Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

અાંચળ તાણનારા !

અાંચળ તાણનારા !

7 mins
464


"હાંકો, હાંકો માલને. ચોંપ રાખો જુવાનો ! વાંસે. વાર વહી આવે છે."

એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીઓની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્રાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘોળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાંનાં જળ જામતાં આવે છે. ભેંસો સીધે માર્ગે ચાલતી નથી. પાછી વળવા મથે છે. ઘેરથી પાડરુના સાદ પડતો હોય એવી જાણે બૂમો આવે છે.

મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે :

“બાપ ભગર ! મોળી જીવ સાટાની, ભગર !”

એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસાના કાન મંડાય છે, ચારેનાં પૂછ ઊંચાં થાય છે, ચારેના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે, ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાછટમાંથી પણ મેાં ઊંચાં કરીને નગરા ગામને માર્ગે મીટ માંડે છે.

“આ વાંસે ચસકા કોના પડે છે ?” જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા.

“અા વાર નથી, સીમાડે કોઈક બાઈ માણસ ધા દેતું દોડ્યું આવે છે. એકલવાયું લાગે છે.”

લૂંટારાએ તળાવડીની પાળ વળોટે તે પહેલાં તો, “ઊભા રો' બાપ ! મારા વીરાઓ, જરીક ઊભા રો !”

એવો અવાજ દેતી ઓરત અાંબી ગઈ, એના હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતુચોળ લોહી એના માં ઉપર છેાળો મારી રહ્યું છે. વાળ વીખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખભે ઊતરી ગયેા છે. આખો દેહ પરસેવે નાહી રહેલ છે.

ચાર ભેંસો એને દેખીને આકુળવ્યાકુળ થઈ ગઈ. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી.

“બાપ ! મારા પિયર ! તમારું તો જાદવ કુળ : તમે જાડેજા માયલા પણ સાહેબ સાખના બેટડાએ : તમારે ને ધ્રાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ ચારણ્યની ભીંસું કાં હાંકી જાવ ? હું તો તમારી બીન વદું. અને મારો ચારણ પરદેશ વર્તવા ગયેા છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાશ વન્યા વાળું શેણે કરશે ? આ ભીંસુનાં દૂધ તમે સાહેબ રજપૂતોનાં ગળાં હેઠે શે ઊતરશે ?”

પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભરતાં ચારણીના ભરજુવાન દેહ ઉપર લાલપ છલકી. ગાલ ઉપર આઠ આઠ ચૂમકીઓ ઊપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો. બોકાનીએાને મોઢા ઉપરથી જરીક ખેસવીને સાહેબ જાડેજાઓ બેાલ્યા : “આઈ ! ટીકર આવજો. તમારી ભેંસુ હશે તે કાઢી દેશું : અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ ! અમારી વાંસે વાર વહી આવે છે.”

“તમને ખમ્મા, મારા વીર! પણ, મારા બાપ ! મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી નીકળે ! મેં ચારેની બહુ ચાકરી કરી છે, મારા બાપ !”

“ઠીક આઈ, તારવી લ્યો તમારી ચાર ભેંસુ.”

ચારણીએ એની ચારે ભગરીને નામ દઈને બેલાવી. કાન ફફડાવતી ને પૂછડાં ઉલાળતી ચારે ભેસો નેાખી તરી ગઈ. પણ ત્યાં તે રજપૂતોની આંખ ફાટી ગઈ. એ કાળીભમ્મર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ, કપાળમાં ધેાળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસ કેાને ગળેથી છૂટે ?

જાડેજાએાએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઊઠયા : “એ બાઈ, ઈ ચાર ભેંસુંના આંચળ કેાણ તાણશે, ખબર છે ? જે અમારી પાસે પોતાના આંચળ તણાવતી હશે ઈ; બીજીના હાથ ભોંઠા પડશે, ભેાંઠા.” બોલનારાઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી.

ચારણી થંભી ગઈ એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાધી. કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી બે આંખેામાંથી ઝાળ ઊઠી. સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના બેય થાનેલા કાપી નાખ્યા. જુવાન રજપૂતોની સામે ફેંકીને કહ્યું : “લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઈ ને દૂધ પીધા કરજો !”

