Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

મું સંભારીશ માંડળિક

મું સંભારીશ માંડળિક

7 mins
460


જૂનાગઢમાં બનેલા બનાવની વાત નાગાજણે ઘરમાં કરી નહોતી. ને વળતા દિવસે એ રા' પાસે ગયો ત્યાંથી પરબારો જ ગામતરે ચાલ્યો ગયો. ક્યાં ગયો તેની જાણ એણે કરી નહિ. પંદરેક દિવસ વીત્યા.

એક પણ દિવસે જેને આંગણે પરોણાનો અભાવ નથી, મહેમાન વગરનું ઘર જેને મસાણ સરીખું લાગે છે, તે બુઢ્ઢી નાગબાઇ આજ મહેમાન વગરની જમી નથી. કોઇ અતિથિ આવ્યું નથી. મહેમાનની વાટ જોઇ જોઇ બપોર ચડ્યા છે. મહેમાન આવતો નથી. બુઢ્ઢી આખરે પોતાના આંગણાના લીંબડા પર ચડીને સીમાડા ખોળે છે. દસે દિશાઓ મહેમાન કે વટેમાર્ગુ વગરની કળાય છે. ક્યાંય મહેમાન આવે ? કોઇ વા'લા વટેમાર્ગુ આવે? આજનું શિરામણ શું સ્વાર્થનું બનશે ?

એકાએક સીમાડે ખેપટ ઊડે છે. આવે છે કોઇક વટેમાર્ગુ. 'જાવ મારા બાપ, મારા ચારણો, વટેમાર્ગુ જે કોઇ હોય તેને આંહી છાસ્યું પીવા તેડી આણજો.'

થોડીવારે માણસોએ આવીને સમાચાર દીધા : 'આઇ, વટેમાર્ગુ નથી. રા' માંડળિક પોતે પધાર્યા છે.'

'ક્યાં, ક્યાંઇ આગળ જાય છે?'

'ના આઇ, ચાહીને મોણીયે જ પધારેલ છે. કહે છે કે આઇનાં દર્શને આવ્યો છું. ભેળો રસાલો પણ છે. મોઢું ઝાંખું ઝપટ છે.'

'અરે બાપડો !' નાગાજણની ને રા'ની વચ્ચે બની ગએલા બનાવની અણજાણ ચારણીએ ઉદ્‍ગાર કાઢ્યા : 'હરણાંનાં માથાં ફાટે એવા કારમા તડકામાં મોદળનો ધણી પંડ્યે આવ્યો, કાંઇક જરૂર પડી હશે. મુંઝાણો દિસે છે. પસ્તાણો લાગે છે. મીણબાઇ ! બેટા ! ચાય ગમે તોય આપણો ધણી છે. આપણે આંગણે આવેલ છે. નાગાજણ તો ઘેરે નથી. આપણે રા'ને ટીલાવા જાવું જોવે બાપ ! કંકાવટીયું સાબદી કરો. નકોર લૂગડાં પહેરો. ધોળ મંગળ ગાતાં ગાતાં જઇને ટીલાવીએ ને બીજું તો કાંઇ નહિ, પણ મારૂં સાંભળશે તો પાસે બેસાડીને હૈયાની બેક વાતડીયું ભણીશ હું. હાલો બાઇયું, હાલો બુઢ્ઢીયું ને નાનડીયું ! હાલો માડી, મોદળના રા'ને ટીલાવવા ઝટ હાલો.'

