વેરણ
વેરણ
સોનુ આજે ખૂબ ઉતાવળમાં હતો, આમતો એનું નામ સોહનલાલ હતું પણ અસારા જેવા નાના ગામમાં આટલું મોટું નામ કોણ બોલે..! એટલે એકે કહ્યું અમે બીજાએ કીધું સોહનલાલ માંથી બની ગયા 'સોનુ'
કેટલાક ભાષાના જાણકાર તો આ નામ અને માણસને પુલલિંગ કે સ્ત્રી લીંગમાં ગણવાના વિચારમાં ગરકાવ થઈ જતા હતા.
હાં તો આવો આ સોનુ આજે ખૂબ ઉતાવળમાં હતો. શેરીમાંથી પસાર થતાં લોકો પણ ચાર આંખો કરીને જોઈ રહ્યાં હતાં કે આ સોનુ ને વળી શેની ઉતાવળ..!
બધાય જાણતા હતા કે આ લહેરીલાલા આરામથી સૂર્યને જગાડીને જાગવા વાળા આજે ઉતાવળમાં કેમ હતા. ગામના જ્ઞાની માસ્તર સામે મળ્યા. સોનુ ને એ નિયમિત શેરીમાંથી કંઠય સંગીત રેલાવતો હોય અને ચાલ્યો જતો હોય એમ જોયો હતો પણ આજે તો ઉતાવળમાં...
માસ્તર એમનાં બાળકોને સાથે સાથે ચાલીને શાળાએ જજો એમ કહેતા હતા પણ જિદ્દી બાળકો જે વહેલો તૈયાર થઈ જાય એ સોનુ જેમ ડાંગ ખાવે રાખે એમ દફતર ખવે રાખીને ચાલ્યા જતાં.
માસ્તર ગુજરાતી મિક્સ હિન્દી બોલી ને બાળકોને કહેતા "સાથ ચલે.."પણ સાંભળે કોણ?
આટલી ઉતાવળમાં સોનુ માસ્તરને કહે સાહેબ મારી 'વેરણ' જતાં જોઈ હતી? બીજાઓ તો વિચારમાં પડી જાય કે વેરણ એટલે વળી કોણ? કેટલાક ને એમ થઈ જાય કે આ નામ સ્ત્રીને મળતું આવે એટલે એ એની પત્નીની વાત કરતો હશે, પણ સોનુ ને એ વળગણ તો હતું નહીં. વેરણ એ એની માનીતી સાંઢ હતી.
અમારા આ કાંઠા વિસ્તારમાં ઊંટડી ને સાંઢ કહે. મધ્ય ગુજરાતમાં સાંઢ નો વળી બીજો અર્થ થાય.
સોનુ ના ઘેર વેર અને વેરણ બે હતા. આ ઊંટની જોડી એ સોનુનું જીવન હતું.
ઊંટ રાખવાના સોનુ માટે ઘણા ફાયદા હતા. એક એને કોઈ ખાસ રીતે સાચવવા ન પડે. કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા ન કરવી પડે. બસ ઘર આગળ આવીને બેસી જાય. સવારે જાતે ચારો ચરવા જાય. કોઈ ગમતો મસ્ત ખીજડો મળી જાય તો એનાં કુમળા પાન ખાઈને જાતે ગામના હવાડે પાણી પી ને આવી જાય.
બે દિવસથી સોનુની વેરણ ઘેર આવી ન હતી માટે આજે સોનુ ઘેરથી ડાંગ ખવે કરીને શોધવા માટે ઉતાવળમાં બહાર નીકળી ગયો હતો.
અસારા ભારતની બોર્ડરની સૌથી લાસ્ટ ગામ
એની પશ્ચિમમાં રણ. હવે એ વેરણ ના વિચારોમાં જતો હતો. ક્યાં જશે એ?
ક્સ્ટમ રોડ પર આવીને એણે ડાબી અને જમણી બાજુ નજર કરી. હાથ ની છાજલી કરીને લાંબી નજર કરી પણ ડાબી બાજુ કઈ ન દેખાયું.
