STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational Children

4  

'Sagar' Ramolia

Inspirational Children

વ્યસન બાદ, તો મન આઝાદ

વ્યસન બાદ, તો મન આઝાદ

2 mins
486

વિ+અશન, ન ખાવાનું ખાવું એ વ્યસન માણસને ગુલામ બનાવે છે. વ્યસન ચોંટી જાય પછી છોડતું નથી. તે માણસને બરબાદી તરફ લઈ જાય છે. પણ જે માણસ દૃઢ નિર્ણયથી તેને દૂર કરવા ઈચ્છે તો વ્યસન દૃઢ નિર્ણય સામે હારી જાય છે.

ભારતના એક લોખંડી અને વીર પુરુષ. બીડી-સિગારેટના ખૂબ બંધાણી. તેના વગર ચાલે જ નહિ. આઝાદીની લડતમાં ઝંપલાવ્યા પછી સુખ-ચેન વગેરે બધું ત્યાગી દીધું હતું, પણ આ બીડી-સિગારેટની ટેવ છૂટી નહોતી. આઝાદીની લડત દરમિયાન અનેક નેતાઓને જેલની સજા થઈ હતી. જેલના ખોરાકની તો વાત જ શી કરવાની હોય ? બપોરે જાડા રોટલા ને દાળ હોય, તો સાંજે રોટલા ને શાક હોય. આ પણ માણસ ખાય એવું તો ન જ હોય, છતાં ખાવું પડે. રોટલામાં કાંકરી પણ હોય. આમ ખાવામાં કંઈ ઠેકાણું ન હોય.

એ દિવસ ૭મી માર્ચ, ૧૯૩૦નો હતો. તે દિવસે ધરપકડ કરીને આપણા અડીખમ વીરને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. તેઓ કંઈ રીઢા ગુનેગાર તો હતા નહિ. આઝાદીની લડતમાં ભાગ લીધો અને લોકોને જાગૃત કરતાં પ્રવચનો કર્યાં. દાંડીકૂચ વખતે પણ તેઓએ આવાં પ્રવચનો કર્યાં. આવાં પ્રવચનોથી લોકોમાં જોમ અને જુસ્સો પેદા થયો. પ્રજા અડીખમ બનતી ગઈ. જે સરકારથી સહન થયું નહિ. તેથી પોલીસે આ વીરની ધરપકડ કરી અને આ વીર જેલમાં પૂરાયો. ત્યાં સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં પ્રાથમિક વિધિ ચાલતી હતી. ત્યારે આ વીરની સિગારેટ-બીડીની ટેવના જાણકાર પોલીસ અધિકારીએ આ વીરને સિગારેટ આપી. વીરે સિગારેટ લેવા માટે હાથ તો લંબાવ્યો, પણ તરત પાછો ખેંચી લીધો. તેમના મનમાં વિચાર આવ્યો કે પછી જેલમાં કયાં સિગારેટ મળવાની છે ? અને તે જ ક્ષણે બીડી-સિગારેટને છોડવાનો દૃઢ સંકલ્પ કરી લીધો અને જિંદગીભર તે નિભાવ્યો. જે માણસ દેશને ગુલામ ન જોઈ શકે, તે આવી આદતના ગુલામ કેમ રહી શકે ? આ દૃઢમનોબળના માલિક હતા સરદાર વલ્લભભાઈ પટેલ.

આજે પણ ઘણા લોકો બીડી, સિગારેટ, દારૂ કે ડ્રગ્સના બંધાણી થઈ જાય છે. પછી તેમાંથી નીકળી શકતા નથી. તેઓનું કહેવું હોય છે કે, જે વ્યસન થઈ જાય, તે છૂટી શકતું નથી. પણ એવું હોતું નથી. આપણું મન મક્કમ હોય, તો ગમે તેવું વ્યસન ક્ષણમાં છોડી શકાય છે. તો તૈયાર થઈ જાઓ વ્યસન છોડવા. તમે પણ બચો અને સૌને બચાવો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational