વિશ્વાસઘાત
વિશ્વાસઘાત
" આ ઘરેણાં મારાં મમ્મી-પપ્પાએ મારાં લગ્ન માટે વિદાય વખતે આપવા માટે વર્ષો પહેલાંથી ઘડાવીને તૈયાર રાખ્યાં છે. તું આને સાચવીને રાખજે.આપણે કપરાં સમયમાં કામ આવશે." નિશાએ ઘરેણાનું પોટલું રાકેશના હાથમાં રાખીને કહ્યું.
" હાં હું એને એકદમ સાચવીને રાખીશ. તું કાલે સાત વાગ્યે બસ સ્ટેન્ડ પર પહોંચી જજે હું ત્યાં તારી રાહ જોઈને ઊભો હશે. આપણાં પરિવારનાં સભ્યો આપણાં લગ્ન કોઈપણ સંજોગોમાં નહીં કરાવે. આથી આપણે મુંબઈ જઈને લગ્ન કરીને ખુશીથી રહેશું. " રાકેશે પોતાનો હાથ નિશાના હાથમાં મૂકતાં કહ્યું. આટલી વાત કરીને બંને ત્યાંથી છુટાં પડ્યાં. નિશા વહેલી સવારે ઊઠીને તૈયાર થઈને બસ સ્ટેન્ડે પહોંચી ગઈ. થોડીવાર રાહ જોઈ છતાં રાકેશ ત્યાં દેખાયો નહીં. એને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન બંધ આવતો. નિશાને બસ સ્ટેન્ડ ઊભાં રહેતાં સાંજનાં પાંચ વાગ્વા આવ્યાં હતાં.
" હેલ્લો ! દગાખોર આ તે મને ખોટાં ઘરેણાં આપ્યાં છે. " રાકેશે ગુસ્સેથી ફોનમાં કહ્યું. " તું દગાખોર નીકળીશ એ વાતની જાણ મને અગાઉથી હતી. પરંતુ મારે એની ખાત્રી કરવી હતી. આજે એ સાબિત થઈ ગયું કે તે ફક્ત પૈસા માટે મારી લાગણીઓ સાથે રમત કરી હતી. હવે કોઈ દિવસ મારો સંપર્ક નહીં કરતો. વિશ્વાસઘાતી. " આટલું કહીને નિશા પોતાનાં ઘરે પરત ફરી.
