Ashutosh Desai

Children Drama Inspirational

0  

Ashutosh Desai

Children Drama Inspirational

તું મારી પ્રતિકૃતિ છે

તું મારી પ્રતિકૃતિ છે

11 mins
521


'મમ્મા મારે તને કંઈક કહેવું છે. 'અથર્વએ કહ્યું. બાર વર્ષનો અથર્વ સ્કૂલથી આવ્યા બાદ જમવા બેઠો હતો. પરંતુ, પાંચ મિનિટ થઈ ગઈ છતાં તેણે હજીય ખાવાનું શરૂ નથી કર્યું તે જોઈ નિતીક્ષાએ તેના પર બરાડો પાડ્યો,'અથર્વ ખાવાનું ઠંડુ થઈ રહ્યું છે, શું કરે છે તું? જમી લે ને ફટાફટ.' અથર્વની આંગળીઓ થાળીમાં મૂકેલા ફૂલકાને ગોળ ગોળ ફેરવી રહી હતી પરંતુ, ન જાણે કેમ તે ખાવાની શરૂઆત નહોતો કરી રહ્યો. સ્કૂલથી આવેલા પોતાના દીકરાને ગરમ ગરમ જમાડે એ લાગણીથી નિતીક્ષાએ ફૂલકા વણવાના બાકી રાખ્યાં હતાં, અથર્વ જમવા બેઠો અને તેણે ગરમગરમ ફૂલકા રોટલી ઉતારવી શરૂ કરી પરંતુ થાળી પીરસ્યાને પાંચ મિનિટ થઈ જવા છતાં તેના લાડકવાયાએ હજી એક રોટલી પણ ખતમ નહીં કરી હોવાને કારણે નિતીક્ષાએ ગેસ બંધ કર્યો અને દીકરા પાસે આવીને બેસી ગઈ. 'શું થયું અથર્વ? આજે તો મેં શાક પણ તને ભાવતું બનાવ્યું છે, તું જમતો કેમ નથી?' મમ્માએ તેના દીકરાને પૂછ્યું. 'મમ્મા મારે તને કંઈક કહેવું છે.' અથર્વ ધીમેથી બોલ્યો. 'બધી જ વાત પછી, પહેલાં તું ખાઈ તો લે, પ્લીઝ!' નિતીક્ષા ફરી દીકરા માટે ફૂલકાં બનાવવા કીચન તરફ જઈ રહી હતી પણ ત્યાં જ અથર્વએ નિતીક્ષાને હાથ પકડી ફરી સામે બેસાડી,'મમ્મા મારે તને કંઈક કહેવું છે.'

નિતીક્ષાએ ધ્યાનથી અથર્વ તરફ જોયું અને તે અટકી ગઈ. તેણે અથર્વની સામે મૂકેલી જમવાની થાળી બાજૂ ખસેડી,'હા, દીકરા બોલ શું કહેવું છે તારે?' તેણે દીકરાને વ્હાલથી પૂછ્યું. 'મમ્મા, અમારી સ્કૂલમાં મેથ્સના નવા ટીચર આવ્યા છે.' અથર્વ બોલ્યો. 'અરે વાહ, એ તો સારા સમાચાર કહેવાય. ચાલો સરસ, આમ પણ તું કહેતો જ હતો ને કે તમારા મેથ્સના સર શું ભણાવે છે તે તને બરાબર સમજાતું નથી, હવે નવા ટીચર આવ્યા છે તો તને તકલીફ નહીં રહે. વેરી ગુડ. ચાલ હવે જમી લે.' નિતીક્ષાએ અથર્વના ગાલ પર વ્હાલ કર્યો અને ફરી ગરમ ફૂલકા ઉતારવા માટે રસોડામાં ચાલી ગઈ. પરંતુ, અથર્વ હજીય ચૂપચાપ બેઠો હતો. 'શું થયું વળી પાછું?' નિતીક્ષાએ એક ઓર ફૂલકું અથર્વની થાળીમાં મૂકતાં પૂછ્યું. 'મમ્મા, તે નવા ટીચર પિરીઅડ લેવા આવે છે ત્યારે મને તેમના માટે ગંદા ગંદા વિચારો આવે છે.' અથર્વ આંખ બંધ કરી એકીશ્વાસે બોલી ગયો. નિતીક્ષાની આંખો પહોળી થઈ ગઈ. માત્ર બાર વર્ષનો તેનો દીકરો અથર્વ આ શું બોલે છે? આ કંઈ ઊંમર છે તેની આવું બધું બોલવાની કે અનુભવવાની? આ છોકરાનું શું કરવું? આ મોબાઈલ અને વોટ્સ ઍપ વગેરેએ તો આ પેઢીનો દાટ વાળ્યો છે. શું કરૂં ને શું નહીં. નિતીક્ષાને એકસામટા અનેક વિચારો આવી ગયા, પળવારમાં તો તેને અકળામણ-ગભરામણ થઈ ગઈ.

