Dip Parmar

Drama Romance

3  

Dip Parmar

Drama Romance

વિલ યુ બી માય વેલેન્ટાઈન ?

વિલ યુ બી માય વેલેન્ટાઈન ?

9 mins
620


"મમ્મી મારે આજે નથી ખાવું" એમ કહીને કેતન એના રૂમમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો.

"પાછું સુ થયું આ છોકરાને?" કેતનની મમ્મી હળવી ચિંતાના સ્વરે બોલી.

"હશે કાંઈક. ભૂખ નહિ હોય.. મને તો બહુ ભૂખ લાગી છે મને તો ખાવાનું આપ" કેતનના પપ્પાના પેટમાં ઉંદર દોડતા હતા..

" હા આપું છું થોડી શાંતિ તો રાખો..પણ કેતુ આટલો ગુસ્સામાં કેમ છે.. સવારે તો કહ્યું હતું કે કારેલા બનાવીશ ત્યારે તો હા પાડી હતી અત્યારે શુ થયું અચનાક.. તબિયત તો સારી છે ને કેતુ?"

પણ અંદરથી કોઈ અવાજ ના આવ્યો. કેતન અંદરથી બધું સાંભળી રહ્યો હતો પણ એના કાન અને મગજ બે અલગ અલગ દિશા માં કામ કરી રહ્યા હતા.. એના મગજ માં એક જ વાત એના મગજ ને ચકરાવે ચડાવી રહી હતી.


વાત એમ હતી કે કેતન ગુજરાતના લીલીયા ગામે રહેવાવાળો એક ધોરણ 10 નો વિધાર્થી હતો. બપોરે 12 થી 5 સ્કૂલ અને ત્યાર પછી 5:30 થી 6:30 એજ સ્કુલ ના એક સર પાસે કોચિંગ કલાસ માટે જતો. એ કોચિંગ કલાસ એક પાતળી નાની શેરીમાં હતું.. એટલે બધા વિધાર્થીઓ પોતાના વાહન ત્યાંથી થોડે દુર એક પીપળાનું ઝાડ હતું એની નીચે રાખતા.અને ત્યાંથી કલાસમાં જતા.


એક દિવસ એ કોચીગ કલાસ માં બધા મોડા છૂટ્યા.. ઊપરથી શિયાળો એટલે અંધારું પણ જલ્દી થઈ ગયું.. બધા ઉતાવળ માં જલ્દી જલ્દી નીકળી પડ્યા.. કદાચ ધોરણ 10 બોર્ડ હતું એટલે બધા વાંચી ને ટોપ કરવાના હશે!

બધા વિધાર્થી ઓ માં કોઈક સાયકલ લઈને આવતું તો કોઈક બાઇક કે સ્કુટી .. પણ બહુમત સાઇકલવાળા પાસે હતો અને એમાં કેતનની સાઇકલનું પણ મહત્વપૂર્ણ એકમતનું યોગદાન હતું. કેતન પીપળા ના ઝાડ નીચે આવ્યો સાઇકલ નું લોક ખોલવા ચાવી માટે ખિસ્સામાં હાથ નાખ્યો પણ ચાવી મળી નહિ.. એટલે એ શોધવા પોતાનું થેલો ફંફોળવા લાગ્યો. ત્યાં જ એક મધુર અવાજ એના કાન માં પડ્યો.


"આ લે તારી ચાવી"

કેતને આંખ ઊંચી કરી જોયું તો એને બે ચાંદ દેખાયા .. એકનું ફક્ત ચેહરો હતો અને બીજા નું ચેહરા સાથે આખું શરીર. એ ચાંદનું નામ હતું હેમાલી.. કોચિંગ કલાસ માં આવતી સૌથી સુંદર છોકરી. કેતને ચાવી લઈ લીધી.. અને આભાર બોલું કે થેન્ક્સ કે સુક્રિયા એ એમ સી ક્યુ સવાલ ની જેમ કેમાં ટિકમાર્ક કરવું એ વિચારવા લાગ્યો.. ત્યાંજ સામે થી સ્કૂટી ની કીક મારવાની અવાજ આવી અને કેતન એમ સી ક્યુ ની પ્રશ્ન જાળ માંથી બહાર આવી ગયો..


