Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

અનંતની બહેન

અનંતની બહેન

12 mins
411


સવારની ગાડી બરોબર આવી હતી. સ્ટેશનથી અનંત ઘેર આવી પહોંચ્યો ત્યારે શેરીની છેલ્લી સ્ત્રી ઉકરડા ઉપર ઝાડે ફરીને ઊઠતી હરી, અને તે પછી ત્યાં શેરીનાં ત્રણથી આઠ વર્ષનાં છોકરાંનું દિશાએ બેસવાનું શરૂ થઈ ચૂક્યું હતું. 'જગડૂ શેરી'ના આવા રોજિંદા સૂર્યોદયને મનમાં મનમાં વંદન કરીને અનંત પિતાના ઘરને પગથિયે ચડ્યો.

ઘર બરાબર ઉકરડાની સામે જ હતું. અંદર આંગણાની સાંકડી ભોંય ઉપર ભદ્રાબહેન જ પાણી છાંટીને રંગોળી પૂરી રહી હતી. સામે ઉકરડા પરનું ગંદુ દ્રશ્ય અનંતભાઈને ન દેખાય તે સારુ ભદ્રાએ તરત જ મોતી ભરેલા મોરલાવાળો પડદો બારણા આડો ટાંગી દીધો. અનંતે પૂછ્યું: "કેમ, ભદ્રા !"

ભદ્રાએ કોઈ ન સાંભળે તેમ વાક્ય સેરવી દીધું કે, "ભાઈ, વખતસર આવી પહોંચ્યા છો. હું ગૂંગળાઈ ગઈ છું. મને છોડાવી જજો, હો !"

"કોઈ તારો વાળ વાંકો કરી ન શકે." એટલું કહી અનંતે છાતી કાઢી, ખભા પરથી કૅમેરા ઉતાર્યો.

બે મહિના પર અનંત આહીં આવેલો ત્યારે આ જગ્યાએથી ઉકરડો ટાળવા માટે એણે તુલસીના કૂંડાં મુકાવી, પાણી છંટકોરી શેરીનાં લોકોને સ્વીટ્ઝરલાંડની સ્વચ્છ, સુંદર પોળોનો સિનેમા બતાવેલો. જગડૂ શેરીના મૂળ મહાપુરુષ જગડૂશા શેઠનું મોટું ચિત્ર કરાવીને પણ ત્યાં પધરાવેલું. પણ લોકોએ આ બધું એટલું જ આસાનીથી ફેંકી દીધેલું; કેમકે લોકોને તુલસી-કૂંડાં, સિનેમા અને જગડૂશાના ચિત્ર કરતાં મ્યુનિસિપાલટીના જાજરૂની વધુ જરૂર હતી. અને એને માટે જરૂર હતી એક તોપની: મ્યુનિસિપાલિટિને રાજીખુશીથી જગ્યા ખુલ્લી ન કરી આપનારા શેઠિયાઓની આભે અડકતી અટારીઓ તોપખાના વિના ખસે તેમ નહોતું.

પણ આજે અનંત એક બીજા, વધુ ભયાનક બદબો મારી રહેલ, ઉકરડાને ચોખ્ખો કરવા આવ્યો હતો. જગડૂ શેરીની ખીચોખીચ ઉંચી ઇમારતોના ભીતરમાં વધુ ભીડાભીડ કરતી ઊભેલી બીજી અદ્રશ્ય હવેલીઓ હતી એના ઉપર પણ અનંતે આજ લગી ફૂલ-રોપા જ ઢાંકેલા; એ બધા એળે ગયેલા. આજ એ અદ્રશ્ય ઇમારતોને તોપે ઉરાડવા જ અનંત આવ્યો હતો. પોતાના બાપની જ કુલીનતાની હવેલી એને પહેલાં-પ્રથમ ભાંગવી હતી.