ઝાઝી વાર લાગી નહિ. નાગબાઇનું વેણ એ ચારણના નેસડાને ઘેર ઘેર ફરી વળતાં તો ચારણીઆણીઓનાં ઢુંગે ઢુંગ (ટોળે ટોળાં) રાતીચોળ ને કાળી નકોર લોબડીઓના છેડા વડે ધરતીને વારણાં લેતાં, દેવીઓના સોળા ગાતાં ગાતાં ગામપાદરને વડલા-છાંયડે જ્યાં રા' ઊભેલ હતો ત્યાં ચાલ્યાં. મોખરે હાથની હથેલીઓમાં કંકાવટી લઇને મીણબાઇ ચાલે છે : મીણબાઇ, જેનાં મોં પર માતાજીનાં અર્પેલ અનોધાં અપ્સરારૂપ છે : જેના નખની કણીઓ સૂરજના તાપમાં ઓગળી જાય છે.

'એજ -એજ મારા સ્વપ્નાવાળી,' રા'એ ઢૂકડી આવેલી મીણબાઇના મોંને દેખીને મનનો ઉદ્‍ગાર મનમાં શમાવ્યો.

ચારણ્યોના વૃંદની વચ્ચે જેનું મસ્તક સૌથી ચડિયાતું, મંદિરના

શૃંગ સમું નીકળે છે તે બુઢ્ઢી નાગબાઇની નજર પણ રા'ના મોં સામે ચોંટી હતી. એને પોતાની ભૂલ સમજાઇ ગઇ. એણે માંડળિકના મોં ઉપરની રેખાઓ ઉકેલી લીધી. એના હૈયામાં ફડકો ઊઠ્યો.

મીણબાઇ વધુ નજીક આવી. રા'ના મોં પર સાપ સળવળ્યા. મીણબાઇના નખને રા'ની નજરે સમળી સૂડાના બચ્ચાંને ચાંચમાં પકડે તેમ પકડી લીધા. ને નખ ઉપરથી ચડતી ચડતી એ દૃષ્ટિની નાગણી મીણબાઇની હથેળી, કાંડાં, કોણી, બાહુ ને બગલનાં પગથિયાં ચડતી ચડતી છેક છાતીનાં યૌવન સુધી ચાલી ગઇ. ત્યાંથી લસરી ગઇ. લસરવામાં મજા આવી.વારંવાર ચડી ચડીને દૃષ્ટિ લપટી. 'એ જ એ તો - મારા સ્વપ્નામાંથી નાગાજણે ઉપાડી લીધેલી એ જ એ અપ્સરા.'

ઢાકાની મલમલમાં ન ખીલે એટલું અપરંઅપાર ખીલી ઊઠ્યું એ ચારણી-રૂપ, ઊનની ધિંગી કસૂંબલ ઓઢણીમાં.

કંકાવટીમાં આંગળી બોળીને મીણબાઇ રા'ની અડોઅડ ટીલાવવા ઊભી રહી, ત્યારે તો રા'ને અપ્સરા-રૂપની સોડમ આવી. એ સુગંધે માંડળિકને સુરાપાન કરાવ્યું, ભાન ભૂલાવ્યું, ગાંગાજળિયો ગઢપતિ, ઉમાદેનો રસીલો કંથ, રાજપૂતીનો રક્ષણહાર, જ્ઞાની, યોદ્ધો, વિવેકી, તમામ વિવેકને પરવારી જઇ મોં બીજી દિશામાં ફેરવી ઊભો રહ્યો.

'ફુઇ !' મીણાબાઇએ નાગબાઇને કહ્યું 'રા' ફરે છે.'

'રા' તો જ્ઞાની છે બાપ ! અમથા ન ફરે. મૂરત એ દૃશ્યે હશે. ત્યાં ફરીને ટીલાવ દીકરી !'

રા'નું હૈયું જાણે મીણબાઇને ધકેલીને દૂર કરવા માગતું હતું. રા'થી મીણબાઇની નીકટતા નહોતી સહેવાતી. રા'ને કોઇક માયલો જીવ કહેતો હતો કે ભાગી છૂટ, ન્હાસી છૂટ.' પણ રા'ને બીજો અવાજ કહેતો હતો, 'દૂર ન રાખ. હવે ક્યાં છેટું છે, ભેટી પડ.'