'રાજીવ મારે તમને કંઈક કહેવું છે.' રાત્રે સૂતા પહેલાં નિતીક્ષાએ પતિ સામે વાત માંડી. 'હા, બોલ.' રાજીવે કહ્યું. 'રાજીવ, આજે અથર્વ સ્કૂલથી પાછો આવ્યો ત્યારે કહેતો હતો કે...' નિતીક્ષાએ આખીય વાત માંડીને કરી. રાજીવના મોઢા પર હળવું સ્મિત આવી ગયું. 'એમ ખરેખર? વાહ આપણો દીકરો હવે મોટો થઈ ગયો છે એમ ને!' રાજીવ બોલ્યો. 'શું તમે પણ રાજીવ, આ કંઈ હસી કાઢવા જેવી વાત છે? તમને તો કંઈ પડી જ નથી, કાલે ઊઠીને કંઈ થયું તો, આજ-કાલ કેટલુંય અજુગતું વાંચવા અને સાંભળવા મળે છે, છતાં તમે તો જાણે દીકરાની વાતથી મૂછ પર તાવ દેતા હોય તેમ હરખાવ છો.' નિતીક્ષાએ છણકો કર્યો. 'અરે, દીકરાની યુવાનીના સંકેત મળવા શરૂ થાય તો એક બાપ ખુશ નહીં થાય! કેવી વાત કરે છે?' રાજીવે હસવાનું રોકતા કહ્યું. 'તમને તો મારી બધી વાત મજાક જ લાગે છે. આવતી કાલે વાજતા-ગાજતા દીકરાની કોઈ ફરિયાદ આવશે ત્યારે પેટ ભરીને પસ્તાશો.' નિતીક્ષાને લાગતું હતું કે રાજીવને વાતની ગંભીરતા સમજાતી જ નથી. 'ઓકે, ઓકે મારા યુવાન અથર્વની મમ્મા, આઈ એમ સૉરી,' રાજીવે પત્નીના ગાલ પર હળવું ચુંબન કરતા કહ્યું. 'જાવ જાવ હવે, સૉરીવાળા, એના કરતા દીકરાને કઈ રીતે સમજાવવો તે વિચારો.' નિતીક્ષા બોલી.

અઠવાડિયા જેટલો સમય વિત્યો હશે ત્યાં ફરી એકવાર નિતીક્ષાએ અથર્વને ફોન પર કોઈ મિત્ર સાથે વાત કરતા સાંભળ્યો. 'હા, યાર આજે મેડમને રેડ સાડીમાં જોયા ત્યારથી મારું તો લેક્ચરમાં ધ્યાન જ નહોતું, બસ એટલો જ વિચાર આવતો હતો કે આજે આ પિરીઅડ ખતમ જ નહીં થવો જોઈએ.' અથર્વના આ શબ્દો સાંભળી નિતીક્ષા દરવાજા પાસે ઊભી રહી ગઈ.

