વિવિધતામાં એકતા
વિવિધતામાં એકતા
સીમા ઘરનું કામ પતાવીને શાક લેવા માટે બજાર તરફ જઈ રહી હતી. સમય હતો લગભગ સવારના ૮:૪૫ આજુબાજુનો. ચાલતાં ચાલતાં તેને અચાનક એવું લાગ્યું કે જાણે જમીન હલી રહી હોય. થોડીવાર તો તેને કંઈ સમજાયું નહીં, કે આવું કેમ થાય છે ? તે જમીન પર બેસી ગઈ. તેને એમ કે કદાચ ચક્કર આવતાં હશે, તો પાંચ મિનિટ બેસી જાઉં તો સારું થઈ જાય. પરંતુ જેવી તે બેસવા ગઈ, તેની નજર સામે આખી બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ. આ જોઈને સીમા ખૂબ જ ડરી ગઈ. શું કરવું તેની ખબર જ ન પડી. તે બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા તરફ ભાગી અને એકબાજુ જઈને ઊભી રહી. ફક્ત ૨મિનિટમાં તો જ્યાં ઊંચી ઊંચી બિલ્ડિંગ હતી, ત્યાં મેદાન થઈ ગયું. ધૂળના ગોટે ગોટા હવામાં ઊડવા લાગ્યા. લોકોની ચિચિયારીઓ અને આક્રંદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. કોઈ કંઈ વિચારે તે પહેલાં તો આખું ચિત્ર જ બદલાઈ ગયું. આખું શહેર કાટમાળમાં ફેરવાઈ ગયું. તે દિવસ હતો ૨૬ જાન્યુઆરી ૨૦૦૧, સમય સવારનાં ૮:૪૬, અને ઘટના હતી, "કચ્છનો ભૂકંપ".
ભૂકંપ શબ્દ સાંભળતા જ આપણી નજર સમક્ષ એટલા ભયંકર દૃશ્યો આવી જાય છે કે તેને યાદ કરવા પણ કોઈ તૈયાર નથી. ત્યાં દરેક વ્યક્તિએ પોતાના સ્વજનોને ઘુમાવ્યા હતાં. માતાએ પોતાની નજર સમક્ષ બાળકને કાટમાળમાં દબાઈ જતો જોયો હતો, તો પિતાએ પોતાની પુત્રીને ફલેટમાંથી નીચે પડતાં જોઈ હતી. પતિ પોતાની પત્નીનો હાથ પકડીને ઘરની બહાર ભાગતો હતો, ત્યાં જ અચાનક બિલ્ડિંગ પડ્યું અને તેના હાથમાં તેની પત્નીનો માત્ર હાથ રહી ગયો, એ પણ કોણી સુધીનો જ. આવા ભયાનક દૃશ્યો વિશે આપણે વિચારી પણ નથી શકતાં, તો સીમા અને તેના જેવા બીજા લોકો જે ભચાઉના જ રહેવાસી છે, તેમની શું પરિસ્થિતિ થઈ હશે તેનો વિચાર માત્ર અનુકંપા લાવી દે તેવો છે.
૨ મિનિટ બાદ બધું શાંત થયું કે તરત જ સીમા પોતાના ઘર તરફ ભાગી. તેણે જોયું તો પોતાનું ઘર પણ ઓળખાય તેમ નહોતું. તેણે પોતાના બધા જ સ્વજનો ગુમાવ્યા હતાં. ત્યાં ઊભેલી દરેક વ્યક્તિએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં. ના કોઈ ધર્મ હતો, ના કોઈ નાતજાત કે ના કોઈ ઊંચનીચ. દરેક વ્યક્તિએ આ ભૂકંપમાં કંઈક તો ખોયું જ હતું. સીમાએ તેની બહેનપણીઓને ફોન કર્યો. બધાની પરિસ્થિતિ સરખી જ હતી. હવે જે બચ્યા હતાં તેમને જ એકબીજાનો સહારો હતો. સીમા અને તેની બહેનપણીઓ, બધા એક જગ્યાએ ભેગા થયા અને એક ટીમ બનાવી. જે લોકો બચી ગયા હતાં, તેમને કંઈક કરીને બહાર કાઢવા માટે. સીમા અને તેની બહેનપણીઓનું કામ હતું, જ્યાં કોઈ પણ જીવતું દેખાય, કોઈનો પણ અવાજ સંભળાય તો તરત જ બીજી ટીમને માહિતી આપવાની. આ કાર્યમાં બધા જ જોડાઈ ગયા. ન કોઈએ પોતાની જાત જોઈ, ના ધર્મ.
આખા દેશમાંથી મદદ તો મળવા લાગી હતી, પરંતુ પહેલા ૨૪ કલાક જે ભચાઉના લોકોએ એકબીજાની મદદ કરી છે, તેને શબ્દોમાં વર્ણવવી લગભગ અશક્ય છે. કોઈએ પોતાનો ધર્મ જોયો નથી કે હું આ ધર્મનો છું, તો ફક્ત તે ધર્મના લોકોને જ બચાવું. બીજા ધર્મના લોકો મારા દુશ્મન છે, તેવો વિચાર સુધ્ધા કોઈએ કર્યો ન હતો. ત્યારે ભારત દેશની ખરી માનવતા દેખાઈ હતી. ત્યારે એમ લાગ્યું કે ખરેખર ભારતમાં વિવિધતામાં એકતા ખાલી કહેવા પૂરતું નથી, લોકો જરૂર પડ્યે તેને આચરણમાં પણ મૂકે છે. દરેક ધર્મ તેમજ સંપ્રદાયના મદદ માટે લંબાવેલા હાથે, ભચાઉ ને થોડાક જ મહિનાઓમાં ફરીથી બેઠું કરી દીધું. આજે ભચાઉ ને જોઈને કોઈ ના કહી શકે કે ત્યાં આટલી મોટી હોનારત થઈ હશે. આ જ પ્રમાણ છે ભારતની "વિવિધતામાં એકતા" નું.