કંકુમાં ઝબોળેલી આંગળી રા'ને કપાળે પહોંચે તે પહેલાં તો રા' ત્રીજી દિશામાં ફરી ગયો.

ખસિયાણી પડેલી મીણબાઇની આંગળીએથી કંકુનાં ટીપાં ટપક ટપક ટપકી પડ્યાં. એણે ફરી વાર કહ્યું, 'ફુઇ , રા' તો ફરે છે.'

'સૂજાણ રા' અમથા ન ફરે બાપ ! મૂરત એ દૃશ્યે હશે. ટીલાવ તું તારે.'

પછી જ્યારે ચોથી દૃશ્યે રા'એ મુખ ફેરવી લીધું, રાની પીઠ ચારણ્યોના વૃંદ તરફ થઇ ગઇ, સોળાનાં ગીત થંભી ગયાં, ને મીણબાઇએ જ્યારે ત્રીજીવાર કહ્યૂ કે 'ફુઇ, રા'ફરે છે,' ત્યારે નાગબાઇનો કંઠ રૂંધાઇ ગયો. એણે ન બોલાવા મહેનત કરી. પણ એનું ગળું દબાયું નહિ. એની જીભ ઝાલી રહી નહિ. એણે કહ્યું-

'હાંઉ બેટા ! હવે તો રા' નસેં ફરતો, રા'નો દી' ફરતો સે.'

રા'નાં લમણામાં એ શબ્દો સાંભળતાં જ ચસ્કા નીકળી ગયા. એ નાગબાઇ તરફ ફર્યો.

નાગબાઇએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું : 'પાછો જા, બાપ ! પાછો ઝટ જૂને પોગી જા.'

ગંગાજળીયા ગઢેચા,

(તું) જૂને પાછો જા

(મારૂં) માન ને મોદળ રા' !

(નીકે) મું સાંભરીશ માંડળિક

'પાછો જા બાપ, વેલો પાછો જા, મોદળના ધણી, ગરવો લાજે છે.'

'મારા મલકમાં વેરો ભર્યા વગર રે'વું છે-'રા'ના મોંમાંથી થૂંક ઊડવા માંડ્યું. શબ્દોના ચૂંથા નીકળ્યા - 'ને પાછા મિજાજ કરવો છે ?'

'હાંઉં ! હાંઉં ગંગાજળિયા !' નાગબાઇએ આંખો ઉંચક્યા વગર હાથ ઊંચો કર્યો; 'ઘણી બધી થઇ; ગંગાજળિયા ! વીર ! આ વાતું ન ઘટે-'

ગંગાજળિયા ગઢેચા

વાતું ન ઘટે વીર !

હીણી નજરૂં હમીર

નોય માવતરૂંની માંડળિક !

માવતર ! માવતર ! પાછો જા. અને ગંગાજળિયા, આ તો નેવાનાં નીર મોભે ચડ્યાં !-

ગંગાજળિયા ગઢેચા

વાતું ન ઘટે વીર !

નેવાં માંયલાં નીર

મોભે ન ચડે માંડળિક !

'ચૂપ થાવ ડોશી ! મને ઓળખો છો ? હું માંડળિક : હું મોણીયાનો ટીંબો ખોદી નાખીશ.'

'ઓળખ્યો'તો બાપ !' હજુયે નાગબાઇએ ધરતી પરથી નજર નહોતી ઉપાડી. ફક્ત એનો હાથ જ બોલતો હતો-'તુંને તો મારા વીર ! મેં રૂડી રીતનો ઓળખ્યો'તો. તારૂં પંડ પવિતર હૂતું. અરે તારે સ્પર્શે તો રગતકોઢ જાતા'તા-કેવો નીતિમાન તું ?--'

ગંગાજળિયા ગઢેચા

(તારૂં) હૂતું પંડ પવિત્ર

વીજાનાં રગત ગયાં

મુણે વાળા માંડળિક !

