ટીકટોકવાલા લવ
ટીકટોકવાલા લવ
હજી નેહાએ તેનો ટીક ટૉક પર વિડિયો અપલોડ કર્યો નથી કે તરત જ બે મિનિટમાં સાહિલ અને શીતલની કમેન્ટ પણ આવી ગઈ. હજી તે રીપ્લાય આપવા જ જાય છે ત્યાં બહારથી હમણાં જ આવેલા ગુંજનબેન અંદર આવતાની સાથે જ કિચન તરફ દોડ્યા.
"અરે, આ છોકરીએ તો ટિકટોકની રામાયણમાં શાક બાળ્યું. ખાલી દસ મિનિટ સરખું રસોઈ બનાવવામાં ધ્યાન આપી દઈશ તો તારા ટિકટોકવાળાને કશું નુકશાન નહીં થઈ જાય.''
''સોરી, મમ્મી... મારુ ધ્યાન નહોતું. '' નેહા ફોન મૂકીને બળેલા શાકને જોઈને બોલી.
''હા, મને ખબર જ છે એ તો શેમાં ધ્યાન હતું મહારાણીનું, આ ટિકટોક બનાવનારાની તો એક..બે...ને ત્રણ... હવે ઉભી શું ? જઈને કહે તારા ટિકટોકવાળાને તમારા પ્રેમમાં અમે શાક પણ બાળી શકીયે છીએ તો કંઇક મોકલો હવે." ગુંજનબેને ચિડાઈને કહ્યું.
"એટલો પણ ખરાબ આઈડિયા નથી હો મમ્મીજી... ચાલો બોલો કોને ફોન કરુ... ઝોમેટો કે સ્વિગ્ગી ? '' નેહાએ ફોન હાથમાં લઈને કહ્યું.
"ઝોમોટો - સ્વિગગી વાળી... આમાંને આમાં એક દિવસ તારા ધણીને ભિખારી બનવાનો વારો આવશે પછી એનો જ વીડિયો બનાવીને ટીકટોક પર મૂકજે એટલે હજારો લોકો લાઈક કરશે અને દયા આવશે તો પૈસા પણ આપશે." ગુંજનબેને કિચનમાંથી બહાર નીકળીને સોફા પર બેસતા કહ્યું.
"શું વાત છે ? તમે તો મોટી બીઝનેસની વાત કરી લીધી મમ્મીજી. હવે તો નિખિલ આવે ને એટલી જ વાર, પ્લાનને એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરી દઈએ. બાય ધ વે તમે ચાહો તો અમારી સાથે પાર્ટનરશિપ કરી શકો છો." નેહાએ સામે ગુંજનબેનને ચીડવતા કહ્યું.
"હે ભગવાન... આ શું છોકરી છે ? ટિકટોક એ બગાડી છે કે જન્મથી જ આવી પેદા થઇ એ જ નથી ખબર પડતી. હવે છાનીમાની જઈને ગેસ ચાલુ કર નહીં તો તારા નિખિલને આજે ભૂખ્યા રહેવાનો વારો આવશે."
"જેવો તમારો હુકમ, મમ્મી." એમ કહીને નેહા અંદર ગઇ.
પાંચ મિનિટ પછી ગુંજનબેનના ફોનની મેસેજ ની રીંગ વાગી ત્યાં કિચનમાંથી નેહાનો અવાજ આવ્યો.
"મમ્મી...જોવો નિખિલએ તમને કંઈક મોકલ્યું છે..
"નિખિલ મને શું કામ કઈ મોકલે ?"
"અરે પણ જોવો તો ખરા... એનો ફોન આવ્યો કે મમ્મીને કહેજે કે ફોન ખોલે."
"તને બઉ ખબર..."
એમ કહીને ગુંજનબેન જોવે છે તો નેહાએ હમણાં બે મિનિટ પહેલા કિચનમાં જઈને ટિકટોકમાં પોસ્ટ કરેલો વીડિયો તેમને મોકલ્યો હતો.
"પ્યાર મેં હમ ટિકટોક કે ઇતને ખો ગયે કિ અબ સબ્જીયાં ભી હમસે જલને લગી,
લેકિન કોઇ બાત નહીં હમ આજ ઝોમેટો સે કામ ચલા લેંગે. "
અને નેહા હસતી હસતી કિચનમાંથી બહાર આવી.
"હે ભગવાન, આ છોકરીથી કોઈ મને બચાવો. રસોઈ કરવા મોકલી એના બદલે જઈને ટીકટોક બનાવે છે. પહેલાની વહુ શારીરિક રીતે હેરાન કરતી હતી અને આ વહુ ટિકટોકથી. બસ ખાલી હેરાન કરવાનું સ્વરૂપ બદલાયું છે."
"અરે, મમ્મી મે ઝોમેટોવાળાને ઓર્ડર કરી દીધો છે. હમણાં આવી જશે, હવે ચિંતા નહિ કરો. લો તમે પણ ટ્રાય કરો ટિકટોક, મારી જેમ તમે પણ તેના પ્રેમમાં ના પડી જાવ તો મને કહેજો." એમ કહીને નેહા નવો વિડીયો સેટ કરીને ગુંજનબેન પાસે લઇ ગઈ.