"અરે યાર આ સ્કૂટી ને આજે જ બંધ પડવું હતું.. એક તો લેઈટ છે ઉપરથી આ ભાવ ખાય છે."

"હું કોઈ મદદ કરું?" કેતન ધીમેથી બોલ્યો.

"ઓકે" એમ કહીને હેમાલી એ સ્કૂટી કેતન ના હવાલે કરી..


આ બાજુ કેતન આજ સુધી સ્કૂટી કે બાઇક ને હાથ પણ લગાડ્યો નહોતો બસ ખાલી બધા ને બાઇક અને સ્કૂટી કીક મારી ચાલુ કરતા જોયા હતા.'હવે આ ચાલુ ના થઇ તો? હું મદદ કરું એવું બોલી તો નાખ્યું.. હે ભગવાન હવે તું જ મારી મદદ કર.. '. મનમાં આવી ગડમથલ લઈ કેતન સ્કૂટી તરફ ગયો અને પોતે આંખોથી જોયેલી કીક મારવાની ક્રિયા મનમાં રિપીટ કરી અને જોર થી કીક મારી.. પેહલી જ વાર માં સ્કૂટી ચાલુ. યુપીએસસી પરીક્ષા ની પ્રથમ પ્રયત્ન માં કોઈ પાસ થઈ ગયું હોય એવી ખુશી એના ચહેરા પર દેખાતી હતી. ફરીથી એક મધુર રણકતો અવાજ એના કાન માંથી થઈ એના શરીર ને રોમાંચિત કરી ગયો.

"થેન્ક્સ" હેમાલી થોડી મુસ્કુરાઇને બોલી.

"થેન્ક્સ" કેતને કહ્યું.એમ સી ક્યુ માં ક્યાં ટિકમાર્ક કરવું એ એને ખબર પડી ગઈ હતી.

"તે કેમ થેન્ક્સ કહ્યું?"

" ચાવી આપવા માટે" એક નિર્દોષ સ્મિત સાથે કેતન બોલ્યો.


"ઓહ ઓકે.. એમાં આજે હું છેલ્લે સુધી સર સાથે એક ટોપિક પર ડિસ્કસ કરી રહી હતી. ત્યારે સર તારી ચાવી જોઈ ગયા અને બોલ્યા કે આ હાર્ટ શેપ માં અંદર મોમ એન્ડ ડેડ લખેલી ચાવી કેતન ની છે મિન્સ કે તારી છે એટલે તને દેવાનું બોલ્યા.. અને તું અહીં જ મળી ગયો."હેમાલી એકીશ્વાસે બોલી ગઈ.


"ઓહ ઓકે" કેતને પણ હેમાલી ના શબ્દો રિપીટ કર્યા.

"ઓકે બાય" કહીને હેમાલી સ્ફુટી લઈને નીકળી ગઈ.પણ એની સ્કૂટીમાંથી નીકળતો ધુમાડો આજે કેતન ને ચાંદ ને છુપાવવાની કોશિશ કરી રહેલા વાદળ જેવો લાગતો હતો..


કેતન ઘરે આવીને એક અલગ જ મદહોશી માં ખોવાય ગયો.બીજે દિવસે સ્કૂલ માં એનું ધ્યાન ક્યાંય ચોંટતું નહોતું. એને તો બસ જલ્દી કોચિંગ કલાસ માં જ જવું હતું હેમાલી ને જોવા...એ રોજ 6:30 હેમાલી ની પાછળ જતો અને એની સ્ફુટી પાછી બંધ પડે અને પોતે એની મદદ માં જાય એવી આસ લઈને. પણ એ સ્કૂટી એ દિવસ પછી સર્વિસ થઈ ગઈ હતી એ કેતન ને ક્યાંથી ખબર હોય!!