'વીજા વાજા સરીખા પાપીનાં તે રક્તપીત કાઢ્યાં હતાં, એને ઠેકાણે આજે તારી હવા અડ્યે મને જાણે કે વાળા ખીલીઓ નીકળી રહેલ છે. મારે રોમ રોમ શૂળા પરોવાય છે. તું કોણ હતો ? ને કોણ બન્યો ?'

બોલતે બોલતે બુઢ્ઢીનું હૈયું ભરાઇ આવ્યું. નાગબાઇના મોંમાંથી પ્રત્યેક વેણ કરુણારસભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું. લોકવૃંદ તો પાષાણમાં આલેખાઇ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું. રા'ને રૂંવાડે રૂંવાડે ક્રોધ અને બુદ્ધિભ્રમ બટકાં ભરી રહ્યાં હતાં. એના વિષય-ધ્યાનમાંથી કામ જનમ્યો, કામની અતૃપ્તિમાંથી ક્રોધ પ્રગટ્યો, ક્રોધે એને સંમોહ ઉપજાવ્યો, ને સંમોહે સ્મૃતિ મતિનો વિભ્રમ પેદા કર્યો. એણે મોં બગાડી નાખ્યું. લાલસા અને મદનું મિશ્રણ હાંસી અને તુચ્છકાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું : એ બોલ્યો, 'નીકર તું શું કરી નાખવાની હતી ? નરસૈયો મને શું કરી શક્યો ?'

'રે'વા દે વીર ! રે'વા દે, નરસૈયાની યાદ દેવી મને રે'વા દે. હું નરસૈયાની પગુંની રજ પણ ન થઇ શકું. એનું વેર મારા હૈયામાં મ જગાડ. મોદળના ધણી ! મને ડાકણી કરવી રે'વા દે. હું તો જન્મારાની બળેલ ઝળેલ મને શા સારૂ ડાકણ કર છ?'

'ડાકણ જ છો તું ડોશી ! તને ડાકણ કરવા જેવું શું હતું ? તું મને શરાપવા માગ છ ને ! શરાપી લે.'

'હાય હાય ગંગાજળિયા ! મારી જીભ ખેંચીને બોલાવ છ ? અરે હજી ચેત ચેત, હું શરપતી નથી, હું તો જે જોઉં છું ઈ કહું છું.

'તું શું જોવ છ ?'

'હું જોઇ રહી છું બાપ કે -

જાશે જૂનાની પ્રોળ

[તું] દામોકંડ દેખીશ નૈ

રતન જાશે રોળ

[તે દિ'] મું સંભારશ માડળિક.

તે દિ મને તું સંભારીશ માંડળિક, જે દિ,

નૈ વાગે નીશાણ

નકીબ હુકળશે નહિ

હુકળશે અસરાણ

(આંહી) મામદશાનાં માંડળિક.

તારાં ડંકાનિશાન પર પડતાં ચોઘડિયાનાં ધ્રોસા બંધ થાશે, ને આંહી સુલતાન મામદશાના માણસો એની એલી કરશે.'

'હાં, બીજું બુઢ્ઢી ? બીજું શું જોછ ?'

જોઉં છું બાપ, કે-

પોથાં ને પુરાણ

ભાગવતે ભાળશો નહિ

કલ્માં પઢે કુરાણ

તે દિ' મું સંભારશ માંડળિક !

'આ તારી ધરમની પોથીઓ, વેદ, ભાગવત, ને પુરાણો વંચાતાં ને લાખોની મેદનીને સંભળાતાં બંધ થશે. આંહીંતો મુસ્લિમો કલ્માં ને કુરાનના પાઠ કરશે.'

'તારી એકેએક વાત ખોટી ઠેરવીને તારી જીભ ખેંચી નાખીશ બુઢ્ઢી, ટાબરીઓ મામદશા ગઢને માથે હાથ નાખી રિયો.'