અનંત ઘરમાં ગયો. બા પથારીવશ હતાં, તેને પગે લાગ્યો; જુવાન વિધવા વહુ બાને બદલે દેવની પૂજા કરતી ટોકરી બજાવતી હ્તી, તેના સમાચાર પૂછ્યા. અનંતભાઈનો સ્નેહાર્દ્ર અવાજ સાંભળીને રસોડાના અંધારામાં બેઠેલી એ વિધવા વહુએ ઘીની દીવાની વાટ સંકોરી દીવો સતેજ કર્યો. દીવાના તેજમાં, પૂજા માટે પહેરેલી આછી કામળી સોંસરવું, એનું તાજું મૂંડાવેલ માથું અનંતની આંખોમાં તરવરી ઊઠ્યું. અનંત પહેલે માળ ચડ્યો; ત્યાં પોતાની ગાંડી થઈ ગયેલ ભાણેજ ઓરડામાં પુરાયેલી, ફાવે તેમ ગાતી હતી. ઉપલે માળે પિતાજી શ્રી શંકરાચાર્યની મોટી છબીને ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. મોં પરની કરડાકી છુપાવ્યા વિના અનંતે પણ પિતાનો ચરણસ્પર્શ લીધો. રજવાડાંના નોકરોની માફક અનંતની કેડ્યના મકોડા જ માતા-પિતાની સન્મુખ આવતાંની વારે આપોઆપ વળી જવા ટેવાઈ ગયેલા હતા, અનંત એવા વંદનમાં ઉચ્ચ સંસ્કાર કલ્પતો. સાદું 'જે-જે' એને બાંડું, તોછડું ને કલાવિહોણું લાગતું.

"આવ્યો, ભાઈ !" બાપુએ અનંતના શિર પર હાથ મૂકી કરચલિયાળા, સૂકા મોંએ કહ્યું: "તારો ભડકે બળતો કાગળ મળ્યો હતો. ચાલો આપણે વાતો કરી લઈએ." બન્ને બેઠા.

"મારા કાગળમાં તમે ભડકા ભાળ્યા, પણ તમારી આ ત્રીજા માળની શીતળ મેડીને તળિયે તો તપાસો ! ખરી ઝાળો તો ત્યાં બળે છે. તમે આંહીં જ્વાળામુખી ઉપર જ બેઠા છો."

અનંતે આરંભ જ આવો ભપકાબંધ કરી દીધો; કેમકે એને ડર હતો કે કદાચ જરીક વાર થતાં બાપુની સમક્ષ પીગળી જવાશે, અને માંડમાંડ મોંએ કરેલાં વાક્યો ભૂલી જવાશે.

"તારી સાક્ષરી ને કવિત્વમય ભાષામાં મારા જેવા પેન્શન ખાનાર વસૂલાતી અમલદારને શું સમજાશે, ભાઈ ! સીધું કહે: ભદ્રાને છ મહિનાને માટે ખૂણો પાળવા મોકલાવી છે કે નહિ ?"

"શા માટે ? પાંચ વર્ષથી જેણે ભદ્રાને કાઢી મૂકી, વગોવી, મારી નાખવાની કોશિશો કરી એ ધણીનું ચૂડી-કર્મ કરવા ? - એના ખાતર માથું મૂંડાવવા ? ભદ્રાને હવે આજ નવેસર વિધવા બનવાનું શું હતું ! પરણી તે પછી પાંચ મહિનાથી જ એ તો રંડાપો જ વેઠી રહી છે. ચોટલે ઢસરડીને કાઢી'તી: યાદ નથી ?"

"ભાઈ !" બાપુ એ દીન સ્વરી કહ્યું: "હું ને તારી બા હવે કાંઠે બેઠાં છીએ. આ ઉંમરે હવે ન્યાતનો ને સમાજનો તિરસ્કાર અમારાથી નહિ સહેવાય. છેલ્લી વારનું પતાવી દઈએ; પછી ભદ્રાને તું તેડી જા. તેં એને જે રંડાપો આજ સુધી પળાવ્યો છે, તેને હવે પૂરેપૂરો ઉજાળી લેવા દે."

"હા; ભદ્રાના રંડાપાની આસપાસ મેં ખૂબ ભાવનાઓ ગૂંથ્યા કરી હતી, તે જ ભૂલ થઈ છે. મને લાગે છે કે કવિતાથી, ચિત્રોથી, ધૂપથી ને ફૂલોથી મેં બેનના જીવતા મોતને શણગાર્યું છે. મારે એ છોકરીને..."