આ રોજ નો કેતન નો નિત્ય ક્રમ કેતનના પાકા મિત્ર ચિંતનના આંખે ચડ્યો એણે પુછયું "શુ વાત છે ભાઈ? આજકાલ જોઉ છું કે તું બદલાયેલો લાગે છે.. કઈ દુનિયા માં જીવે છે??"

"અરે ના યાર એવું કંઈ નથી " મોઢા પર લાલી સાથે કેતન બોલ્યો.

"એવું નથી તો ખા પેલી હેમાલીની કસમ" એક અટ્ટહાસ્ય સાથે ચિંતન બોલ્યો.

હેમાલી નામ સાંભળતા જ કેતન ચોંકી ગયો.


"તને કેવી રીતે ખબર પડી?"

" અરે ખાલી મને જ નહીં.. બધા છોકરા ને ખબર છે.. ચાલ હવે પુરી વાત કર મને"

કેતન એ પુરી વાત કહી.. આ સાંભળી ચિંતન ઉછળવા લાગ્યો.

"વાહ ! મારી ભાભી મળી ગઇ"

"અરે ડફોળ એવું ના બોલ" બહારથી કેતન એવું કહેવાની ના પાડતો હતો પણ અંદરથી એને બહુ મજા આવતી હતી.


થોડા દિવસ માં કેતન પૂરો હેમામય થઈ ગયો.. એ હેમાલી ની જેમ અંગ્રેજી બોલવાની કોશિષ કરવા લાગ્યો. અને પેલું હાર્ટ શેપ માં રહેલું "મોમ એન્ડ ડેડ" ની જગ્યા હવે "હેમાલી" લખેલા કિચન એ લઈ લીધી હતી. કોચિંગ કલાસમાં એનું ધ્યાન સર કરતા વધારે હેમાલી તરફ જ રહેતું. ઘણી વાર હેમાલી કેતન ને એની સામે જોતા રંગે હાથ પકડી પાડતી ત્યારે કેતન શરમાઈને નીચુ જોઈ જતો.. અને હેમાલી ની બધી મિત્રો હસવા લાગતી.. થોડા દિવસ આમ જ ચાલ્યું..

પછી આવી 13 ફેબ્રુઆરી ની રાત..કેતન ને એ રાતે ઊંઘ જ ના આવી.. એને નકકી કરી જ લીધું કે કાલે હેમાલીને પ્રપોઝ કરવું જ છે.. એણે એના મિત્ર ચિંતન ને આ વાત કહી એને પણ વાતમાં સહમતી આપી. કેતને રાતે બધી તૈયારી કરી લીધી પ્રપોઝ માટે અંગ્રેજીનાં બે ત્રણ ડાયલોગ પણ ગોખી નાખ્યા.


બીજે દિવસે જ્યારે બધા કોચિંગ કલાસ પહોંચ્યા ત્યારે અંદર કલાસમાં જવાની થોડીવાર હતી. બધા બહાર પીપળા ના ઝાડ નીચે ઉભા હતા.. હેમાલી પણ એની સ્કૂટી ઉપર બેઠી હતી અને એની 5 -6 બહેનપણીઓ સાથે ગપ્પા મારતી હતી. બધા તારા વચ્ચે એક ચાંદ લાગે એવી લાગતી હતી.ત્યારે કેતન એની પાસે ગયો અને બોલ્યો. "હેમાલી".. હેમાલી વાતો માં એટલી મશગુલ હતી કે એનું ધ્યાન જ ના ગયું કેતન તરફ. કેતન આ વખતે થોડું મોટેથી બોલ્યો " હેમાલી" એટલે બધા ચૂપ થઈ ગયા અને કેતન તરફ જોવા લાગ્યા. હેમાલી પણ થોડી વિમાસણ માં પડી અને બૉલી

"શુ છે?"


"વિલ યુ બી માય વેલેન્ટાઈન? "આવું બોલીને કેતન હાથ માં રહેલું ગુલાબ હેમાલી તરફ આગળ કર્યું અને આંખો બંધ કરીને ફિલ્મી અંદાઝમાં બેસી ગયો.અને હેમાલી નો હાથ એના હાથ માં આવે એની રાહ જોવા લાગ્યો.. હાથ આવ્યા ... પણ એક નહિ બે.. અને એ પણ ગાલ પર..