" ના હો. મારે કઈ ટ્રાય કરવું નથી. તું અને તારું ટિકટોક બંને મારાથી સો ફૂટ દૂર જ રહેજો, ખબર નહી ભૂતની જેમ બધાને વળગ્યા છે એમ મને પણ વળગી ન જાય."
''શું મમ્મી તમે પણ, તમે તો હનુમાનજીના ભક્ત છો તમને વળી શું વળગે ?''
પોતાના વહુના આ ટિકટોક પ્રેમથી ગુંજનબેન ખરેખર ત્રાસી ગયા હતા. નેહા હતી તો આમ ખુશમિજાજી, ક્યારેય ચહેરા પર નીરસતા કે ગુસ્સો જોવા ના મળે અને પ્રેમથી બધાને બોલાવવાની આદત. ગુંજનબેન ગુસ્સો કરે તો પણ પ્રેમથી ઓગાળી નાખે એવી મીઠડી હતી. પણ માત્ર આ ટીકટોક બન્ને વચ્ચે ક્યારેક આવી ને તણખા વેરી દેતું. નેહાને વાત વાતમાં ટીકટોક બનાવવાની આદત હતી. કઈ બહાર ફરવા જાય તો પણ તેનું ધ્યાન જોવા કરતા ફોનમાં વધારે રહેતું. તેને લાગ્યું કે મારે નેહાને કોઈ પણ રીતે આમાંથી બહાર કાઢવી છે.
તેમણે પોતાની સહેલી ચેતનાને આ વિશે કંઈક ઉકેલ હોય તો બતાવવાનું કહ્યું. ચેતના એ કહ્યું, "જો ટિકટોક ઉપર પ્રતિબંધ મુકાઇ ગયો છે એટલે ફરીથી ઇન્સ્ટોલ તો નહીં થઈ શકે તો એક કામ કરજે એ જ્યારે ના હોય ને ત્યારે તેના ફોનમાંથી ટીકટોક જ ડીલીટ કરી નાખજે. પછી બધું એની મેળે જ સોલ્વ થઈ જશે."
સવારે ફોન મૂકીને નેહા નાહવા ગઈ એટલે તરત ગુંજનબેને તેના ફોનમાંથી ટીકટોક ડિલીટ કરી નાખ્યું.
નેહા બહાર આવી અને તેમાંય સવાર સવારનો મોર્નિંગ વિડીયો લેવા માટે તેણે ફોન ખોલ્યો અને જોયું તો ટિક ટોક ગાયબ.
'આ ડીલીટ કોણે કર્યું ?'
p>
ગુંજનબેને કહ્યું, "અરે ટીક ટોક પર પ્રતિબંધ છે એટલે બંધ થઇ ગયો હશે."
તેમણે નેહાની ત્રણ - ચાર ફ્રેન્ડને પણ કહી રાખ્યું હતું કે સવારે ફોન કરીને તમારે નેહાને એટલું કહેવાનું છે કે તમારા ફોનમાંથી પણ ટીકટોક જતું રહ્યું છે. એટલે તેને શંકા ન થાય.
ફ્રેન્ડ્સના ફોન આવ્યા પછી નેહાનો મૂડ એટલો ખરાબ થઈ ગયો કે તે રોવા બેઠી. તેને લાગ્યું કે તેના જીવનનું એક અગત્યનું અંગ છીનવાઈ ગયું હોય, પણ આ તો ગુંજનબેન હતા એમ કઈ નેહાને રોવા દેય. તેમણે આગળનો પ્લાન રેડી જ રાખ્યો હતો. તેને સોસાયટી મહિલા મંડળને જણાવી દીધું હતું કે ગમે તેમ કરીને અમારા ઘરેથી આવીને નેહાને તમારી સાથે લઈ જજો અને મહિલા મંડળની પાર્ટીમાં તેને સભ્ય બનાવજો. બપોરે મહિલા મંડળના સભ્યો કિર્તીબેન અને સેફાલી આવ્યા અને કહ્યું કે, "કેમ ઉદાસ છો નેહાબેન, ચાલો અમારી સાથે, તમને ખૂબ જ મજા પડશે અમારા કામમાં."
આમેય નેહા પાસે કંઈ હતું નહીં, નવરા બેઠા તને વધુ ટીકટોકની યાદ આવતી હતી, નાછૂટકે સમય પસાર કરવા નેહાને જવું પડ્યું. તે દિવસ તેનું મન ન લાગ્યુ, પણ વાસ્તવિક દુનિયાનો આ નવો અંદાજ તેને થોડીવાર માટે ટિકટોકને ભુલાવી દેવા માટે બહેતર ઈલાજ હતો.
પણ ઘર જતાની સાથે જ તેનું મન પાછું તેના દુઃખમાં ગરકાવ થઈ ગયુ.