ફરી ડાબી બાજુ નજર કરી બે હાથ જોડી ચતરપુરાવાળી મા ખોડિયાર મનોમન નમન કરીને એકલો-એકલો બોલ્યો" હે મા જલ્દી થી વેરણ મળી જાય એમ કરજે"
સોનુ હજી તો વિચાર કરતો હતો કે ચતર પુરા બાજુ જાઉં કે લોદ્રાણી બાજુ એટલામાં એની નજર એક ધોળી ગાડી પર પડી કે બસસ્ટેન્ડથી સો એક ડગલાં દૂર એક બાવળના તીતર છાયે ઊભી હતી.
વેરણના વિચાર પડતા મેલીને એ ધોળી એટલે કે સફેદ બાસતા જેવી ગાડી તરફ ચાલ્યો.
ગાડી પાસે પહોંચતાં જ એની આંખો ચાર થઈ ગઈ. મુલાયમ વસ્ત્રો પહેરીને એક યુવાન સ્ત્રી ગાડીના આગળના ભાગમાં ઊભી હતી. એના સોનેરી વાળ અલગ રીતે ઓળેલા હતા કે છુટા જટીયા હતા એ સોનુ નક્કી ન કરી શક્યો, લાંબી બાયના કુર્તા નીચે એણે કસીને જીન્સ પહેર્યું હતું. રણની રેતી એની આંખોને હેરાન પરેશાન ન કરે એ માટે એને એના વાળના રંગનાં ચશ્માં પહેરેલાં હતા. ધોળી ગાડીને ગોરી સ્ત્રી જોઈને સોનુ વિચારમાં પડી ગયો. વેરણના વિચારો હવે તો બિલકુલ વેરણ-છેરણ થઈ ગયા.
આ રોડ પર એ કાયમી જતો, છેક સમલી સુધી પણ આવું મનખ એણે ક્યારેય જોયું ન હતું, વળી પાછો એને વિચાર આવ્યો કે ધોળી ગાડીઓમાં તો આવાં જ માણસો હોય પણ એવી ગાડીઓ તો આ રોડ પર ખૂબ ઓછી નીકળે.
બે હાથ જોડીને સોનુ બોલ્યો "રામ રામ"
સ્ત્રી થોડું થોડું સમજી હોય એમ લાગ્યું.
નમસ્તેની મુદ્રામાં આવીને એણે સોનુનું અભિવાદન કર્યું.
અવાજ સાંભળીને બીજી બાજુ ગાડીનું ટાયર બદલતો અને માટીવાળા હાથ સાથે ગાડીનો ચાલક આગળ આવ્યો.
એણે સોનુ ને પૂછ્યું કે ટાયર ને પંચર થઈ ગયું છે તો આસપાસ માં કોઈ વ્યક્તિ મળશે કે જે આ ટ્યુબ ને હવા ભરવા લાયક કરી શકે.
સોનુ એ ગાડીના ચાલકને હાથના ઇશારાથી સમજાવ્યું કે નજીક જ છે. થોડીવારમાં ચાલક પાછો આવી ગયો ટાયર બરાબર કરાવીને.
એટલી વારમાં સોનુ એ દાદા સિદ્ધપુરી અને આસપાસ ક્યારેક જોવા મળતાં ચિંકારા હરણની વાતો કરી.
એટલી વારમાં ચાલક બોલ્યો "ગાડી રેડી હે ચલે"
ગાડી ચાલી ગઈ, ગાડીની પાછળની સીટ પર ની બે મીઠી નજર પાછું વળીને સોનુને છેલ્લી વાર જોઈ રહી અને ધીરે ધીરે ગાડી ઓઝલ થઈ ગઈ..
સોનુ ડાંગ ખવે કરીને રણ તરફ ચાલતો થયો અને મનમાં બબડતો રહ્યો.. લાગે છે કે વેરણ આજે પણ નહિ મળે..!