'ગર્વ મ કર, મદનાં વેણ મ બોલ માંડળિક, તું મને સંભારીશ તેદિ', જે દિ

જાશે રા'ની રીત

રા'પણું ય રે'શે નહિ

ભમતો માગીશ ભીખ,

તે દિ' મું સંભારીશ માંડળિક !

[ ૨૩૨ ]

'અને માંડળિક ! ગંગાજળિયા,

તારી રાણીયું રીત પખે

જાઇ બજારે બીસશે

ઓજલ આળસશે

તે દિ મું સંભાળીશ માંડળિક

અરે બાપ, તારા રાજની રાણીઓને લાજ મરજાદ મૂકીને બજારે બેસવું પડશે. એવા એવા દિ'ની આ એંધાણીયું છે.'

'બસ, શારાપી લીધો ?'

'શરાપ્યો નથી. હું શરાપું નહિ, પણ હું તને ભવિષ્ય ભાખું છું. આવતા દિ'નાં એંધાણ હું નજરે નરખીને બોલું છું. તેં મામદશાને માટે રાંધીને તૈયાર રાખ્યું છે.'

'તું તેડી આવને !'

'હું નહિ બાપ, તારો કાળ તેડી આવશે. તેડાં તો થઇ ચુકેલ છે. તારા સીમાડા સંભાળ હજી. હજી ય હિંદવાણાને હાકલ દે, હજી ય નરસૈયાના પગુંમાં પડી જા. હજી ય કુંતાદેનાં કહ્યાં કર. નીકર, ગંગાજળિયા ! હું તો તારી ગતિ ક્યાં જઇ ઊભી રે'શે એ જ વિચારું છું. તારું ખોળિયું...' ડોશી અટકી ગયાં. ડોશીએ માંડળિકના દેહ ઉપર નજર ફેરવી. ગાય જાણે વાછરૂને ચાટી રહી. 'ગંગાજળિયા ! તારું આ ખોળિયું...'

'ખોળીયું તો દુશ્મનોની છાતી માથે ઢળશે , બુઢ્ઢી !' રા'એ છાતી થાબડી.

'ના, ના, ના, ઊજળાં મોત રેઢાં નથી પડ્યાં બાપ. હવે જા, વધુ બોલાવ મા. તારા આ ખોળિયાની શી દશા થશે તેની


કલ્પના મને વલોવી નાખે છે. તું રણભોમમાં મરીશ તો જીતી જઇશ. પણ રેડઃઆં નથી, રણભોમનાં રૂડાં મોત રેઢાં નથી. મને એ જ વેદના વાઢી રહી છે. હવે તું જા આંહીથી બાપ.'

'જાઉં છું, ને છ મહિને તારી જીભ ધગધગતી સાણસીએ ખેંચવા આવું છું.'

'તારે એટલી ય મહેનત નઇ લેવી પડે' ઘોડે ચડેલા રા'માંડળિક તરફ હવે પૂરેપૂરી નજર માંડીને બુઢ્ઢી બોલ્યાં : 'હવે મારો દેહ તો વટલાઇ ગયો. મારા મોંમાં આજ એંશી વરસની અવસ્થાએ કાળવાણી નીકળી છે. હું દેવ્ય ટળી ડાકણ થઇ ચૂકી. માંડળિક ! હવે તો છેલ્લા જુવાર.'

'ક્યાં, તારો દીકરો પહોંચ્યો છે ત્યાં અમદાવાદ ને?' ઘોડો હાંકી મુકતા રા'એ પછવાડે નજર કરીને મોં મલકાવી કહ્યું.

'ના, ઇથી થોડું જ ઓલી કોર.'

અન્નજળ ત્યાગીને પછી વળતા જ દિવસે નાગબાઇએ ગાડું જોડાવ્યું. એ હિમાલય ગળવા ચાલી ગઇ.


Rate this content
Log in

Similar gujarati story from Classics