અથર્વને સ્વનેય ખ્યાલ નહોતો કે તેના રૂમના દરવાજે મમ્મા ઊભી છે, તે તો બોલ્યે જતો હતો,'પછી શું થાય યાર, પિરીઅડ ખત્મ થયો અને હું તો ઊભો થઈ પહોંચી ગયો મૅડમ પાસે, આપણા ક્લાસની બહાર ગ્રાઉન્ડ તરફ જતા પેસેજમાં ગુલાબનો છોડ નથી? ત્યાંથી ગુલાબ તોડ્યું, મૅડમને આપ્યું અને કહ્યું, મૅડમ આજે તમે ખૂબ સુંદર દેખાવ છો. મારી વાત સાંભળી મૅડમ જે ખુશ થયા છે, તેં એમનો ચહેરો જોયો હોત તો તને સમજાત.' આ સાંભળી નિતીક્ષાની આંખો લાલ થઈ ગઈ. ફરી રાત્રે સૂતા પહેલાં બધી વાતોનું રિપોર્ટીંગ રાજીવને કરી દેવામાં આવ્યું. રાજીવે ફરી તેની વાતો શાંતિથી સાંભળી અને 'હું કંઈક કરૂં છું.' જેવો મોળો પ્રતિસાદ આપી પૂર્ણવિરામ મૂકી દીધું.

'અથર્વ, આજે સાંજે તારો શું પ્રોગ્રામ છે?' બીજા દિવસની સવારે રાજીવે પૂછ્યું. 'કંઈ ખાસ નહીં ડેડા, શુક્રવારે સાયન્સનું અસાઈન્ટમેન્ટ છે તેથી કદાચ આયુષ આવવાનો છે ઘરે, અમે સાથે તૈયારી કરશું.' અથર્વએ કહ્યું. 'ઓકે, આજનો દિવસ આયુષને ના કહી દેજે, આપણે સાંજે બહાર જવાનું છે.' રાજીવ બોલ્યો. 'ક્યાં, ક્યાં જવાનું છે ડેડા?' 'ધેટ્સ અ સરપ્રાઈઝ બેટા.' કહી રાજીવ ઓફિસ જવા માટે નીકળી ગયો. રસોડામાં અથર્વનો લંચબોક્સ તૈયાર કરી રહેલી નિતીક્ષા બાપ-દીકરાનો સંવાદ સાંભળી ધૂંધવાઈ રહી હતી. 'લાટસાહેબ બગડતા જાય છે અને બાપને કંઈ જ પડી નથી.'

સાંજે રાજીવ ઓફિસથી વહેલો આવી ગયો અને અથર્વ તો તેના ડેડાની રાહ જોતા તૈયાર જ બેઠો હતો. રાજીવે આવતાની સાથે જ કહ્યું, 'સો, રેડી માય સન? લેટ્સ ગો.' તેણે ઓફિસની બેગ પોતાના રૂમમાં મૂકી અને ફ્રેશ થઈ બહાર જવા તૈયાર થઈ ગયો. 'મમ્મા આપણી સાથે નથી આવવાની ડેડા?' અથર્વએ પૂછ્યું. 'નો, બેચલર્સ આઉટીંગ મેં લેડીઝ કા ક્યા કામ?' કહેતા તેણે અથર્વને ખભે હાથ મૂક્યો. બંને એ નિતીક્ષાના એક એક ગાલે પપ્પી કરી અને બહાર નીકળી ગયા. નિતીક્ષા આમ પણ ગઈ કાલ રાતથી બાપ-દીકરા પર ગુસ્સે ભરાયેલી હતી, તે કંઈ જ બોલી નહીં.