સટાક... સટાક.... ગિરનાર ના શિખર પરથી કોઈએ નીચે પાડ્યો હોય એવું લાગ્યું કેતન ને.. બધું શાંત થઈ ગયું.


"તને શરમ નથી આવતી. તું ક્યાં અને હું ક્યાં!! તારૂ રૂપ તો જો.. છી.. અરીસા માં મોઢું જોય લે એક વાર..એવું કહી હેમાલી કલાસમાં જતી રહી. અને બહાર બધા છોકરા છોકરીઓ કેતન પર હસવા લાગ્યા. અને એમાં કેતન નો પાકો મિત્ર ચિંતન પણ હસવામાં હતો.કેતન સાવ ભોળો છોકરો હતો. એને આ બધા માં બહુ ખબર ના પડતી. એના મિત્રો એ એને થોડો ચડાવ્યો એટલે એની વાત સાચી માની બેઠો..

કેતન એ દિવસે કલાસ માં ના ગયો અને ઘરે જઈને પોતાનો રૂમ બંધ કરી ને બેસી ગયો.. અને વિચારવા લાગ્યો કે શુ આ જ દુનિયા છે!! જ્યાં બધા ચહેરો અને સ્ટેટસ જોવે છે. બધા બહારથી બધા લોકો ને જોવે છે.. અંદરની ખૂબસૂરતી કોઈ નથી જોતું.. એનો પ્રેમ સાચો હતો.. પણ કદાચ એને દર્શાવવાની રીત ખોટી હોઈ શકે.


બીજે દિવસે કેતનમાં ઘણો ફેરફાર આવી ગયો.. હવે એ કોઈ સાથે વધુ વાત ના કરતો. બસ ભણવામાં જ ધ્યાન આપતો. બે થપ્પડએ એને આખો હલબલાવી નાખ્યો હતો. થોડા મહિના માં બોર્ડ ની પરીક્ષા આવી ગઈ.. 73% આવ્યા કેતન ને.અને સેન્ટર માં ટોપ કર્યું 94.55% સાથે હેમાલી એ.. બધા એ હેમાલી ને અભિનંદન આપ્યા કેતન સિવાય. કેતન ની હિંમત જ ન થઈ એની પાસે જવાની..

એ જ વેકેશન માં કેતન ના પપ્પાનું પ્રમોશન થયુ રાજકોટમાં. વધારે પગાર સાથે બઢતી પણ મળી..કેતન પણ સાથે રાજકોટ જતો રહ્યો. અને રાજકોટ ની પાઠક સ્કૂલમાં એડમિશન લઈ લીધું.. હવે એ પોતાની પાછલી બધી યાદો ભૂલી ચુક્યો હતો. એક- બે યાદ ને છોડીને. 2 વર્ષ પછી કેતન ને 12મા માં 84 % આવ્યા.અને રાજકોટ ની જ એક વિવિપી કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. આ પાછલા બે વર્ષ માં કેતન સાવ બદલાઈ ચુક્યો હતો. એની બોલી એની ભાષા એનો લૂક બધું જ.. માનીલો ને કે એ રંગીલા રાજકોટના રંગે રંગાઈ ચુક્યો હતો. અને કોલેજ માં આવીને તો વધારે નિખરી ગયો..અને બધાનો માનીતો બની ગયો.