અનંત જોતો હતો કે, બાપુના દિલના ટુકડા થઈ રહ્યાં છે. એની જીભ થોથરાતી હતી; પણ એને તો મનમાં ગોઠવી રાખેલાં વાક્યો હિંમત રાખીને એકઝપાટે બોલી જવાં હતાં, એટલે આગળ ચલાવ્યું: "ગીધડાં ને સમડીઓ હંમેશા મુડદાને ચૂંથે છે: જીવતાંને ચૂંથનારાં માત્ર મનુષ્યો જ છે. ભદ્રાને એ પાપીએ શરીરની કઈકઈ જગ્યા ઉપર ઘગધગતા ડામ ચાંપીને હંમેશાંની જીવતું મુડદું બનાવી છે, એ તમેય જાણો છે. જ્ઞાતિયે જાણે છે. એની કલ્પના-માત્રથી જ મારી બાના કેશ એક જ રાતમાં ધોળા બની ગયા હતા. એના મૃત્યુ પર આજ કઈ સગાઈએ ભદ્રા કેશ ઉતારે ને ચૂડીઓ ભાંગે ! એ રાણીગામમાં પગ જ શી રીતે દેશે ! તમે માવતર ઊઠીને આજ ભદ્રાને જીવતી ચિતામાં મોકલો છો ? એ કરતાં ક્લોરોફોર્મ સુંઘાડી દો ને !"

બાપુ હસતા હતા. બાપુના ઊંડે ગયેલા ડોળાના ખાડામાંથી એ હાસ્ય રાફડાના ભોણમાંથી કોઈ સાપ જીભના લબકારા કરી રહ્યો હોય તેવું દેખાતું હતું.

"બીજું કાંઈ કહેવું છે, ભાઈ ?" બાપુએ ભયંકર ખામોશીથી પૂછ્યું.

"કશું નહિ; ભદ્રાને તમે ત્યાં ઘસડશો, તો એના માથાનો ચોટલો કપાય તે પહેલાં હું મારું માથું કપાવીશ..."

સૂરતની કૉલેજનો પ્રોફેસર અનંત હજુ ગઈ કાલે જ ઇબ્સનનાં નાટકના વિદ્યાર્થીઓને ભાષણ આપીને ગાડીમાં બેઠેલો હતો, અને પોતાની સામે કૉલેજને દરવાજે સૂઈ રહેલી 'પિકેટર' સ્ત્રીઓનો જુસ્સો જોઈને આવતો હતો. એને જ્યારે મધુમતી નામની પિકેટર કન્યાએ 'હિચકારો' કહી શરમાવ્યો હતો, ત્યારે પોતે પોતાના અંતરાત્માની પ્રમાણિક માન્યતાનો આધાર લીધેલો કે , 'રાજકારણ મારું ક્ષેત્ર નથી: હું લડીશ સમાજની બદીઓ સામે. 'આજ પોતે એ યુદ્ધ લડી રહ્યો હતો, અને સૂરત-કૉલેજને ફાટકે સૂતેલી મધુમતીને જાણે પોતે આંહી બેઠો પદકારતો હતો કે, 'આમ જો ! શું હું લડવાથી ડરતો હતો ! નહિ નહિ: स्वे स्वे कर्मे...'

આ વખતે જ દાદર ઉપર કોઈ ધીમેધીમે હાંફતું ચડી રહ્યું હતું. એ અનંતનાં બા હતાં. આજારીની પથારીમાંથી ઊઠી મહાકષ્ટે બા ઉપર આવતાં હતાં. ભદ્રાના ખભાં પર એણે ટેકો લીધો હતો. ઉપર આવીને બા કઠણ બની બેઠાં. અનંતની સામે આંખો માંડી કહ્યું: "ભદ્રાની વાતનાં ચૂંથણાં ચૂંથો છો ને, ભાઈ !"