રાજીવ, અથર્વને દરિયાકિનારે આવેલી એક સુંદર રૅસ્ટારાંમાં લઈ ગયો અને બંને બાપ-દીકરો કોર્નર ટેબલ શોધીને ત્યાં બેઠાં. 'સો, વોટ્સ ગોઈંગ ઓન ઈન સ્કૂલ ચેમ્પિઅન?' આ સવાલ જાણે એક બાપ તેના દીકરાને નહીં પરંતુ કોઈ મિત્ર બીજા મિત્રને પૂછી રહ્યો હોય તે રીતે રાજીવે અથર્વને પૂછ્યું. 'કંઈ ખાસ નહીં ડેડા, બસ બોરીંગ સ્કૂલ એન્ડ બોરીંગ સ્ટડી, નથીંગ એલ્સ.' અથર્વએ હળવાશ સાથે કહ્યું, તેને આજે તેના પિતા કંઈક અલગ જ મૂડમાં જણાઈ રહ્યા હતા. 'વ્હાય, બોરીંગ? કોઈ ગર્લફ્રેન્ડ નથી બનાવી હજી? તમારા ક્લાસમાં છોકરીઓ છે જ નહીં કે શું, કે પછી છે પણ કોઈ સુંદર દેખાવડી નથી?' રાજીવે અથર્વના ખભે ધબ્બો મારતા કહ્યું. અથર્વ થોડો શરમાઈ ગયો. 'શું ડેડા તમે પણ!' તે બોલ્યો. 'અરે, વોટ્સ રોંગ ઈન ઈટ, એમા શું થયું યાર, બોલ બોલ... અચ્છા ચલ જવા દે, હું તને મારી વાત કહું, અમે કોલેજમાં હતા ત્યારે અમારી ઈંગ્લીશની એક પ્રોફેસર હતી, શું નામ હતું તેનું... હા, મિસ. રોઝી ખંભાટા, ખૂબ સુંદર, જાણે સ્વયં ક્લીઓપેટ્રા પોતાનો પાઠ ભણાવવા અમારા કોલેજના ક્લાસમાં આવી ગઈ હોય તેમ લાગતું.' રાજીવની આંખો દૂર દેખાતી દરિયાની લહેરો તરફ મંડાણી. 'વાઉ, શું વાત કરો છો ડેડા, રિઅલી, પછી?' અથર્વને રાજીવની વાતમાં રસ પડ્યો હતો. 'હું કોલેજમાં કોઈપણ પ્રોફેસરનો લેક્ચર બંક કરતો પરંતુ, રોઝી મિસનો એક પણ લેક્ચર ભૂલમાંય ચૂકતો નહીં. એવું નહીં કે તે માત્ર સુંદર દેખાતા હતા, તેમની અંગ્રેજીના પાઠ ભણાવવાની રીત પણ ખૂબ સારી હતી. એક સમય તો મને એમ લાગવા માંડ્યુ હતું કે, હું રોઝી મિસના પ્રેમમાં પડી ગયો છું.' ધ્યાનથી રાજીવની વાત સાંભળી રહેલા અથર્વને રાજીવ એકી નજરે જોઈ રહ્યો હતો. 'ઓહ વાઉ, ધેન?' અથર્વ બોલ્યો. 'દીકરા બધી વાતો તારે તારા બાપ પાસે સાંભળી લેવી છે કે, પોતાની પણ કોઈ વાત કહેશે!' રાજીવે જાણી જોઈને તેની વાત અધુરી છોડી દીધી. 'ડેડા...' અથર્વ કંઈક કહેવા માગતો હતો. 'યસ, બોલ બોલ, ડોન્ટ વરી.' રાજીવે જાણે ઈરાદાપૂર્વક અથર્વ તરફથી નજર હટાવી લીધી. 'ડેડા, અમારી સ્કૂલમાં પણ રોઝી મિસ જેવા જ મેથ્સના એક નવા ટીચર આવ્યા છે, અને...' અથર્વને આગળ કહેવા માટે જાણે શબ્દો નહોતા મળી રહ્યા. 'અને... અને... ભાઈસાહબને તે મૅડમ ખૂબ ગમે છે... રાઈટ... રાઈટ હં…?' રાજીવે ફરી એકવાર અથર્વના ખભે હળવો ધબ્બો માર્યો. હળવા વાતાવરણમાં બાપ-દીકરાએ બીજી અનેક વાતો કરી અને ડીનર પતાવી બંને ઘરે જવા માટે કારમાં બેઠા. 'અથર્વ, મેથ્સના ટીચર કે કોઈ બીજી છોકરી તને પહેલીવાર જોતાં જ ગમી જાય તેમાં કંઈ જ ખોટું નથી, આ ઉંમર જ એવી છે દીકરા કે, સુંદર છોકરીઓ જોવી ગમતી હોય છે. હું એવું પણ નથી કહેતો કે, આ ખોટું છે કે તું બગડી રહ્યો છે, મને તારા પર વિશ્વાસ છે દીકરા, બસ આ સમયે તારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે જે છોકરી તરફ જોવું કે તેની સાથે વાત કરવી આજે તને ખુબ ગમે છે, તે કે તેવી છોકરી ત્યારે જ તારી સાથે વાત કરશે, મિત્રતા કરશે કે કાયમ માટે રહેવા તૈયાર થશે જ્યારે તું એક સફળ ભવિષ્યનો માલિક હશે. કોઈ ટીચરને ગુલાબ આપી પોતાની લાગણી પ્રદર્શિત કરવી તેમાં કંઈ જ ખોટું નથી પરંતુ, એ નહીં ભૂલતો કે તારા તે સુંદર ટીચર આટલા રૂપાળા દેખાતા હોવા છતાં પણ તેમણે તેમના રૂપ તરફ નહીં પરંતુ ભણતર તરફ જરૂરી ધ્યાન આપ્યું તો જ તે તમારા ટીચર બની શક્યા છે.' રેસ્ટારાંમાં આવતી વખતે એકદમ હળવા મૂડમાં દેખાતો રાજીવ હમણાં એટલી જ ગંભીરતાથી વાત કરી રહ્યો હતો. અથર્વની આંખો પહોળી થઈ ગઈ, તેને સમજાતું નહોતું કે, મેં ટીચરને રોઝ આપ્યું હતું તેની ડેડાને કઈ રીતે ખબર પડી. 'તમને, તમને કોણે...' 'મને કોઈએ નથી કહ્યું દીકરા, મેં તો માત્ર આમ જ કોમન વાત કરી હતી, બટ ડોન્ટ ટેલ મી, રીઅલી તેં તારા ટીચરને ગુલાબ આપ્યું હતું?' અથર્વ નીચું જોઈ ગયો. 'અરે, એમાં ગભરાય છે શા માટે બેટા, તેં કંઈ જ ખોટું નથી કર્યું.' રાજીવે એકદમ પ્રેમાળ મિત્ર તરીકે કહ્યું. 'આઈ એમ સૉરી ડેડા' અથર્વ બોલ્યો. 'અરે, એમાં સૉરી શા માટે બેટા? તેં કોઈ ગુનો નથી કર્યો. બટ એની વે, ટીચર માટે લાગણી રાખો તેનો વાંધો નથી, બસ એટલું ધ્યાન રાખજે કે તે તારા ગુરુ છે. રોઝી મિસ મને પણ ગમતાં જ હતાં પરંતુ મને ખબર હતી કે, રોઝી મિસ જેવી ગર્લફ્રેન્ડ કે પત્ની મેળવવા માટે મારે પહેલાં એક સારા વ્યક્તિત્વના અને સારા ભવિષ્યના માલિક બનવું પડશે. હું એક સારો અને સંસ્કારી પુરૂષ બનીશ તો જરૂર મને પણ રોઝી મિસ જેવી જ કે કદાચ તેનાથીય વધુ સુંદર ગર્લફ્રેન્ડ કે પત્ની મળશે અને જો મને તારી મમ્મા મળી કે નહીં?' ખબર નહીં અથર્વના મનમાં શું આવ્યું પરંતુ તે તેના ડેડાને ભેટી પડ્યો.

