વીર વાણી જ વીરતા જગાડે
વીર વાણી જ વીરતા જગાડે
બારડોલી તાલુકામાં સરકારે અન્યાય કર્યો હતો. મહેસૂલ ખૂબ વધારી દીધું હતું. ખેડૂતો મૂંઝાઈ ગયા હતા, કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. સરકારના જુલ્મો સહન કરી-કરીને પ્રજા લાચાર અને અસહાય બની ગઈ હતી. આ પ્રજાને જગાડવાની હતી. આ પ્રજાના રોમેરોમમાં જુસ્સો ભરવાનો હતો. જે સામાન્ય માણસનું કામ નો'તું. તેના માટે જરૂર હતી હૈયામાં જ્વાળા પ્રજ્વલિત રાખનારની. તે જ આ હતાશ પ્રજામાં ચેતનાની ચિનગારી ચાંપીને જનજાગૃતિનો શંખ ફૂંકે.
પછી બારડોલીમાં એક વીરપુરુષ આવ્યા. તેમણે આ પ્રજાની એક સભાને સંબોધન કર્યું. આ વીરપુરુષથી આ પ્રજા પરિચિત તો હતી જ. પણ આજે આ વીરપુરુષનું આ પ્રજાએ કંઈક નવું જ રૂપ જોયું. તેમની જુસ્સાભરી વાણી, તેમની અજોડ શ્રદ્ઘા, તેમનું અડગ ધૈર્ય, તેમનો અજીબ ત્યાગ આ પહેલા આ પ્રજાએ કયારેય જોયેલ નહિ. પ્રજા તો આ વીરપુરુષની દીવાની બની ગઈ.
હવે આ વીરપુરુષો પ્રજાને ઢંઢોળી, પ્રજામાં સાહસ ભર્યું, તેમનો ભય દૂર કર્યો, મરી ફીટવા માટે જોમ આપ્યું, અન્યાયનો સામનો કરતા શીખવ્યું. પ્રજા પણ તેમના એક શબ્દે જાન ન્યોછાવર કરવા તૈયાર થઈ ગઈ. પછી તો જામ્યો ખરાખરીનો ખેલ. આ વીરપુરુષો આ પ્રજાને વીર બનાવી દીધી હતી. સરકાર સામે સંગ્રામ કરવાનો હતો અને તે પણ અહિંસક સંગ્રામ. આ વીરપુરુષો આ ખેડૂતોને વિજય અપાવવાનો સંકલ્પ કર્યો હતો. શાંત, સીધા, સાદા ખેડૂતોને આ વીરપુરુષો પ્રાણવાન અને ફના થવાની ખુમારીવાળા બનાવી દીધા હતા. તેમનામાં સંકલ્પનો શ્વાસ ભરીને શિસ્ત, સંયમ, શૌર્ય અને શ્રદ્ઘાના ગુણો પ્રગટાવી દીધા હતા. હવે આ પ્રજા સરકાર સામે જરા પણ નમતું મૂકે તેમ નથી.
આખા દેશ અને વિદેશમાં પણ આ લડતના સમાચારો વહેતા થઈ ગયા. તેમાં આ વીરપુરુષની વાત આવ્યા વિના રહેતી નથી. સરકારના અનેક જુલ્મો છતાં આ પ્રજાએ મચક આપી નહિ અને છેવટે સરકારે નમતું મૂકવું પડયું. પ્રજાનો વિજય થયો. પ્રજામાં વિજયનાં બીજ રોપનાર વીરપુરુષ હવે 'સરદાર' બની ગયા અને ત્યારથી કહેવાયા 'સરદાર' વલ્લભભાઈ પટેલ.
આપણે શું કરીએ છીએ ? કોઈ આગળ વધવા માગે તો તેને પાછા પાડવાનું કામ. હિંમતના બે બોલ કહેવાને બદલે 'આ આપણાથી ન થાય' કહીને તેની હિંમતને મારવાનું કામ. અરે ! કોઈ માણસ આગળ વધવા માગતો હોય અને જો તેમાં સચ્ચાઈ હોય, તો તે રસ્તે દોડવા મંડે એવા બે શબ્દો કહેશું તો આપણું કંઈ ઓછું થઈ જવાનું નથી.