અનંતે બહેનની સામે મીટ માંડી. નાની-શી સુંદર નદીના ક્ષીણ પ્રવાહ જેવો એનો દુર્બળ દેહ જાણે કે વહેતો હતો. નદીનાં પાનીની માફક એ પ્રેત-શરીરનાં લોહી-માંસ અણ અદીઠ આગમાં સળગી, વરાળ થઈ ઊડી રહેલ હતાં. કાલી, મોટી આંખોની આસપાસ દાઝ્યો પડી ગઈ હતી. પણ

અનંતની નજર તો બહેનના કેશની બન્ને ગાલો પર ઝૂલતી કાળી ભમ્મર લટો ઉપર હતી. ભાઈ નાનો હતો ત્યારે એ અંબોડામાં કરેણનાં ફૂલ ભરતો, ને એ લટોમાં મોં છૂપાવી ચંદ્ર-વાદળની રમત રમતો. અત્યારે ભાઈનો દેહ બહેનને ભેટી ન શકે; પણ અંદરનો પ્રાણ આંખો વાટે એ લટો પર ચડી, વડલાની ડાળે વાંદરું રમે તેમ, ઓળકોળાંબડે રમવા લાગ્યો. ત્યાં તો બાએ ફરીવાર પોરો ખાઈને અનંતને સંબોધી શરૂ કર્યું:

"ભાઈ ! ચીંથરાં શીદને ફાડછ ? આ શેરી ને આ નાત અમારી દુનિયાના છેડા ઠર્યા. હવે આ આંખો આઘેરું નહિ જોઈ શકે. અમારી બુદ્ધિને તાળાં દીધેલ સમજ: અમને પેટનાં બાળ ભક્ષનારાં સમજ. બેનને આ ખોળામાં ધવરાવી છે. દૂધ પીતી કરી હોત તો દુઃખ નો'તું; પણ જીવતી રહી છે, એટલે એનો ચૂડો ને ચોટલો ઉતાર્યા વિના અમારે છૂટકો નથી."

"નીકર ?" અનંતે બા સામે જોયા વગર પૂછ્યું.

"નેકર હું ને તારો બાપ અફીણ ઘોળશું. તમે સુખી થાજો, ભાઈ ! આજ લગી તમે 'માતૃદેવો ભવ'ના ને પિતૃદેવો ભવ'ના જાપ જપ્યા; તમે આ માના ખોળા ખૂંદ્યા: આજ અમારું મોત બગાડવા ઊભા થયા છો, ખરું ?"

એ જ વેળા બીજે માળેથી કોઈ ગાતું હતું કે -

કરતા હોય સો કીજિયેં,

અવર ન કીજે, કગ્ગ!

માથું રહી જાય શેવાળમાં,

ને ઊંચા રહી જાય પગ.

અનંતના વ્યવહારડાહ્યા મોટાભાઈનો એ અવાજ હતો. બહુ વખતસર એ દોહરાના સૂર નીકળતા હતા. 'માતૃદેવો ભવ !પિતૃદેવો ભવ !'ના જૂના સંસ્કાર અનંતના આત્માની અંદર ગુંજવા લાગ્યા. અનંત બીજું જેટલું વ્યાખ્યાન ગોખીને લાવ્યો હતો, તે ભૂલી જવા લાગ્યો. બા બોલ્યાં:

"છેવટે તારે કરવું તો છે તો બેનનું ઘરઘરણું ને ! બહુ સારું; ખુશીથી; અમારા પંડ્ય પડ્યા પછી મનધાર્યું કરજો. પણ અમે બેઠાં તો ધરમને નહિ જવા દઈએ, ભાઈ !"

બાપુ વચ્ચે આવ્યા: "તમે એમ ગરમ શીદને બનો છો ? હું ભાઈને સમજાવું: જો, ભાઈ: તારું શું ચાલવાનું ? આ ભદ્રા તો ગરીબ ગાય છે. આપણા ન્યાત-પટેલો એના ભવાડા કરશે; એની બદબોઈ કરી એને જીવતી મારી નાખશે: તે કરતાં અમારો માર્ગ શું ભૂંડો છે ? તું સાથે આવીશ તો તારી શેહમાં દબાઈને એનાં સાસરિયાં એને પીડતાં અટકશે. સહુની આબરૂ રહેશે. પછી તું ને તારી બેન મનનું ધાર્યું બધુંયે કરી શકશો."

