ઉદ્ઘાટન કંઈક સારું કરવાનું કરો
ઉદ્ઘાટન કંઈક સારું કરવાનું કરો
વર્તમાન સમયમાં તો મોટા મોટા આગેવાનો કે પ્રસિદ્ઘ વ્યક્તિઓના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવાની પ્રથા ધમધોકાર ચાલે છે. નાનો ધંધો શરૂ કરવાનો હોય તોયે ઉદ્ઘાટન તો કોઈક મોટા માણસના હાથે જ થવું જોઈએ એવું સૌ કોઈ માને છે. આજના આવા પ્રસિદ્ઘિ ભૂખ્યા નેતાઓ કે પ્રસિદ્ઘ વ્યક્તિઓ પોતાની પ્રસિદ્ઘિનું પૂરેપૂરું વળતર લઈને આવાં ઉદ્ઘાટનો કરવા પહોંચી પણ જાય છે. આજના નેતામાં અને એ નેતામાં આ તો ફરક છે.
હા, એ સમયે તેઓ ભારતના એક હોદ્દેદાર નેતા હતા. તેમનું ખૂબ માન હતું. લોકોનાં દિલોના રાજા હતા. તેમનો પડયો બોલ ઝીલાતો હતો. પણ કોઈ તેમના નામનો ખોટો લાભ લે એ તો જરાય પસંદ નહોતું. ત્યાં સુધી કે તેમના ઘરના પણ કોઈ તેમના હોદ્દાનો લાભ ન લે તેના માટે સજાગ રહેતા.
આ સમયે તેમના એક નિકટના સંબંધીએ પરદેશી યંત્ર-સ્પેરપાર્ટસની એજન્સી રાખી. આ એજન્સીનું ઉદ્ઘાટન કરવાનું હતું. સારું ઉદ્ઘાટન થાય તો વેપાર સારો થાય એવી તેમની માન્યતા હતી. આ માટે કોઈ પ્રખ્યાત વ્યક્તિ ઉદ્ઘાટન કરવા આવે તો લોકો વધારે આવે અને પ્રચાર પણ સારો થઈ જાય. તે માટે તે સંબંધી આ નેતા પાસે જાય છે. નેતાને બધી વાત કરી. નેતાએ શાંતિથી તેમની વાત સાંભળી. લાંબી વાત થયા પછી પેલા સંબંધીએ આ નેતાને એજન્સીનું ઉદ્ઘાટન કરવા આવવાનું કહ્યું.
હવે આ નેતાએ પેલા સંબંધીનો બરાબર ઊધડો લીધો. તેઓ કહે છે, ''તમારા વેપાર માટે મારું નામ વટાવવાની શી જરૂર છે ? તમારે વેપાર કરવો જ હોય તો પ્રમાણિકતાથી કરો. લોકો જરૂર આવશે. મારું નામ વટાવીને તમે વેપાર કરો એમાં તો લોકોને છેતરવાનું કામ છે. લોકોને છેતરવાના કોઈ કામમાં મારો સાથ નથી. તમે અહીંથી જઈ શકો છો !'' અને આ સંબંધી ત્યાંથી ચાલ્યા જાય છે. એ નેતાના આ સંબંધીએ એમના પક્ષને ખૂબ નાણાંકીય સહાય કરી હતી અને પક્ષના કાર્યકર પણ હતા. છતાંય આપણા એ નેતાએ ઉદ્ઘાટનમાં જવાની ના પાડી દીધી. એ નેતાએ કર્તવ્યમાં કયાંય અંગત લાગણી કે અંગત સંબંધને વચ્ચે આવવા દીધો નહોતો. આવું તો સરદાર વલ્લભભાઈ પટેલ જ કરી શકે.
આજના નેતાઓમાં આવી પ્રમાણિકતા આવી જાય તો આપણો દેશ વિશ્વમાં ટોચનો દેશ બની જાય. વેપારીઓ પ્રમાણિકતાથી વેપાર કરે તો ઉદ્ઘાટન કરવાની પણ જરૂર નથી. તેમની પ્રમાણિકાની સુગંધથી જ ગ્રાહકો આવવા લાગશે.