એક સેમેસ્ટર તો એમ જ નીકળી ગયું.અને બીજા સેમેસ્ટર ની કલચરલ ઇવેન્ટ માં પ્રેમ નો કહેવાતો ઉત્સવ આવી ગયો. " વેલેન્ટાઈન ડે" બધા એ પહેલેથી જ કોને વેલેન્ટાઈન બનાવવા અથવા પોતાના પાર્ટનરને કઈ ગિફ્ટ આપવી એ નક્કી કરી લીધું હતું. પણ કેતન ને એની કાંઈ પડી નહોતી. વેલેન્ટાઈન ડે ના દિવસે કેતન ને 2-3 છોકરીઓ વેલેન્ટાઈન બનવા કહ્યું.. પણ કેતને પ્રેમ થી એને ના પાડી દીધી એને ખોટું ના લાગે એ રીતે..બધા આમ તો પહેલેથી કેતનનો જવાબ જાણતાં જ હતા કેમ કે કેતને એ લોકોને હેમાલીવાળી વાત કહી હતી. કેતન ને એ ત્રણ વર્ષ પહેલાંની ઘટનાની ક્ષણ ક્ષણ યાદ હતી. એ દિવસે બધા ગાર્ડન માં સાથે બેઠા હતા ત્યારે અચાનક કેતન ઉભો થઇ ને બીએસસી. ડીપાર્ટમેન્ટ તરફ ગયો.. બધા વિચાર કરવા લાગ્યા કેતન આ શું કરે છે. પણ કેતન આગળ વધતો ગયો પીપળા ના ઝાડ નીચે ઉભેલી એક છોકરી પાસે ગયો.. એ છોકરી ની ચહેરો એકદમ ખરાબ થઈ ગયેલો હતો.. કોઈક ના એસિડ એટેક નો શિકાર હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.. એની પાસે જઈને કેતન બોલ્યો


"વિલ યુ બી માય વેલેન્ટાઈન??"


આટલી બધી સુંદર છોકરીઓને ના પાડીને કેતન એની પાસે કેમ ગયો એમ બધા વિચારવા લાગ્યા અને ઉભા થઇ ને એ પીપળાના ઝાડ પાસે આવી ગયા. બધા ને એવું લાગ્યું કે કેતન ભૂતકાળ માં જે બન્યુ એથી કદાચ એને આ છોકરી પર દયા આવી ગઈ હશે..


એ છોકરી કેતન ને જોઈ જ રહી હતી.. કેતન ફરીથી બોલ્યો.


"વિલ યુ બી માય વેલેન્ટાઈન હેમાલી ?" હેમાલી નામ સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા..હા આ એ જ હેમાલી હતી.હેમાલી પણ કેતન ને ઓળખી ગઈ અને રડવા લાગી. હેમાલી જ્યારે 12મા માં હતી ત્યારે કેતન ની જેમ જ એક છોકરા એ એને પ્રપોઝ કર્યું હતું. ત્યારે પણ હેમાલીએ એ છોકરા નું અપમાન કર્યું હતું. ગુસ્સામાં આવીને એ છોકરા એ હેમાલી પર એસિડ ફેંકી દીધું.. અને હેમાલી નો આખો ચહેરો બદલાય ગયો. એ કેતન ને ઓળખી ના શકી, કેતન એને ઓળખી ગયો એણે કેતન ને પૂછયું " તું મને કઈ રીતે ઓળખી ગયો?"


કેતન બોલ્યો" ચાંદ માં ડાઘ પડવાથી ચાંદ ની સુંદરતા કાંઈ ઓછી ના થઇ જાય" આ સાંભળી હેમાલીની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી એ રડતા રડતા બોલી. "સોરી કેતન"


કેતન ફરીથી બોલ્યો.. "વિલ યુ બી માય વેલેન્ટાઈન હેમાલી ?"

હેમાલી દુઃખ અને હર્ષ ના બંને આંસુ આંખ માં રાખીને કંઈ જ ના બોલી શકી ફક્ત માથું હલાવીને "હા" નો ઈશારો કર્યો.


એ દિવસે પણ પીપળા નું ઝાડ હતું એ દિવસે પણ આ જ હેમાલી હતી અને આ કેતન. ફરક ફક્ત એટલો જ હતો કે એ દિવસે હેમાલીની આજુબાજુ એની બહેનપણીઓ કેતન પર હસી રહી હતી અને આજે કેતનના બધા મિત્રો તાળીઓ પાડી રહ્યા હતા..Rate this content
Log in

Similar gujarati story from Drama