આ વાતને લગભગ એક મહિનાથીય વધુ સમય વિતી ગયો હશે. દરમિયાનમાં અથર્વ અને રાજીવ વચ્ચે વાત થતી રહેતી હતી, નિતીક્ષા નહીં સાંભળે તે રીતે ઘણીવાર રાજીવ તેને મેથ્સના ટીચર વિશે પણ પૂછી લેતો અને સાથે જ એક યા બીજી રીતે તે તેમની વચ્ચે થયેલી વાતો પણ અથર્વને યાદ કરાવી દેતો. અને અચાનક એક દિવસ રાજીવની ઓફિસ પર એક ફોન આવ્યો. રાજીવ તે ફોન મૂકી તુરંત જ અથર્વની સ્કૂલ પર પહોંચી ગયો. તેણે ત્યાં જોયું તો નિતીક્ષા પહેલેથી જ આચાર્ય સાહેબની ઓફિસમાં બેઠી હતી અને રડી રહી હતી. રાજીવને આવેલો જોતાં જ તેના રડવાનો અવાજ ઊંચો થઈ ગયો. 'મેં પહેલાં જ કહ્યું હતું તમને કે છોકરા પર ધ્યાન આપો, તે અવડે પાટે જઈ રહ્યો છે. પણ મારી વાત તો તમને...' નિતીક્ષા જોરમાં જોરમાં રડી રહી હતી. આચાર્યની કેબિનમાં એક તરફના ખૂણે અથર્વ ઊભો હતો, તે પણ રડી રહ્યો હતો. તેના કપડાં ચોળાયેલા હતાં જાણે કોઈકની સાથે તેણે ખૂબ મારામારી કરી હોય. આચાર્ય સાહેબના ટેબલ સામે મૂકાયેલી ખુરશીઓમાંથી એક ખુરશીમાં કોઈ યુવાન સ્ત્રી બેઠી હતી અને તે પણ રડી રહી હતી, બીજી ખુરશીમાં બેઠેલાં વાઈસ પ્રિન્સીપાલ મૅડમ તે સ્ત્રીને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. આખુંય વાતાવરણ ખૂબ જ તંગ જણાતું હતું. રાજીવે પહેલાં આચાર્ય તરફ ત્યારબાદ પેલી સ્ત્રી તરફ નજર કરી અને ત્યારબાદ તેણે અથર્વ તરફ જોયું અને તુરંત જ તે તેના તરફ દોડ્યો,'શું થયું અથર્વ? શું વાત છે?' 'તેના ટીચર પર રેપ કરવાનો પ્રયત્ન કર્યો છે તમારા દીકરાએ!' ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલા આચાર્ય મોટા અવાજે બોલ્યા. 'શું? શું વાત કરો છો? તમે શું બોલો છો તેનું ભાન છે તમને? હી ઈઝ જસ્ટ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ.' રાજીવનો પણ સામે અવાજ ઊંંચો થઈ ગયો. ‘મને શું બોલું છું તેનું ભાન છે કે નહીં તે પૂછવા કરતા તમારા દીકરાએ શું કર્યું છે તેનું તમને ભાન હોવું જોઈએ મિસ્ટર.' આચાર્યએ બરાડો પાડ્યો.

