તૂટેલા સૂર
તૂટેલા સૂર
ખટાક...કરીને શયનકક્ષનો દરવાજો ખોલી સહસા જ શ્લોક આક્રોશ સાથે રુમમાં ધસી આવ્યો, અને સામ્રાજ્ઞી ઉપર ગુસ્સામાં બરાડી ઊઠ્યો - "શું માંડ્યું છે તેં ? સવાર પડે ને તારા રાગડાઓથી આખું ઘર માથે લે છે...બસ ઘાંઘર્યા જ કરવાનું નવરી પડ એટલે ? કંટાળી ગયો છું તારા આ ઢંગધડા વગરના કર્કશ અવાજ થી...તને ગાતી સાંભળવી એ એક સજા છે સજા...."...અને ધડામમમ દરવાજો બંધ કરીને જતો રહ્યો બહાર..
એકાએક થયેલા શ્લોકના શાબ્દિક પ્રહારથી સામ્રાજ્ઞી હતપ્રભ થઈ ગઈ...ન કંઈ બોલી શકી - ન જવાબ આપી શકી...બસ...નિ:શબ્દ થઈ ઊભી હતી.
એ શ્લોકના આવા દુર્વાસા મુનિ જેવા ગુસ્સાનું કારણ સમજી નહોતી શકતી કે ગાવાથી એવો તે ખુદથી કયો ગુનો થઈ ગયો કે શ્લોક આટલું કડવું બોલી ગયો.
શ્લોક અને સામ્રાજ્ઞી કૉલેજકાળના મિત્રો હતાં...એ મૈત્રી પ્યારમાં પરિણમી અને બન્નેના માતા - પિતાની સંમતિ અને આશીર્વાદથી એક વર્ષ પહેલાં જ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતાં....શ્લોકને પોતાનો દેશ - વિદેશમાં ફેલાયેલો બહોળો કારોબાર હતો તો સામ્રાજ્ઞી સંગીત - ગાયન ક્ષેત્રે અવ્વલ
હતી....વર્ગો પણ લેતી હતી એ...અને નિજાનંદ માટે ઘરમાં ગાતી પણ...! પણ શ્લોક સંગીતની બાબતમાં જાણે સાવ ઔરંગઝેબ જ હતો...ભલે ગાતો નહીં પણ સાંભળતો ખરો..!
...પણ આજે એણે સામ્રાજ્ઞી સાથે જે વર્તન કર્યું એ સામ્રાજ્ઞીને અંદરથી હચમચાવી ગયું....એ સાવ સૂનમૂન થઈ ગઈ....બસ ઘરમાં કામ પુરતું જ બોલતી...પોતાની સિતાર પણ એણે એક ખૂણામાં ધરબી દીધી....ક્યારેય એનો તાર પછી છેડાયો નહિં.
શ્લોક તો એ વાત ભૂલી પણ ગયો હતો સામ્રજ્ઞીના દિલમાં એ વાત અંદર સુધી ઘર કરી ગઈ હતી...શ્લોકે ઘણી વાર પુછ્યું ય ખરું કે શું વાત છે ? પણ સામ્રજ્ઞી ને એ વિષય છેડતા ય ફફડાટ થતો હતો એટલે એ મૌન જ રહેતી....
હવે તો વર્ષોના વહાણા વાઈ ગયા હતાં આ વાતને... અચાનક......એક મધ્ય રાત્રિએ સિતારના સઘળા સૂરો ગુંજી ઊઠ્યા.....શ્લોક સફાળો ઊઠી ગયો...જુએ તો બાજુમાં સામ્રજ્ઞી નહોતી...બેબાકળો થઈ ભાગ્યો સિતાર વાળા એ રુમ તરફ....ને જઈને જોયું તો સામ્રાજ્ઞીનું માથું સિતાર પર જ ઢળી ગયું હતું....કાયમ માટે...!
બે સૂરો એક સાથે આજે તૂટી ગયા હતાં.