અનંતનો દારૂગોળો ખલાસ થઈ ગયો. જે માતાના ખોળે બેસી એણે ધાવણ ધાવેલું, વાર્તાઓ સાંભળેલી, ધગધગતા તાવથી તપતું શરીર ઢાળેલું, તે માની છેલ્લી - છેલ્લામાં છેલ્લી - માગણી અનંતને મન પરમ પવિત્ર બની ગઈ. ભદ્રાનો ભોગ અપાઈ ગયા પછી પોતે એક મહાન ક્રાંતિકાર બની શકશે. એ એનું આશ્વાસન હતું.

"ત્યારે જો, બેટા" બાપુએ આખો કાર્યક્રમ રજૂ કર્યો: "બેનનું ચૂડી-કર્મ તો આંહીં આપણને મરણના ખબર મળે કે તરત જ કરી લેવું જોઈએ, પણ ભદ્રા તો હઠે ભરાયેલી, તારા આવ્યા વગર એ માનવાની જ નહોતી, એટલે હવે અત્યારે જ કરી નાખીએ: એક ચૂડલી ભાંગવામાં શી વાર છે !"

અનંતની કલ્પનામાં ભદ્રાના કાંડાનાં કંકણ 'કડડ ! કડાડ ! કડડ !' બોલતાં સંભળાયાં. એ કડકાટમાં અનંતે સ્વરો ગૂંજતા સાંભળ્યા કે, 'માતૃદેવો ભવ ! પિતૃદેવો ભવ !' પિતાએ આગળ ચલાવ્યું.

"પછી આજ રાતે ગાડીએ બેસીએ. વચ્ચે લીંબડી, વઢવાણ, લખતર ને વીરમગામથી આપણા ધનશંકર, નરહરિ, હરિહર વગેરે કાણિયાઓ એની વહુઓ સાથે ભેળા થશે. સવારે નાની ગાડી બદલશું. સમાણા સ્ટેશને ઊતરી ગાડું કરી લેશું. તું ને હું આગળ જઈને ત્રિપુરાશંકરની માફામાફી કરી લેશું; કેમકે ગામમાં એણે ગુંડાઓ તૈયાર રાખીને ભદ્રાની ઉપર વેર વાળવાની પેરવી કરી છે. કોઇ રીતે હાથે-પગે લાગી, બારમા સુધી રોકાઈ બેનના માથાનું ક્ષૌર-કર્મ થઈ જાય એટલે આપણે ચાલ્યા આવશું. બેન પાંચેક મહિનાનો ખૂણો પાળી લેશે, એટલે તેડી લાવશું. પછી તું ઠીક પડે તેમ

કરવા મુખત્યાર છે, ભાઈ !"

સહુને આ વિગતો વાજબી લાગી. અનંત નિરાંતે નહાયો, ત્યાં નીચે બાએ શેરીની બાઈઓને એકઠી કરીને ભદ્રાનો ચૂડૂ ભાંગવાની પહેલી ક્રિયા પતાવી પણ લીધી. સગાંવહાલાં ને જ્ઞાતિજનો આ સમાચારથી રોષ ઓછો કરી શક્યાં. અનંતના સ્નેહીઓએ પણ એનામાં આ ઓચિંતી ખીલી નીકળેલી સમાધાન-વૃત્તિ વખાણી.