રાજીવે આચાર્ય સાહેબ પાસે અને ત્યારબાદ પેલી સામે બેઠેલી સ્ત્રી પાસે આખીય ઘટના સમજવાનો પ્રયત્ન કર્યો, આ બધામાં આચાર્ય અને સ્ટાફના બીજા માણસો વારંવાર બસ એક જ વાત કરી રહ્યા હતા,'આ નાલાયકને... પોલીસને બોલાવીને સોંપી દો,' મહામુસીબતે રાજીવે આચાર્ય પાસે અથર્વ સાથે થોડીવાર એકલામાં વાત કરવાની પરવાનગી મેળવી અને બાપ સામે બેસતાંની સાથે જ અથર્વ દળ-દળ આંસુએ રડી પડ્યો,'મેં કંઈ જ નથી કર્યું ડેડા, મેં કંઈ જ નથી કર્યું.' રાજીવે થોડીવાર આંખો બંધ કરી અને ત્યારબાદ તેણે સૌથી પહેલું કામ દીકરાને ગળે વળગાડવાનું કર્યું. તેણે અથર્વને મન ભરીને રડી લેવા દીધો અને ત્યારબાદ બાપ-દીકરા વચ્ચે થોડાં વાક્યોની વાત-ચીત થઈ. રાજીવ ઊભો થયો અને અથર્વને કહ્યું,'કંઈ પણ થાય, કોઈ પણ બોલાવવા આવે હું નહીં કહું ત્યાં સુધી તું આ જગ્યાએથી ઊભો નહીં થશે, સમજાય છે મારી વાત?' રાજીવ કડક અવાજમાં બોલ્યો. અથર્વ ફરી એકવાર રડમસ થઈ ગયો તેણે હકારમાં માથું હલાવ્યું.

