STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

કાકુ કાગડાની વાર્તા

કાકુ કાગડાની વાર્તા

3 mins
0

 

કાકુ કાગડાની વાર્તા

એક કાળા કાગડાની આ કથા તમને તુલનાના વિષમાંથી મુક્ત કરશે અને સંતોષના અમૃતનો સ્વાદ આપશે – વાંચશો તો હૃદય ખીલી જશે અને જીવનની સાચી સુંદરતા સમજાશે!


એક વખતની વાત છે, ઘીચ જંગલમાં એક કાગડો રહેતો હતો, જેનું નામ હતું કાકુ. તેના પીંછા કાળા કાજળ જેવા, આવાજ કર્કશ અને દેખાવ સાદો. એક દિવસ સવારે, સૂર્યના પ્રથમ કિરણો જંગલને સોનેરી રંગે રંગતા હતા ત્યારે કાકુ એક વૃક્ષની ડાળ પર બેઠો બેઠો વિચારવા લાગ્યો: "આ જગતમાં હું જ સૌથી કુરૂપ છું. મારા પીંછા કાળા, મારી અવાજ કર્કશ, કોઈ સુંદરતા નથી. કોઈને ગમતો નથી હું જીવી શું કરું?"

આ વિચારો તેના હૃદયમાં વિષ જેવા ઘૂસી ગયા. દિવસે દિવસે તે ઉદાસ રહેવા લાગ્યો. ખાવાનું ભૂલી જતો, ઊડવાનું મન નહીં થતું. જંગલના અન્ય પક્ષીઓ તેને જોઈને કહેતા, "કાકુ, તારું શું થયું છે? આમ ખોવાયેલો ને ઉદાસ કેમ રહે છે?"

કાકુ કાઈ જવાબ ના આપે. પારકે ભાણે મોટો લાડુ.

એક દિવસ, સફેદ પીંછાવાળો બગલો શ્વેત ત્યાંથી પસાર થતો હતો. તેણે કાકુને ઉદાસ જોયો તો પૂછ્યું, "મિત્ર, આવી વસંતની સુગંધમાં પણ તું ઉદાસ કેમ?"

કાકુએ નિ:સ્વાસ મૂકીને કહ્યું, "શ્વેત, તું કેટલો સુંદર છે! તારા સફેદ પીંછા આકાશ જેવા. તારો રંગ જોઈ તને પ્રેમ કરવાનું મન થઇ જાય. આમ જો મારું જીવન તો વ્યર્થ છે, કાળું છે."

શ્વેત હસ્યો અને બોલ્યો, "મિત્ર, હું ક્યાં સુંદર? જ્યારે હું મધુર પોપટને  જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી પાસે તેના જેવા લીલા પીંછા અને લાલ ચાંચ કેમ નથી? મને પણ આવો વિવહાર આવે છે."

संतोषामृततृप्तानां नित्यं कल्याणचिन्तकाः ।
क्षुधिता नापि जानन्ति विषयान् सुखसम्पदम् ॥ ભર્તૃહરિ

જે વ્યક્તિઓ સંતોષ રૂપી અમૃતથી પૂર્ણપણે તૃપ્ત થયેલા છે, તેઓ હંમેશાં પરોપકાર અને બીજાના કલ્યાણનો જ વિચાર કરે છે. તેનાથી વિપરીત, જેઓ લોભ અને વાસનાઓથી સદાય ભૂખ્યા (અતૃપ્ત) રહે છે, તેઓ ભૌતિક વિષય-ભોગોમાં જ અટવાયેલા રહે છે અને ક્યારેય સાચા સુખ કે આત્મિક સંપત્તિને સમજી શકતા નથી.

આ સાંભળી કાકુના મનમાં સુંદરતાની ઉત્સુકતા જાગી. તેને લાગ્યું બગલાથી પણ ઉપર કોઈ છે. સુંદરતા વિશે. તે મધુર પોપટ ની શોધમાં ઊડ્યો. મધુર પોપટ તો  એક આંબાના ઝાડ પર બેઠો હતો, રંગબેરંગી લીલા પીંછાઓથી ઝળહળતો.