છાતીએથી ધખ ધખ લોહીની બે ગૌમુખી વછૂટી. રજપૂતો કાંપતાં કાંપતા જોઈ રહ્યા. ચારણી ત્યાંથી ઘેર ભાગી. ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રતનાની પાસે પહેાંચી જઈને કહ્યું : "ભાઈ ! મારાં આંછળ્ તાણવા આજ ટીકરના રજપૂતો આવ્યા'તા, તું ચોટીલે જાજે ને આપા મૂળુ ખાચરને બોનનો ઝાઝા જુવાર કે'જે.”

એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લૂગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા.

બહેનના દેહને દેન દઈને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળુ ખાચરને તો આખી પાંચાળ અત્યારે પૂજી રહી છે. લૂંટફાટ અને અત્યાચારના એ જુગમાં મૂળુ ખાચરની તો નાડી ધોઈને પેટપીડવાળી બાઈઓને પવાતી હતી. મૂળુ ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય, ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે “બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે,” તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો, તે જ જગ્યાચે ઘાસિયા નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો; અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પિવડાવે, અને પાછા જઈને દરબારને કહે કે “બાપુ, આડું ભાંગી ગયું, ત્યારે મૂળુ ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘેાડે ચડે, ત્રણ કલાકમાં જે આડું ભાંગ્યાના ખબર ન આવે તે પ્રાણ કાઢી નાખવા માટે તરવાર પણ તૈયાર રાખીને જ બેસતા.

એક વખત ઉદેપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળુ ખાચર પરનારીસિદ્ધ પુરુષ છે. એનું નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા. દરબારના માણસો સાથે મતલબ કરી, દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝિલાઈને મેવાડને રસ્તે પડયું. પાછળથી મૂળુ ખાચરને એની ખબર પડી. એના પરિતાપને પાર ન રહ્યો. એણે વિચાર્યું : “ હાય ! હાય ! રાણાનો કોઢ નહિ મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે ? એ કરતાં તો મરવું શું ભૂંડું ?” એ ઉદેપુર પહોંચ્યા. છાનામાના જઈને રહ્યા. લેાકેાને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાને કોઢ મટ્યાની વાત જાણી, ત્યારે એને નવો અવતાર આવ્યો. ચોટીલે પાછા વળ્યા.

એવા દેવતાઈ પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે ?

મૂળુ માનવીએ, માણો કીં મીંઢાવીએ,

અરસ ઇંદ્ર તણે, તું નરખેવો નાગાઉત !

નાગ ખાચરના પુત્ર, મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને

જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્, તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.

સિત્તેર વરસના, શ્વેત રૂપેરી દાઢીમૂછે શોભતા મૂળુ ખાચર ગામતરે જતા હતા. ભેળા પંદર-વીસ અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા ક્યાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછયું : “ભાઈ, પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે ? પાઘડી કે પનિયું કાંઈ કાં નથી બાંધેલ ?”

અસવાર નજીક આવ્યો. એાળખાયેા : “આપા, આ તો કેશવદાસ ગઢવી.”

“ગઢવી, રામ, રામ ! આમ ઉઘાડે માથે કાં ?”

કેશવદાસે રામરામ ન કર્યા. એની આંખોમાં આંસુડાં હતાં. એણે દુહો ગાયો :

જોગાહર, જાચણ તણી, ધાયું કાન ધર્યે,

કાઠી, કટક કર્યે, મૂળવા, ટીકર મારવે.

હે જોગા ખાચરના પૌત્ર, મૂળુ ખાચર, યાચકની –ચારણની– ચીસને કાને ધરજે. હે કાઠી, દળકટક લઈને ટીકર ગામને રોળી નાખજે ! પછી જ રામ રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યા શૂરવીરની લાજે માથું ઢાંકું ! હાય હાય, મૂળુ ખાચર ! પાંચાળમાં કોઈ સૂરજ-પૂતર નથી રહ્યો ત્યારે જ સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બેનદીકરિયુંનાં થાન ઉપર નજર નાખે ને !