'ઓકે, આચાર્ય સાહેબ, કરો ફોન પોલીસને અને સોંપી દો મારા દીકરાને તે ગુનેહગાર છે.' રાજીવ બોલ્યો અને ત્યારબાદ તેણે સીધી જ પેલી સ્ત્રી તરફ નજર કરતાં કહ્યું, 'કેમ મૅડમ, બરાબરને, અથર્વને સોંપી દેવો જોઈએને પોલીસમાં? માત્ર એટલું ધ્યાન રાખજો કે પછી પોલીસ મારા દીકરાને, સ્કૂલના બીજા છોકરાઓને અને પછી મને પણ બધી જ વિગતો પૂછશે, તમને વાંધો તો નથીને?' રાજીવ એકદમ સ્વસ્થતાથી બોલી રહ્યો હતો. 'તમે આ શું બોલો છો તમને ભાન છે? આપણા દીકરાનું ભવિષ્ય... ઓહ, અથર્વ તે આ શું કરી નાખ્યું?' નિતીક્ષા ફરી પોક મૂકીને રડવા માંડી. રાજીવ હજીય એકધારૂં પેલી સ્ત્રી તરફ જ જોઈ રહ્યો હતો. આખરે, તે મેથ્સના મેડમ બોલ્યા,'જવા દો સર, મારા લીધે કોઈ છોકરાનું ભવિષ્ય...' 'ચુપ...!' અચાનક રાજીવ બરાડ્યો. 'રેપ કરવાનો પ્રયત્ન મારા દીકરાએ નહીં, પરંતુ આ મેડમે તેના સ્ટુડન્ટ પર કર્યો છે, સાહેબ. આખીય હકીકત તમે જણાવો છો કે હું બધાની સામે તમારી ઈજ્‍જત ઊતારૂં?' રાજીવની આંખ લાલ થઈ ગઈ હતી, તેનું આખુંય શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું. પેલી સ્ત્રીએ અચાનક વળાંક લીધો અને આચાર્યના પગમાં પડી ગઈ. 'મને માફ કરી દો સાહેબ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો...'

'સંતાનને કાયમ આપણા ધોલધપાટ કે ધાકની જ જરૂર નથી હોતી નિતીક્ષા, ઉષ્માભર્યો વ્હાલ અને જરૂર મુજબની સમજાવટ આ બધાં જ કરતા વધુ સારા પરિણામ લાવી શકે છે.' દીકરા અને પત્નીને ગળે વળગાડી રાજીવ માનભેર પોતાની કાર તરફ ચાલવા માંડ્યો.

 


Rate this content
Log in

Similar gujarati story from Children