Zaverchand Meghani

Classics Inspirational

0  

Zaverchand Meghani

Classics Inspirational

તુચ્છ ભેટ

તુચ્છ ભેટ

2 mins
350


યમુનાનાં પાણી ઘુમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની હારમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલથી પેઠે દિવસ રાત ગરજ્યા કરે છે.

નદીની એ વાંકીચૂકી વેણી વીંખતા વીંખતા આસમાની પહાડો એક પછી એક આઘે–કેટલે ય આઘે ચાલ્યા જાય છે. શિખર બધાં અચળ ઊભાં છે તો યે જાણે ચાલતાં જણાય છે અને નદી ચાલી જાય છે તો યે જાણે સાંકળે બાંધેલી સ્તબ્ધ ઊભી હોય તેવું લાગે છે. પહાડો ઉપર ઊંચાં ઝાડ ઊભાં છે : કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બેલાવતા હોય! આવા પ્રદેશમાં પર્ણકુટી બાંધીને શીખ ગુરુ રહેતા હતા.

એક દિવસ ગુરૂજી પ્રભુલીલા વાંચી રહ્યા છે. તે સમયે રાજા રઘુનાથ પધાર્યા. ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યા : 'હે પ્રભુ ! દીન સેવક થોડી ભેટ લાવ્યો છે.'

હાથ લંબાવીને ગુરૂજીએ રાજાના મસ્તક પર મેલ્યો, આશીષ આપી, કુશળખબર પૂછયા. હિરાજડિત બે સોનાનાં કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધાં. 

ભોંય પરથી કંકણ ઉઠાવીને ગુરુદેવ આંગળી ઉપર ચકર ચકર ફેરવવા લાગ્યા. કંકણના હીરાની અંદરથી હજારો કિરણો નીકળતાં હતાં : કેમ જાણે હજાર હજાર કટારો છૂટતી હોય !

લગાર મોં મલકાવીને ગુરુએ કંકણો નીચે ધર્યાં ને પાછા એ તો પુસ્તકની અંદર આંખે માંડીને વાંચવામાં મશગૂલ બન્યા. સામે રાજા રઘુનાથરાવ બેઠા છે તેની પણ એ સાધુને પરવા ન રહી.

ત્યાં તો અચાનક એ પથ્થર પરથી એક કંકણ લપસી ગયું ને દડતું દડતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડયું.

'અરે ! અરે !' એવી ચીસ પાડીને રઘુનાથ રાજાએ એમ ને એમ પાણીમાં ઝંપલાવ્યું. બે હાથ લંબાવીને રાજા ચેામેર કંકણને શોધવા લાગ્યા.

ગુરુજીના અંતરમાં તે પ્રભુની વાણીનો પરમ આનંદ જાગ્યો હતો. પુસ્તકની અંદરથી એણે તે પલવાર પણ માથું ઊંચું ન કર્યું.

યમુનાનાં શ્યામ જળ ચોમેર ઘુમરી ખાઇખાઇને જાણે રાજાને ટગાવી રહેલ છે ને કહે છે : 'જો અાંહીં પડયું છે કંકણ !' રાજાજી એ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકે, ત્યાં તો એ મસ્તીખોર નદી બીજે ઠેકાણે ઘુમરી ખાઇને ફોસ. લાવે : 'જો, જો, ત્યાં નહિ, અાંહીં પડયું છે તારું કંકણ.'

આખરે દિવસ આથમ્યો, આખો દિવસ પાણી ફેદયાં પણ રાજાજીને કંકણ ન જડ્યું, ભીંજાતે વસ્ત્ર અને ઠાલે હાથે 

રાજાજી ગુરુની પાસે આવ્યા. એના મનમાં તો શરમ હતી : 'કંકણ મળ્યું નહિ ! ગુરુજી મને શું કહેશે ?'

હાથ જોડીને રઘુનાથે કહ્યું : 'મહારાજ ! કંકણ કયે ઠેકાણે પડયું એ બતાવો તો હમણાં જ હું ગોતી કાઢું.'

'જોજે હો !' એમ કુહીને ગુરુજીએ યમુનાની અંદર બીજા કંકણનો પણ ઘા કર્યો ને કહ્યું : 'એ જગ્યાએ !'

શરમીંદો રાજા દિગ્મૂઢ બનીને ગુરુની સામે જોઈ રહ્યો. ગુરુજીનું મોં તો મલકતું જ રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Classics