વૃદ્ધ હંસની દૂરદર્શિતા
વૃદ્ધ હંસની દૂરદર્શિતા
વૃદ્ધ હંસની દૂરદર્શિતા
એક વિશાળ, છાયાદાર વનરાજ્યના મધ્ય માં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ ઊભું હતું. તેની ડાળીઓ આકાશને વીંધીને ઊંચે જતી અને તેનાં પાન હવાની લહેર સાથે નૃત્ય કરતાં. આ વૃક્ષ પર સેંકડો હંસોનું એક સુખી કુટુંબ વસતું હતું. તેઓ સવારે આકાશમાં પાંખો ફેલાવીને ઊડતા, દિવસે તળાવમાં રમતા અને સાંજે પાછા આવીને વાતો કરતા. આ કુટુંબમાં એક અત્યંત વૃદ્ધ, બુદ્ધિમાન અને દૂરદર્શી હંસ હતો જેને સૌ ‘પ્રજ્ઞાવાન દાદા’ કહીને બોલાવતા. તેની આંખોમાં અનુભવની જ્યોત હતી અને વાણીમાં વેદની ગંભીરતા. દરેક હંસ તેનો આદર કરતો અને કોઈ પણ સંકટમાં તેની સલાહ લેતા.
चिन्तनीया हि विपदां आदावेव प्रतिक्रिया।
न कूपखननं युक्तं प्रदीप्ते वह्निना गृहे।।
વિપત્તિઓ (સંકટો) માટે પ્રતિક્રિયા (ઉપાય કે જવાબ) ને વિપત્તિ આવે તે પહેલાં જ વિચારવી જોઈએ. જ્યારે ઘરમાં આગ લાગી ગઈ હોય ત્યારે કૂવો ખોદવાનું યોગ્ય નથી.
એક સવારે, જ્યારે સૂર્યનાં કિરણો પીપળાના તળિયે સોનેરી ઝાકળ પાથરી રહ્યાં હતાં, ત્યારે પ્રજ્ઞાવાન દાદાએ નીચે એક નાનીસી વેલને જોઈ. તે વેલ તણામાં લપેટાઈને ધીમે ધીમે ઊંચે ચડી રહી હતી. તેના પાંદડાં નાનાં અને નિર્દોષ લાગતાં હતાં, જાણે કોઈ નિર્દોષ બાળક વૃક્ષને આલિંગન કરતું હોય. પરંતુ દાદાની આંખે કંઈક ભયંકર એંધાણ દેખાયું. તેણે તરત જ બધા હંસોને બોલાવ્યા અને ગંભીર સ્વરે કહ્યું, “મિત્રો, આ નાની વેલનો હમણાં જ નાશ કરી નાખો. એક દિવસ આ જ વેલ આપણ ને સૌને મૃત્યુના મુખમાં ધકેલી દેશે.”
એક યુવા તાકતવર હંસ હસી પડ્યો. તેની આંખોમાં યુવાનીનો અને તાકાત નો અહંકાર પ્રગટતો હતો. “દાદા, આ નાનીસી વેલ આપણને મૃત્યુ કેવી રીતે આપી શકે? તમે તો વાતને વધારે પડતી લાંબી કરી રહ્યા છો કાગ નો વાગ કરો છો તે યોગ્ય નથી!”
પ્રજ્ઞાવાન દાદાએ ધીરજપૂર્વક સમજાવ્યું:
“આજે તમને આ વેલ નાની લાગે છે, પરંતુ ધીમે ધીમે તે વૃક્ષના સમગ્ર તણામાં લપેટાઈને ઊંચે સુધી ચડી જશે. તેનો તણો મોટો થશે અને વૃક્ષ સાથે જોડાઈ જશે. ત્યારે આ વેલ જ એક મજબૂત સીડી બની જશે. કોઈ પણ બહેલિયો
(શિકારી) આ સીડી પર ચડીને આપણા સુધી પહોંચી જશે અને આપણને મારી નાખશે.”
बुद्धिमान् दूरमवलोकयति यत् भविष्यति तत्प्रति ।
मूर्खस्तु वर्तमानेन सन्तुष्यति नित्यम् ॥
બુદ્ધિમાન વ્યક્તિ દૂર સુધી જુએ છે અને જે ભવિષ્યમાં થવાનું છે તેના પ્રતિ (તેના વિશે) વિચારે છે. મૂર્ખ વ્યક્તિ તો માત્ર વર્તમાનથી જ હંમેશાં સંતુષ્ટ રહે છે.
પરંતુ યુવા હંસો હસ્યા. એકે કહ્યું, “દાદા તો પોતાની અક્કલનો પ્રભાવ દેખાડવા અગડમ બગડમ વાતો કરે છે.” બીજાએ કહ્યું, “એક નાની વેલ કેવી રીતે સીડી બને?” ત્રીજાએ તો સીધું જ કહ્યું, “આ તો દાદાની તથ્યહીન કલ્પના છે!” આમ કોઈએ પણ તેમની વાતને ગંભીરતાથી ન લીધી.
“વડીલનું વચન અને અનુભવ વેદ વાણી સમાન છે, પણ મૂર્ખને તે કાને પણ ન પડે.”