નેહા આવી કે તરત જ ગુંજનબેન એ કહ્યું, "બેટા, જો તારા માટે મેં તારી પસંદનું મસ્ત જમવાનું બનાવ્યું છે. તું જમી લે પછી આપણી બાજુમાં બે ત્રણ છોકરાઓ રહે છે તે બિચારાને ગણિત બરાબર આવડતું નથી. તો મેં કહ્યું છે કે તારું ગણિત સારું છે, એટલે હમણાં સાંજે આવશે તું શિખવાડજે.''
''સારું.. મમ્મી, મને પણ મજા આવશે ઘણા દિવસે બાળકોને ભણાવવાની.''
જમ્યા પછી નેહાએ બાળકોને રસપૂર્વક ભણાવ્યા, તેમની સાથે મજાક મસ્તી કરી. નેહાને આજનો ટીકટોક વિનાનો દિવસ કંઈક જાણે અલગ પણ મજાનો લાગ્યો.
રોજ ટિકટોક સામે બેસીને તે એક કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતી હતી એને બદલે આજે તેણે બાળકો અને મહિલા મંડળની મહિલાઓ સાથે જે નવા વિષયોને જાણવાની, માણવાની અને દરેક માણસને પણ ઓળખવાની તક મળી. આજે તેણે સમય લોકો સાથે પસાર કર્યો જે ફોનમાં રહેલા માણસો સાથે પસાર કરતી હતી. ટીકટોકની સરખામણીમાં આ રિયલ વર્લ્ડ કેટલાય ગણું કિંમતી હતું. પણ તે ક્યારેય બહાર જ નીકળી શકી. આજે લાગ્યું કે જેને સ્પર્શી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય, જોડે હસી શકાય એવા જીવંત માણસોને છોડીને તે મોબાઈલ જેવા રમકડાંમાં જીવન શોધતી હતી. એક એવી દુનિયા કે જ્યાં હું નહીં હોઉં તો કઈ ફેર નથી પડતો, જયારે અહીં લોકો સાથે રહીને જીવવાની કેટલી કિંમત છે. તેને ખુદ પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો.
નેહાએ બીજે દિવસે સામેથી કહ્યું, "મમ્મી હું મહિલા મંડળ સાથે જઉં છું અમે આજે ગરીબ વિસ્તારના બાળકોને ભણાવવા જવાના છીએ.''
''શું વાત છે આજે મારી દીકરી ટીકટોક વિના પણ આટલી ખુશ છે ?''
''મમ્મી... તું સાચું જ કહેતી હતી, જીવંત માણસોની સાથે રહીને જીવવાની જે મજા છે તે મજા ફોન જેવા નકલી સાધનમાં નથી. આટલો સમય મેં ટીકટોક પર કાઢ્યો પણ મળ્યું શું ? બસ એક ક્ષણ કે મિનિટ માટેની ખુશી. એનાથી વિશેષ કઈ નહીં. જયારે લોકો સાથે રહીને કાલે મને જે અંદરથી ખુશી થઇ એ ક્યારેય નથી થઇ. મને ટીકટોકથી બહાર કાઢીને તમે જે જીવંત લોકો સાથે સંપર્ક કરાવ્યો છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી."
''અરે એમાં મેં કઈ જ નથી કર્યું બેટા, આ તો ઉપર વાળાની કૃપા કે ટીકટોક પર પ્રતિબંધ મુક્યો."
''અને હા તમારી કૃપા પણ... હો, મને કાલે રાતે જ નિધિનો કોલ આવ્યો હતો કે તમે જ એમને કીધું હતું, પણ એ સાંભળી ગુસ્સો આવવાની જગ્યાએ મને તમારી ઉપર વધુ પ્રેમ આવ્યો છે કે તમને તમારી વહુની પણ કેટલી ફિકર છે."
"કોણે કહ્યું કે તું મારી વહુ છે, તું વહુ નથી પણ મારી લાડકી દીકરી છે મારી ઈચ્છા માત્ર તું ટિકટોક જેવી સમય બગાડતી ચીજોથી બહાર આવે અને વાસ્તવિક જીવનમાં બધાને પ્રેમ કરતા શીખે એવી હતી. બાય ધ વે નેહા શું કે છે થઈ જાય આના પર એક ટિકટોક..." ગુંજનબેને નેહાને ચિડવીને કહ્યું.
"મમ્મી...." એમ કહીને નેહા ગુંજનબેનને વળગી પડી.
"જો તારું ટિક ટોક મને વળગ્યું...." ગુંજનબેને મજાકથી ગાલ પર હાથ ફેરવ્યો કે તરત નેહાએ શરૂ કર્યું,
"આજ કુછ પતા ચલા હૈ કિતના યે બેવફા હૈ,
ટિકટોક વાલા લવ,
જાના કુછ અંજાના હૈ લેકિન સબકા યે દિવાના હે,
ટિકટોક વાલા લવ.
કિતનો કે દિલ તોડકર તેરે કો અબ યહા સે જાના હે,
ટિકટોક વાલા લવ."