[૨]

સાંજે સંજવારી કાઢવાને બહાને ભદ્રા અગાસી પર ચડી છે. સૂર્યનાં ઢળતાં કિરણો પ્રતાપગઢની દરિયા-ખાડીમાં ખૂતતાં-ખૂતતાં ચાલ્યાં જાય છે. તે રીતે ભદ્રાના છેલ્લા મનોભાવો પણ જીવતરની ખાડીના કૈં કૈં કીચડમાં ભમે છે... આજથી આઠ જ મહિના પહેલાં ત્રવાડી-ફળિયાની રંડવાળ છોકરી રેવા એક બંગડી વેચનાર જુવાન મુસલમાન જોડે ભાગી ગઈ છે ને, સાંભળવા પ્રમાણે, લખનૌના મહબૂબ મહોલ્લામાં 'ગુલબીબી'ને નામે લીલાલહેર કરે છે... બીજી એક પતિની તજી દીધેલી પચીસ વર્ષની શ્રીમાળણ કાશી ગાંડી થઈને તળાવને કાંઠે ફરતી ફરતી એ તજનાર ધણીનાં ગાણાં ગાય છે... ત્રીજી સુનંદા: બાળ રંડવાળ્ય: એનો સુધરેલો મામો સાસરિયાંને ઘેર જઈ, ભાણીનું માથું મૂડતા હતા તેમાંથી જોરાવરીએ લાવ્યો; જલંધરમાં ભણાવી ગણાવી હુશિયાર કરાવી દીધી: એણે હમણાં જ દાક્તર ઇન્દ્રજીત ત્રવાડીના દીકરા બળવંતને મોહિની છાંટી, બળવંતનું ઘર ભંગાવી, બળવંતની જુવાન રૂપાળી બાયડીને બોરબોર આંસુડાં પાડતી દીકરાસોતી ઘરબહાર કઢાવી છે ને પોતે પ્રેમ-લગ્ન કરી બેઠી છે... આ બધા બનાવોએ ભદ્રાના અંતરમાં ઊંડા પ્રશ્નો ઉઠાડ્યા: હું ક્યાં જઈ રહી છું ? મારે કપાળે શું માંડ્યું છે ? મારું કોણ ? ગાંડી થઈ જઈશ તો ?

પાણીમાંથી નીકળવા ફાંફાં મારતું ઢોર જેમ ભેખડ ઉપર પગ ઠેરવવા મથે, તેમ ભદ્રાનું મન એના વિચારો ઠેરવતું હતું. રાતના દસે ઊપડતી ગાડીમાં તો પોતાના માથાની વેણી અને કાંડાંની ચૂડીના કટકા લઈ સ્વર્ગે સંચરેલા સ્વામીનાથને અર્પણ કરવા જવાનું છે. અંધારું થયું, એટલે એની યાદદાસ્ત ઢૂકડા-ઢૂકડા ક્યા ક્યા ને કેટલા કેટલા ઊંડા કૂવાઓ છે તેની ગોત કરવા લાગી. પછી એણે અગાશીની પાળ પરથી નીચે બજારમાં નજર કરી. આંખે તમ્મર આવ્યાં. મન બોલ્યું: 'આ જ ઠીક નથી ?'

એ વખતે થોડે દૂર નેહરુ ચોકમાંથી કાંઈક અવાજો આવ્યા: 'ઝંડા ઊંચા રહે હમારા'નું જોશીલું ગીત: ફટકા અને લાઠીઓની ફડાફડી: ઘોડેસવારોની ને તોપખાનાની દોડાદોડ. કાંઈક તુમુલ કાંડ જામ્યો છે. જગડૂ શેરીના શ્રીમંતો દુકાનો વધાવી લઈ મકાનોમાં પેસી રહેલ છે. એક આગેવાન પોળવાસી ગભરાટભર્યો શેરીમાં ઘેરઘેર જઈને કહી રહેલ છે કે, "મામલો વીફર્યો છે, ભાઈઓ ! નવરોજીના પીઠા પાસે બાઈઓના ચોટલા ઝાલીને સોલ્જરો ભોંય પર ખેંચે છે, ચત્તીપાટ પછાડીપછાડીને બંદૂકને કૂંદે-કૂંદે ગૂંદે છે, ને કહે છે કે ગયે વખતે તો જેલમાં બાયડીઓની બંગડીઓજ ભાંગતા, પણ આ વખતે તો ચોટલા મુંડવાના છે. જોજો, ભાઈઓ, ચેતજો ! જહાનમમાં જાય એ સ્વરાજ ને એ ગાં...'