સમય વીતતો ગયો. વર્ષાઓ આવી, પવનો વીઝ્યા, પાનખરે પાંદડાં ખર્યાં અને નવા વસંતે ફૂલો ખીલ્યાં. તે નાની વેલ ધીમે ધીમે વૃક્ષના તણા (થડ) પર ચડી ગઈ. તેનો તણો મોટો અને મજબૂત થયો. તે વૃક્ષની ડાળીઓ સુધી પહોંચી અને સાચે જ એક સીડી બની ગઈ. હવે કોઈ પણ માણસ સરળતાથી ચડી શકે તેમ હતું.
બધા હંસોની આંખોમાં પારાવાર પસ્તાવો છવાઈ ગયો. નાની વેલ ને તે વખતે ધારત તો જડ માંથી કાઢી સકત પરંતુ હવે વેલ એટલી મજબૂત બની ગઈ હતી કે તેને કાપવું હંસોના બસની વાત નહોતી. ત્યારે તેમણે યાદ કર્યું કે “જેમ વૃક્ષની છાયા વગર ફળ આપે છે, તેમ વડીલો વગર આર્થિક સહાય આપે છે પણ અનુભવનો ખજાનો આપે છે.”
એક દિવસ, જ્યારે બધા હંસો દાણા ચણવા બહાર ગયા હતા, ત્યારે એક ચાલાક બહેલિયો ત્યાં આવી પહોંચ્યો. વેલની સીડી જોઈને તેની આંખો ચમકી ઊઠી. તેણે તરત જ વૃક્ષ પર ચડીને જાળ બિછાવી અને ચાલ્યો ગયો.
સાંજે હંસો પાછા આવ્યા. જાળમાં ફસાઈ ગયા. તેઓ ફડફડાવા લાગ્યા, પરંતુ કંઈ વળ્યું નહીં. ત્યારે તેમને પ્રજ્ઞાવાન દાદાની બુદ્ધિમત્તા અને દૂરદર્શિતાનો અહેસાસ થયો. બધા લજ્જિત થઈ ગયા અને પોતાને કોસવા લાગ્યા.
પ્રજ્ઞાવાન દાદા રૂષ્ટ હતા અને ચૂપચાપ બેઠા હતા. એક હંસે હિંમત કરીને કહ્યું, “દાદા, અમે મૂર્ખ હતા. હવે અમારાથી મોં ન ફેરવો.” બીજાએ કહ્યું, “આ સંકટમાંથી મુક્તિનો માર્ગ તમે જ બતાવી શકો છો. આગળથી અમે તમારી કોઈ વાત નહીં ટાળીએ.” બધાએ હા પાડી.
ત્યારે દાદાએ કહ્યું: “સાંભળો. સવારે જ્યારે બહેલિયો આવશે ત્યારે મૃત્યુનો નાટક કરો. તે તમને મૃત સમજીને જાળમાંથી કાઢીને જમીન પર મૂકશે. ત્યાં પણ મૃત જેવા આંખો બંધ કરી પડ્યા રહો. જેવો છેલ્લો આપનો હંસ ભાઈ નીચે મૂકે કે તરત જ હું સીટી વગાડીશ. સીટીની સાથે જ બધા ઊડી જાજો.”
बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् ।
पश्य सिंहो मदोन्मत्तः शशकेन निपातितः ॥
જેની પાસે બુદ્ધિ છે તેનું જ બળ છે. જેની પાસે બુદ્ધિ નથી તેનું બળ ક્યાં? (અથવા બુદ્ધિ વિનાનું બળ માત્ર શ્વાસ લેવા જેવું છે – નિરર્થક).
સવારે બહેલિયો આવ્યો. હંસોએ દાદાની સલાહ પ્રમાણે મૃત્યુનો નાટક કર્યું. બહેલિયો તેમને મૃત સમજીને એક પછી એક જાળમાંથી કાઢીને જમીન પર પટકતો ગયો. છેલ્લો હંસ નીચે મૂકતાં જ પ્રજ્ઞાવાન દાદાએ સીટી વગાડી. તરત જ સૌ હંસોએ પાંખો ફેલાવી અને આકાશમાં ઊડી ગયા. બહેલિયો અવાક્ થઈને જોતો રહી ગયો.
વૃદ્ધજનો ઘરના રત્ન છે, અનુભવની જ્યોત છે તેઓ,
સલાહ તેમની અમૃત સમાન, જીવનનો માર્ગ દેખાડે છે,
પીપળા જેવા ફળ વગર પણ છાયા આપે છે તેઓ,
સન્માન કરો તેમનું, સુખની વર્ષા વરસાવે છે તેઓ.
વરિષ્ઠજન ઘરની ધરોહર છે. તેઓ આપણા સંરક્ષક અને માર્ગદર્શક છે. જેમ આંગણામાં પીપળાનું વૃક્ષ ફળ તો નથી આપતું, પરંતુ છાયા તો અવશ્ય આપે છે, તેમ જ ઘરના વડીલો આર્થિક સહાય તો નથી કરી શકતા, પરંતુ તેમના અનુભવ અને સંસ્કારો આપીને જીવનને સમૃદ્ધ કરે છે.
બુદ્ધિમાન દાદાની વાતને અવગણનારા હંસોને પસ્તાવો થયો અને તેમણે સમજ્યું કે “વડીલો કૂડા-કરકટ નથી જેને ઘરમાંથી ફેંકી દેવા જોઈએ. હકીકતમાં તેઓ તો ઘરની શાન છે, ઘરનું ગૌરવ છે. વૃદ્ધોની સલાહને ક્યારેય હલકી ન સમજવી. તેમનું આદર કરવું એ જ સાચો ધર્મ છે.