કાકુએ કહ્યું, "મધુર, તું એટલો સુંદર છે, તારો લીલો રંગ, લાલ ચાંચ. આહાહા...આમ તું તો હંમેશા ખુશ જ હશે!"

મધુરે નિ:સ્વાસ મૂક્યો, "હું ખુશ તો હતો, પણ જ્યારથી મેં મયૂર મોરને જોયો છે, ત્યારથી મારું હૃદય દુઃખી છે. તેની પીંછ પર ઇન્દ્રધનુષના રંગો છે! જેમ જેમ તે કળા કરે તેમ તેમ વિવિધ રંગો માં સુંદરતા ઢોળતો જાય. બધા ને આકર્ષિત કરે. તેને લીધે તો તે ભારતનું રાષ્ટ્રીય પક્ષી બન્યું છે."

आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો (૨.૭૦)

જેમ સમુદ્ર પૂર્ણ થતો હોવા છતાં સ્થિર રહે છે અને નદીઓના પાણી તેમાં સમાઈ જાય છે, તેમ જે વ્યક્તિ તમામ કામનાઓને સ્વીકારે છે પણ અસ્થિર થતો નથી, તેને જ શાંતિ મળે છે, કામનાઓની પાછળ દોડનારને નહીં.

હવે આ વાત કાકુ ને કોણ સમજાવે?

કાકુ હવે મયૂર મોરને શોધવા નીકળ્યો. જંગલમાં ફર્યો, પણ મયૂર મળ્યો નહીં. અન્ય પક્ષીઓએ કહ્યું, "બધા મોરોને પ્રાણીઘરવાળાઓ પકડીને લઈ ગયા છે."

કાકુ પ્રાણીઘર પહોંચ્યો. એક લોખંડના પિંજરામાં એક સુંદર મયૂર મોર  બેઠો હતો. તેના પીંછા ઝળહળતા હતા, પણ આંખોમાં દુઃખના આંસુ હતા.

કાકુએ કહ્યું, "મયૂર, તું કેટલો સુંદર છે!"

મયૂર રડી પડ્યો અને બોલ્યો, "કાકુ, તું અભાર માન કે તું સુંદર નથી. તેથી જ તું આકાશમાં મુક્તપણે ઊડે છે. મારી જેમ પિંજરામાં તું બંધ નથી!"

आत्मानं तुलयेत् प्राज्ञः  तु परं तुलयेत् कदाचित् । ચાણક્ય

બુદ્ધિમાન વ્યક્તિ પોતાની સાથે તુલના કરેપરંતુ કદી અન્ય સાથે નહીં.

 

"પોતાને પોતાની સાથે તોલીએ તો વિકાસ થાય, બીજાની સાથે તોલીએ તો દુઃખ વધે."


અહીં કાકુને હવે સમજ પડી. તે વૃક્ષ પર પાછો આવ્યો અને આકાશ તરફ જોઈને કહ્યું”  

કાળા પીંછે ઊડે જે, તેનું હૃદય સ્વચ્છ હોય,

કર્કશ સ્વરે ગાયે જે, તેની સેવા સદા હોય.

સુંદરતા બહાર નહીં, અંદરથી ઝળહળે,

સંતોષે જીવન જીવે તે, કદી ન દુઃખે ડહોળે.

આ ઘટના પછી કાકુએ કદી તુલના ન કરી. તે જંગલના અન્ય પક્ષીઓને મદદ કરવા લાગ્યો – બીજ વેરવા, સંકટમાં સાથ આપવા. તેના કાર્યોથી તે સાચી સુંદરતા બની ગયો.

સુંદરતા જેટલી બાહાર આકર્ષક છે તેનાથી વધારે આંતરિક ગુણો ની છે. બહારની સુંદરતા તો ઉમર વધતાની સાથે ખલાશ થઇ જશે અને આંતરિક ગુણો ની સુંદરતા ચિરંજીવી બની રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational