એક વિશ્વાસની કસોટી
એક વિશ્વાસની કસોટી
એક વિશ્વાસની કસોટી
અમદાવાદ શહેરમાં રહેતો અનિરુદ્ધ દેસાઈ નામનો એક સંસ્કારી અને શાંત સ્વભાવનો માણસ હતો. જીવનમાં સંતોષ, ઘર માં સુખ અને પત્ની કાવ્યા સાથેનો પ્રેમ ભર્યો સંબંધ — બસ એ જ તેની સંપત્તિ હતી.
જૂના લોકો કહે છે: “વિશ્વાસ હોય ત્યાં ઘર હોય, અને શંકા હોય ત્યાં માત્ર કંકાશ.”
એક દિવસ અનિરુદ્ધ પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા જોઈ રહ્યો હતો. અચાનક તેને એક અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ દેખાઈ. નામ હતું — નંદિતા શાહ.
અનિરુદ્ધ થોડો ચકિત થયો. સામાન્ય રીતે તેને પુરુષોની જ રિક્વેસ્ટ આવતી. પણ આ વખત કોઈ અજાણી સ્ત્રીએ મિત્રતા માગી હતી. તેણે સાવચેતીપૂર્વક તેનું પ્રોફાઇલ ખોલીને જોયું.
મિત્રોની યાદી ખાલી.
પ્રોફાઇલ ફોટો નહોતો.
પોસ્ટ પણ બહુ ઓછી.
અનિરુદ્ધના મનમાં શંકા ઊભી થઈ.
એ સમયે તેને ગીતા નો એક શ્લોક યાદ આવ્યો:
“संशयात्मा विनश्यति।”
જે મનુષ્ય હંમેશા શંકામાં રહે છે તે અંતે પોતાના નિર્ણયની શક્તિ ગુમાવી બેસે છે.
અનિરુદ્ધે વિચાર્યું — કદાચ નવું એકાઉન્ટ હશે. અંતે તેણે રિક્વેસ્ટ સ્વીકારી લીધી.
થોડી જ વારમાં મેસેજ આવ્યો —
“આભાર… મિત્રતા સ્વીકારવા બદલ.”
"तदा तदीयं वदनं विलासात्, साऽऽतपत्रा स्रविनीव वामः।
जहार कस्यापि न हृतविद्यं, मतिं स्मराधिष्ठितवत्सरस्य॥" कालिदास
ત્યારે તેનું મુખ વિલાસ અને ચંચળતાથી એટલું સુંદર લાગતું હતું કે જાણે તે છત્ર લઈને ઊભી હોય અને ડાબી તરફથી અમૃત કે મદિરા ટપકાવતી સુંદરી જેવી દેખાતી હોય.
તેણે વસંત ઋતુમાં વિરાજમાન કામદેવની જેમ, ગમે તેવા અજેય મનવાળાનું પણ ચિત્ત હરી લીધું.
કાલિદાસ નું કહેવું એ છે કે સ્ત્રી નું હાસ્ય અશક્ય કામ પણ પાર પાડી શકે છે.
પછી ધીમે ધીમે અનિરુદ્ધની દરેક પોસ્ટ પર લાઈક અને ટિપ્પણીઓ આવવા લાગી.
માનવ સ્વભાવ અજીબ છે. કોઈ આપણું ધ્યાન રાખે, આપણી વાતને કદર આપે — તો દિલ તરત લીલો બગીચો થઇ જાય. પાનખરમાં વસંત ચવાઈ જાય.
કેટલાક દિવસો બાદ વાતો થોડી વ્યક્તિગત થવા લાગી.
એક દિવસ મેસેજ આવ્યો:
“તમે તમારી પત્નીને પ્રેમ કરો છો?”
અનિરુદ્ધે તરત જવાબ આપ્યો:
“હા, ખૂબ પ્રેમ કરું છું.”
થોડીવાર શાંતિ રહી.
બીજા દિવસે ફરી મેસેજ આવ્યો:
“તમારી પત્ની ખૂબ સુંદર હશે ને?”
અનિરુદ્ધ હસ્યો અને લખ્યું:
“હા, ખૂબ સુંદર છે.”
ત્રીજા દિવસે પ્રશ્ન આવ્યો:
“તમારી પત્ની સારું રસોઈ બનાવે છે?”
અનિરુદ્ધે ગર્વથી લખ્યું:
“ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.”
તે સમયે તેના મનમાં એક ભાવ જાગ્યો. તેને એક શ્લોક યાદ આવ્યો:
“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।”
જે ઘર માં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે.
થોડા દિવસ પછી નંદિતા અચાનક ગાયબ થઈ ગઈ.
જીવન ફરી સામાન્ય બની ગયું.
પણ એક દિવસ સવારે અચાનક મેસેજ આવ્યો —
“હું સુરત આવી છું. શું તમે મને મળશો?”
અનિરુદ્ધે જવાબ આપ્યો:
“હા, મળી શકું.”