ટપોટપ જગડૂ શેરીનાં ઘરો બંધ થયાં. પાડોશીઓ આ તોફાન જોવા માટે ભદ્રાના ઘરની અગાશીએ ચડ્યાં, ને એ ભીડાભીડમાં ભદ્રા બહારના દાદરેથી નીચે ઊતરી ગઈ. બહાર નીકળી મકાનને ખૂણે અંધારામાં એક જ પળ ઊભી રહી.

કોઈકોઈ વાર એક યુગ કરતાં એક પળની શક્તિ વધારે હોય છે. એવી પળ એટલે કાળની બંદૂક્માં ઠાંસી-ઠાંસીને ઘરબેલી દારૂગોળી.

વંટોળિયાની ગતિથી ભદ્રા નેહરુ ચોક તરફ ચાલી ગઈ. એના અંગમાં ને અંતરમાં કોઈક અજાણ્યું બળ ફાટફાટ થતું હતું. પહોંચી ગઈ, અને લાકડેઓની ફડાફડીમાં કોણ જાણે ક્યાં ગાયેબ થઈ.

બે જ કલાકમાં પાછી શાંતિ છવાઈ. જગડૂ શેરીના લખપતિ શેઠિયાઓ ઘરની બહાર નીકળીને ખોંખારો ખાઈ વાતો કરવા લાગ્યા કે "આપણી શેરી તો પટારા જેવી છે પટારા જેવી ! અપણું જૂથ કેવું જબ્બર અને એકલો'યું ! આંહી કોઈ ગાંધીનું માણસ ન ઢૂંકે, ન કોઈ મસલમાન ફરકે, કે ન કોઈ પોલીસ આપણું નામ લ્યે. આપને ભલા, ને આપનો ધરમ ભલો ! આપણી બાયડિયુંને ભોળવીને આ ધતિંગમાં ભેળવવા કયો બચ્ચો આંહીં ફાવવાનો હતો !" વગેરે વગેરે ચર્ચા કરતા લોકો હાથમાં ઝાલેલા ડંગોરા પછાડીપછાડી ભસતાં કૂતરાંને વધુ ઉશ્કેરતા હતા. ફરીવાર પાછી એ ઉકરડા ઉપર શૌચ કરતી સ્ત્રીઓની પંગત શરૂ થઈ ગઈ હતી, અને ઉપલે માળે ઊભેલો અનંત બબડતો હતો કે "આંહી તોપ માંડવી જોઈએ - તોપ !"

તે વેળા ઘોડાગાડીવાલો હાજર થયો. અનંત અને બાપુ નીચે ઊતર્યા. બાપુએ બાને કહ્યું: "ચાલો, બેન તૈયાર છે ને ?"

"બેન તો ઉપર હતી ને ?"

"ના, ક્યારે ? જુઓ તો !"

સાદ પાડ્યા. સહુ દોડીને ત્રણેય માળ ફરી વળ્યાં. મોટાભાઈએ તો મેડાનું કાતરિયું પણ તપાસ્યું.

"બેન ક્યાં ?"

એ આખી રાત અનંતે અને બાપુએ આસપાસના છ-સાત કૂવાઓ ઉપર પેટ્રોમેક્સ-બત્તીઓ બાળી, અંદર મીંદડીઓ નંખાવી પાણી ડોળી જોયાં. શ્રીમાળીની ન્યાતમાં ઘેર-ઘેર વાતો ચાલી કે "રાંડ ભાગી ગઈ ! ઠીક થયું ! બહુ ઉફાંદ કાંઈ સારી છે, બાપુ !"

[૩]

સવારના અગિયાર બજે જેલ પર મુલાકાતો શરૂ થઈ હતી. ઓરતોની બુરાકમાં મુકાદમની બૂમ પડી કે "બાઈ ભદ્રાની મુલાકાત !" એક ઘંટી દળાતી હતી, તે અટકી ગઈ. કપાળ અને હાથ ઉપર પાટા વીંટાળેલી ભદ્રાને ધક્કા મારતી ઓરત-મુકાદમ મરિયમ જેલને દરવાજે લઈ આવી. બાપુ અને ભાઈ ભદ્રાની મુલાકતે આવ્યા છે.

