બરાબર જ્યાં રાઠોડ ધાધલનો દેહ પડ્યો હતો ત્યાં આવીને ઘોડીએ પોતાને દેહ પટક્યો. પટકતાં જ એના પ્રાણ નીકળી ગયા.

આજ એ ઠેકાણે ઘોડી અને ઘોડેસવાર – બંનેની ખાંભીઓ ઊભી છે.

રાઠોડ ધાધલને પાણી પાવા આવનાર મૂળીબાઈ બે વરસ પહેલાં જ ગુજરી ગયાં. છેલ્લે દિવસે એની આંગળીએ વળગી સીમમાં સાથે જનાર મુંજભાઈ ગઢવી હજી હયાત છે. જે વડલામાં એનો ફેંટો ભરાણો તે વડલો મોજૂદ છે, પણ એની ઘેરી ઘટા નથી રહી. આજ જાણે પેાતાના વૃદ્ધ સાથીના શેાકમાં વડલાએ શેાભા તજી છે. રાઠોડ ધાધલના દીકરા ઉનડ ધાધલે વીજપડીની સીમમાં સાવજ માર્યાની વાત સહુ જાણે છે. પણ ત્રણેમાંથી એકેયનો વંશ નથી રહ્યો. પોતાનાં પાપની સજા પ્રભુ પાસેથી પોતે જ પ્રભાતે પ્રભાતે માગી હતી તે મળી ગઈ.

રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ !


Rate this content
Log in

Similar gujarati story from Classics