નંદિતાએ કહ્યું:
“તો પછી સેન્ટ્રલ મોલમાં આવો. આપણે મળીએ અને સાથે ફિલ્મ પણ જોઈએ.”
અનિરુદ્ધ થોડું વિચારીને બોલ્યો:
“ના… તમે મારા ઘરે આવો. મારી પત્ની પણ તમને મળીને ખુશ થશે.”
પણ સામે થી જવાબ આવ્યો:
“હું તમારી પત્ની સામે નથી આવતી. આવવું હોય તો મોલમાં આવો.”
અનિરુદ્ધે ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો.
કારણ કે તેને ખબર હતી —
“જ્યાં પારદર્શિતા હોય ત્યાં જ સંબંધ ટકતા હોય.”
અંતે તેણે લખ્યું:
“જો મળવું હોય તો મારા પરિવાર સામે જ મળો. નહિતર મને માફ કરશો.”
નંદિતા ગુસ્સે થઈ ગઈ. અને ઓફલાઈન થઈ ગઈ.
સાંજે અનિરુદ્ધ ઘરે આવ્યો.
ડાઈનિંગ ટેબલ પર અદ્ભુત ભોજન તૈયાર હતું —
ખુરમા-પૂરી, શ્રીખંડ, અને ગરમ ફૂલકા.
તે આશ્ચર્યચકિત થઈ ગયો.
“આજે કોઈ મહેમાન આવે છે શું?” — તેણે પૂછ્યું.
કાવ્યા હળવું સ્મિત કરીને બોલી:
“હા… નંદિતા શાહ આવે છે.”
અનિરુદ્ધના હાથમાંથી મોબાઈલ સરકી ગયો.
“શું?!”
“તમે તેને કેવી રીતે ઓળખો છો?”
કાવ્યા હસવા લાગી.
“થોડું ધીરજ રાખો મહાશય…નંદિતા શાહ કોઈ બીજી નથી… હું જ હતી.”
અનિરુદ્ધ ચકિત થઈ ગયો.
કાવ્યાએ કહ્યું: “હું માત્ર એક વાત તપાસવા માગતી હતી —મારો જીવનસાથી કેટલો વિશ્વાસુ છે.”
પછી ધીમે બોલી: “આજે તમે મારી પરીક્ષા પાસ કરી છે.”
તે ક્ષણે ઘરમાં એક અદ્ભુત શાંતિ પ્રસરી ગઈ.
અનિરુદ્ધની આંખોમાં કૃતજ્ઞતા હતી.
તેના હૃદયમાં એક ભાવ કવિતાના રૂપમાં ઝળહળી ઉઠ્યો:
વિશ્વાસનો દીવો પ્રગટે જ્યારે,
શંકાના વાદળો વિખરે જાય;
સાચા પ્રેમના પવિત્ર ઘરમાં,
દેવતાઓ પણ વસવા આવે.
કાવ્યાએ હસતાં કહ્યું:
“ચાલો, હવે મારા સાચા જીવનસાથી… ભોજન ઠંડું થઈ રહ્યું છે.”
એ ક્ષણે અનિરુદ્ધને સમજાયું —
“પ્રેમ માત્ર શબ્દ નથી, તે પરીક્ષાઓમાંથી પસાર થયેલી સચ્ચાઈ છે.”
અને જીવનની એક પ્રાચીન કહેવત ફરી સાચી સાબિત થઈ:
“સાચો સાથી એ જ, જે ગેરહાજરીમાં પણ વફાદાર રહે.”
આ કથા માત્ર એક દંપતીની નથી.
આ વિશ્વાસ, સત્ય અને સંબંધની મજબૂતીની કથા છે.
કારણ કે અંતે —
“સંબંધોને બચાવતી સૌથી મોટી શક્તિ પ્રેમ નથી…પણ વિશ્વાસ છે.”
ચાલો એક ગુપ્ત વાત કહી દઉં. જાહેરમાં કહું છુ ખાનગી રાખજો. થોડા સમય પહેલા મોકો મળ્યો ત્યારે જો મેં પત્નીનો મોબાઈલ ચેક કર્યો ન હોત, તો આજે આ પોસ્ટ કરવા લાયક પણ બચ્યો ન હોત, મિત્રો.
જોડી ભગવાને બાનાવેલ છે, તેમાં ખલેલ ના નાખશો.
सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी,
सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः।
खाद्यं च सुधायुधं सकलत्रः नित्यं यस्य गृहे,
धन्यो गृहस्थाश्रमः॥
જે ઘરમાં આનંદ હોય, બુદ્ધિશાળી પુત્રો હોય, પત્ની મીઠું અને પ્રિય બોલનારી હોય, સારા મિત્રો હોય, ધન હોય, પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને રતિ (આસક્તિ) હોય, સેવકો આજ્ઞાપાલક હોય, રોજ સુધા જેવું (અમૃતવત્ સ્વાદિષ્ટ) ભોજન અને સકલ પરિવાર સાથે નિત્ય ભોજન થતું હોય – એવા ગૃહસ્થાશ્રમને ધન્ય છે.