“કેશવદાસ, તમે આ શું બોલો છો ?”

નાગ ખાચરના પુત્ર, મુળુ ખાચર, તને અન્ય માનવીઓ સાથે શું સરખાવવો ? અમે તો તને સ્વર્ગપતિ ઈન્દ્ર બરાબરીનો – અર્થાત દેવરાજા રૂપ જ જોયો છે.

"આપા મૂળુ ખાચર ! ઝાઝી વાર નથી થઈ. હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા. મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે.”

કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળુ ખાચરની આંખેામાંથી ઊનાં ઊનાં આંસુ દડી પડયાં. એનું કલેજું સડસડ્યું. “અરે હાય હાય હાય ! કાઠી લૂંટઝૂંટ કરે; કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ, કાઠીનાં પાપ તો પાર વગરનાં; પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે. આજ પાંચાળને પાદર કચ્છી રજપૂતોએ કાળો કામો કર્યો, અમારી દેવભોમ લાજી. સતી પાંચાળીનું આ પિયરિયું શરમાણું. પણ કેશવદાસ ગઢવી ! આ લ્યો, આ કોલ. ત્રણ દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળુ ખાચર સૂરજપૂતર નહોતો, - તો એના માવતરમાં ફેર જાણજો !"

“બસ, આપા ! તો હવે કસૂંબા પીએં !”

કસૂંબા લઈને મૂળુ ખાચર ગામતરે ન જતાં પાછા વળ્યા. પણ દેવને કરવું છે તે એ જ રાતથી આપાને માથાનો દુ:ખાવો ઊપડ્યો. તાવ ચડયો. ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગાપરના દરવાજા દેખાયા. પણ જીવ કેમેય કરીને જાતો નથી.

દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછયું : “બાપુ ! જીવ કેમ જતો નથી ? પાંચાળમાં સહુ ટોળો કરે છે કે મૂળુ ખાચર સતવાદી મોતથી ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ?”

“બેટા !” મરતાં મરતાં બાપે દીકરાને હાથ દાબીને કહ્યું” : “તારો બાપ મોતથી ન ડરે; પણ મારા જીવતરનું એક કામ રહી ગયું, ટીકર મારવી હતી, પાંચાળીનાં થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરિયુંનાં રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયા. હવે પાંચાળીઓ પોતાની દૂધભરી ભાગીરથી જેવી છાતિયું ક્યાં સંતાડશે ?”

દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યું : “બાપુ ! એમાં શી મોટી વાત છે? બાપનાં કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું તેરમું કરીને ચૌદમે જ દા'ડે ટીકર માથે મીઠાનાં હળ જોડાવું.”

“બસ, બાપ !”

“ત્યારે કરો સદ્ગતિ.”

મૂળુ ખાચરને જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની ત્રણે પરજોના કાઠીએ ભેળા થયા. ડાયરાને જમાડીજુટાડી તેરમાની સાંજે આપા મૂળુના પુત્ર સહુને ટીકરના રજપૂતોનું પાપ જાહેર કર્યું તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા જ ટીકર ઉપર ચડવાને ઠરાવ કર્યો.

મોડી રાતે સહુ સૂતા તે વખતે મૂળુ ખાચરના બુઢ્ઢા ચારણે છાનામાના ગઢમાં જઈને જુવાનને કહ્યું :

“બાપ, વાંસેથી જગત વાતું કરશે.”

“શી વાતું, દેવ ?”

“કે બાપને વચન આપતી વખતે તો એકલો જશ ખાટી ગયો, અને અંતે બાયલો ત્રણ પરજુંની મદદ લઈને ગયો !”

“દેવ, તમારાં વેણ એક લાખ રૂપિયાનાં.” પ્રભાતે ઊઠીને એણે મહેમાનોને કહ્યું : “હમણાં તો સહુ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું.”

ત્રણે પરજ વીંખાઈ ગઈ, દીકરો એકલો પોતાનાં જ ઘોડા લઈને ચડ્યો. ટીકર ભાંગ્યું, અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Classics