"જેલર સાહેબ !" ભદ્રાએ પૂરા તોરથી, વિજયના આનંદે ફૂલી ઊઠતા કંઠનો અવાજ કાઢ્યો: "હું એક મહેરબાની માગું છું. આ એક પડીકું મારા સગાને સુપરત કરવાની રજા આપો. બદલામાં હું બે મણ વધુ જુવાર પીસી દઈશ.

"ઇમેં ક્યા છે ? ખોલો !" ગોરા જેલરે હોકલીના ગોટેગોટા ધુમાડા કાઢતાં -કાઢતાં એની હિન્દી-ગુજરાતીમાં કહ્યું.

પડીકું ખોલાયું: એક વાંભ જેટલો લાંબો, ઘનશ્યામ-રંગી સુંવાળો ચોટલો હતો.

"બાપુ ! ભાઈ ! લ્યો: આજે રાતે જ ગાડીએ ચડજો, ને આ મારા સૌભાગ્યના શણગાર જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી આવજો."

અનંતે એ ચોકડીવાળી સાડીમાં ઢંકાયેલું ભદ્રાનું મૂંડેલું માથું નિહાળ્યું. એના વાનર-હ્રદયને ઓળકોળાંબડે રમવાના બાળ-દિનો યાદ આવી ગયા. લટો વિનાની બહેન એનાથી કલ્પાઈ નહિ.

પણ આ એક જ રાતમાં ભદ્રાની આંખો ફરતી કાળી દાઝ્યો ક્યાં ઊડી ગઈ ? એના ડોળામાં આ દીપ્તી ક્યાંથી ? એના જખમી હાથો કયા જોમે છલકાય છે ? ભાઈ-બાપની પાસે ઊંચી નજર પણ ન કરનાર આ કંગાળ બ્રાહ્મણ-કન્યા આજે પહાડ જેવડા કદાવર અને ગોધા જેવા કરડા જેલર સાથે તડાકા ક્યાંથી કરે છે ?

"લ્યો બાપુ !ભાઈ ! હું રજા લઉં છું. તમને સહુને હવે સંતોષ થવો જ જોઈએ. તફાવત હોય તો એટલો જ કે આ દેહ અને આ ચોટલો મેં બીજાં કોઈને દેવા કરતાં આ જન્મભૂમિને દીધાં - કે જે, કાંઈ નહિ તો, છેલ્લે સાડાત્રણ હાથ જમીન તો આપશે !"

બાપુએ નીચે જોયું.

"ને બાપુ ! આંહીં જ્ઞાતિ નથી; સધવા-વિધવા કે તજાયેલીના ભેદ નથી; કંકુ નથી, ચોટલા નથી. વાઘરણોની સાથે આંહીં રહું છું ને ખાઉં છું, પીઉં છું, હો ! આંહીં તો લીલાલહેર છે."

મરિયમ મુકાદમના ધક્કા ખાતી એ જુવાન બ્રાહ્મણી કોઈ મસ્ત આનંદે મલકતી અદ્રશ્ય થઈ. જીવતરમાં કાંઈક કરી નાખ્યાનો - સમુદ્રની બહોળી છોળોમાં નહાયાનો - એ આનંદ હતો.

હાય ! પટારા જેવી જગડૂશેરી, તિજોરી જેવી શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિ, અને પ્રતાપગઢના માજી વસૂલાતી અધિકારીનું આદ્ય ખોરડું એ ત્રણેયમાં એકાએક આ ગાબડું પાડનારી તોપ ક્યાંથી મંડાઈ ગઈ ! એ વિચાર કરતો પ્રોફેસર અનંત પાછો સૂરત જઈ કૉલેજિયનોની સમે ઇબ્સન ઉપર ભાષણ દેવા લાગ્યો.

રોજ દરવાજે દાખલ થતાં કોઈ કહેતું : "હિચકારો !"

એ તો પેલી વંઠેલી પિકેટર મધુમતી !


Rate this content
Log in

Similar gujarati story from Classics